દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે. ઇંધણ માટે આપણો દેશ વિદેશ પર જ આધાર રાખવા માટે મજબૂર છે. ઇરાન-અમેરિકા-ઇઝરાયેલ યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટથી ઇંધણ લઇને આવતા જહાજોનો માર્ગ બંધ થઇ ગયો છે. પરિસ્થિતિ આપણા હાથમાં નહીં હોવાના કારણે દેશના વડા પ્રધાન મોદીએ સમગ્ર દેશને ઇંધણ બચાવવાની અપીલ કરી હતી. પરંતુ કરમની કઠનાઇ એ છે કે, ભાજપના નેતાઓ પર જ આ અપીલની કોઇ અસર પડી નથી. નેતા એટલે કે લીડર. જે લીડ કરે અને પ્રજા તેને ફોલો કરે. પરંતુ અહીં તો નેતાઓ જ બેફામ બની ગયા છે.
મધ્ય પ્રદેશના પાઠ્ય પુસ્તક નિગમના અધ્યક્ષ તરીકેનો પદભાર ગ્રહણ કરવા સૌભાગ્ય સિંહ ઉજ્જૈનથી ભોપાલ આવ્યા ત્યારે તેમની સાથે ગાડીઓનો આ કાફલો હતો. અહીં જોવા મળેલી ગાડીઓ ઉજ્જૈનના ભાજપ નેતાઓ અને કાર્યકરોની હતી. ગાડીઓની સંખ્યા પણ વધુ હોવાથી શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. પીએમ મોદીની ઇંધણ બચાવવાની અપીલ પછી તરત જ આવો કાફલો જોવા મળતાં આખો કાર્યક્રમ ચર્ચામાં આવ્યો હતો. આ આખા મામલે સૌભાગ્યસિંહનો મત જાણવા પ્રયાસ કરાયો હતો.
જોકે, તેમનો સંપર્ક થઈ શક્યો નથી. મહત્ત્વનું છે કે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રીએ તેમના કાફલામાંથી ગાડીઓ ઓછી કરવાનો નિર્ણય પણ કર્યો છે. સૂત્રો અનુસાર, વડાપ્રધાનની 10 મેની અપીલ પછી પણ મધ્ય પ્રદેશમાં 8-9 સ્થળોએ મોટા વાહન કાફલાઓ સાથે સ્વાગત રેલીઓ કાઢવામાં આવી. આને સીધી પીએમની અપીલની અવગણના માનવામાં આવી રહી છે. પ્રદેશ ભાજપે તાત્કાલિક પગલાં લેતા સંબંધિત નેતાઓને 17 મેના રોજ ભોપાલ બોલાવ્યા છે. બીજા રાજ્યની વાત જવા દઇએ કારણ કે, જે રીતે ગુજરાત ભાજપના લીડર નરેન્દ્ર મોદીને જાણે છે તેટલું બીજા રાજ્યના નેતા નહીં જ જાણતા હોય તે સ્વાભાવિક છે પરંતુ ગુજરાતના નેતાઓએ પણ તેમની અપીલને ગણકારી નથી.
ગુજરાતની વાત કરીએ રાજ્ય સરકારની કથની અને કરણી વચ્ચેનો તફાવત ખુલ્લો પડ્યો છે. એક બાજુ, સરકાર પ્રજાને પેટ્રોલ-ડીઝલનો કરકસરયુક્ત ઉપયોગ કરવાના ઉપદેશો આપે છે, તો બીજી તરફ, ખુદ મંત્રીઓ જ નિયમોનો અમલ કરવા તૈયાર નથી. સરકારે પરિપત્ર જાહેર કરીને તમામ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ ‘કાર પૂલિંગ’ (એક જ ગાડીમાં સાથે આવવું) કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આ આદેશ માત્ર કાગળ પર જ શોભી રહ્યો છે, કારણ કે વીઆઈપી કલ્ચરમાં રાચતા મંત્રીઓને ગાડીઓનો મોહ છૂટતો નથી. કારપુલિંગ કરવામાં મંત્રીઓ જાણે નાનમ અનુભવી રહ્યા છે. નવાઈની વાત એ છે કે મંત્રીઓના સરકારી નિવાસસ્થાનથી સચિવાલયનું અંતર માંડ થોડા કિલોમીટરનું છે.
આટલા ટૂંકા અંતર માટે પણ મંત્રીઓ એકબીજા સાથે ગાડીમાં અવરજવર કરવા તૈયાર નથી. સચિવાલયમાં જોવા મળી રહ્યું છે કે, બધાાય મંત્રી સરકારી ગાડીઓમાં એકલા સવાર થઈને વટથી ફરે છે. આ દ્રશ્યો જોઈને એમ લાગેકે, શું નિયમો અને શિસ્તના પાઠ માત્ર સામાન્ય જનતાએ જ ભણવાના?. મંત્રીઓને કોઈ નિયમ લાગુ પડે નહીં? એક બાજુ મોંઘવારી અને ઈંધણના વધતા ભાવથી સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે, ત્યારે પ્રજાના ટેક્સના પૈસા પર ચાલતી આ સરકારી ગાડીઓનો બેફામ ઉપયોગ એ મંત્રીઓની વૈભવી માનસિકતા દર્શાવે છે. જો મંત્રીઓ જ પોતે જ વીઆઈપી કલ્ચર છોડવા તૈયાર ન હોય, તો પ્રજા પાસે કરકસરની અપેક્ષા રાખવી એ સદંતર દંભ છે.
આ ‘કાર પૂલિંગ’ નીતિનો ફિયાસ્કો સાબિત કરે છે કે નેતાઓની કથની અને કરણીમાં જમીન-આસમાનનો તફાવત છે. આ તરફ, રાજ્ય સરકારે પરિપત્ર જારીને કરીને સરકારી બાબુઓ-કર્મચારીઓને આદેશ કર્યો છેકે, કારને બસ-મેટ્રો ટ્રેનમાં પ્રવાસ કરે. આ ઉપરાંત કારપુલિંગ પણ કરે. દેશની અત્યારની સ્થિતિ એવી છે કે, વડાપ્રધાન કોઇપણ પક્ષનો હોય, ભાજપ કે કોંગ્રેસ કે પછી અન્ય કોઇ પક્ષ. અત્યારની સ્થિતિ એવી છે કે દેશના દરેક લોકોએ સાથે મળીને તેનો સામનો કરવો જોઇએ પરંતુ સૌથી પહેલા નેતાઓએ શરુઆત કરવી જોઇએ.