SURAT

સુરતમાં બન્યો વિચિત્ર બનાવ, ગેસ ચાલુ કરવા જતાં વીજકરંટ લાગ્યો, યુવકનું મોત

સુરત: (Surat) સુરતમાં વરસાદનો (Rain) માહોલ જામ્યો છે. ચોમાસા દરમિયાન કરંટ (Current) લાગવાના બનાવો બનતાં હોય છે, જેના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. આવો જ એક બનાવ  પાંડેસરાના રાધાકૃષ્ણ આવાસમાં બન્યો છે, જેમાં ગેસની પાઈપ લાઈનમાં કરંટ પ્રસર્યો હોય, તે દરમિયાન તેને અડી ગયેલા યુવકનું વીજ કરંટથી મોત થયું હતું. યુવાનના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

  • પાંડેસરામાં વિચિત્ર બનાવ, ગેસ ચાલુ કરવા જતાં વીજકરંટ લાગવાથી યુવકનું મોત
  • સોસાયટીમાં પાણી ભરાતાં વીજકરંટ ગેસની પાઈપલાઈનમાં પ્રસર્યો હતો અને યુવકનો જીવ ગયો

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રાધાકૃષ્ણ આવાસમાં રહેતો  38 વર્ષીય પ્રદીપ કુમાર વર્માના તાજેતરમાં જ લગ્ન થયા હતા. પ્રદીપ તેની પત્ની સાથે સુરતમાં રહી સિલાઈ મશીનનું કામ કરતો હતો. ધોધમાર વરસાદને કારણે પ્રદીપના આવાસમાં પણ પાણી ભરાઈ જતાં કરંટ ગેસની પાઈપ લાઈનમાં ઉતરી ગયો હતો. તે દરમિયાન પ્રદીપ ગેસ ચાલુ કરવા માટે જતાં તેને કરંટનો જોરદાર ઝટકો આવ્યો હતો અને તે ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે પ્રદીપની બહેનો ગભરાઈ ગઈ હતી અને તેમણે આજુબાજુના લોકોને બોલાવ્યા હતા. લોકોએ એમ્બ્યુલન્સ મારફતે પ્રદીપને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે પ્રદીપને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસ કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી. 

ખરવરનગર BRTS નજીક અજાણ્યા વાહનની અડફેટે ઈજાગ્રસ્ત શ્રમજીવીનું મોત
સુરત: ખટોદરા વિસ્તારમાં નોકરી પરથી ઘરે જતા પાંચ સંતાનના પિતાને અજાણ્યા વાહનના ડ્રાઈવરે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના વતની ૩૬ વર્ષીય રામપ્રતાપ હીરાલાલ સિંગ, ખટોદરા વિસ્તારની નંદ પરમાનંદ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતાં. તેઓ 4 મહિના પહેલા જ કામધંધા માટે સુરત આવ્યા હતાં.

તેઓ ક્રશ મશીન ચલાવી પરિવારનું ભરણ-પોષણ કરતા હતા. તેમને પરિવારમાં પત્ની, ત્રણ પુત્ર અને બે પુત્રી છે. ગત 22મી જૂનના રોજ રાત્રીના સવા નવ વાગ્યે નોકરી પરથી રાત્રે પરત ફરી રહ્યા હતા. દરમિયાન તેમને રોકડીયા હનુમાનથી જોગાણી માતાના મંદિર તરફ આવતા રોડ પર અજાણ્યા વાહને અડફેટે લીધા હતા અને વાહનચાલક ફરાર થઈ ગયો હતો. પરિવારને જાણ કરવા સાથે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં 6 દિવસની સારવાર બાદ મૃત જાહેર કરાયા છે. વાહન અકસ્માતના બનાવ અંગે ખટોદરા પોલીસ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

Most Popular

To Top