Dakshin Gujarat

વાપીમાં ટેન્કર અડફેટે મોપેડ સવાર ત્રણ મિત્રો પૈકી એકના માથા પર ટાયર ફરી વળતા મોત

વાપી: (Vapi) વાપી જીઆઈડીસીના (GIDC) સેકેન્ડ ફેઝ, વિનંતી નાકા પર ટેન્કર અડફેટે મોપેડ આવી જતા મોપેડ (Moped) પર ટયુશન કલાસ જઈ રહેલા ત્રણ પૈકી એકના માથા પર ટાયર ફરી વળતા તેનું મોત નિપજ્યું હતું. જે બનાવ અંગેની ફરિયાદ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરવામાં આવી હતી.

  • વાપીમાં ટેન્કર અડફેટે મોપેડ સવાર ત્રણ પૈકી એકના માથા પર ટાયર ફરી વળતા મોત
  • ત્રણ મિત્રો મોપેડ લઈને વાપી જીઆઈડીસી સેકેન્ડ ફેઝ વિનંતી નાકાથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી દોડી રહેલા ટેન્કરની અડફેટમાં આવી ગયા

વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ બિહારના વતની અને હાલ વાપીના કંચન નગરમાં આવેલી ચાલીમાં શહીદઆલમ અબ્દુલરશીદ અંસારી (ઉં.23) પરિવાર સાથે રહે છે. તેનો નાનો ભાઈ જીશાનઆલમ (ઉં.18) મોપેડ નં. જીજે-15 ડીઆર-4543 લઈને તેના બે મિત્રો રેહાન આસીર બેલીમ અને મોહમદ હમજા શેખ સાથે ટ્યુશન જવા માટે નીકળ્યા હતાં. તેઓ મોપેડ લઈને વાપી જીઆઈડીસી સેકેન્ડ ફેઝ વિનંતી નાકાથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી દોડી રહેલા ટેન્કર નં. જીજે-12 એટી-5491 ની અડફેટમાં આવી ગયા હતા.

મોપેડ હંકારી રહેલા જીશાન આલમના માથાના ભાગે ટેન્કરનું ટાયર ફરી વળ્યું હતું અને ગંભીર ઈજાને લઈ તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે બંને મિત્રોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત કરનાર ટેન્કરચાલક સ્થળ પર જ હોય તેનું નામ પૂછતા સિકંદર ઈશુમીયા મકરાણી (રહે. ગાંધીધામ, કચ્છ) હોવાનું જણાવ્યું હતું. જે બનાવ અંગેની ફરિયાદ મૃતકના મોટા ભાઈ શહીદઆલમે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી.

દમણની ખાડીમાં માછલી પકડવા ઉતરેલો યુવાન યુવાન તણાયો
દમણ : સંઘપ્રદેશ દમણના વરકુંડની ખાડીમાં માછલા પકડવા ઉતરેલા યુવાનો પૈકી એક યુવાન ખાડીના વહેણમાં તણાઈ ગયો હતો. મળી રહેલી માહિતી મુજબ દમણના વરકુંડ મેરી ફળિયામાં રહેતો અને ડાભેલની કોસલા પ્રોફાઈલ નામની કંપનીમાં નોકરી કરતો 24 વર્ષીય નિકુલ મીટના આજરોજ તેના સાથી મિત્રો સાથે વરકુંડની ખાડીમાં માછલાં પકડવા ગયો હતો. જ્યાં ખાડીમાં હેમંત નામનો યુવાન ખાડીના બીજા છેડે પહોંચી ગયો હતો. જ્યારે નિકુલ શરીરે માછલી પકડવાના ઉપયોગમાં આવતા સોગીયો (એક પ્રકારની જાળ) સાથે ઉતર્યો હતો. જ્યાં ખાડીમાં પાણીનો પ્રવાહ વધી જતાં તે ડૂબવા લાગ્યો હતો. નિકુલે જીવ બચાવવા માટે બૂમાબૂમ કરી મદદ માંગી હતી, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાને લઈ પાણીના પ્રવાહમાં દૂર સુધી તણાઈ ગયો હતો. ઘટનાની જાણ પરિવારના સદસ્યોને થતાં તેઓ ખાડી પાસે દોડી આવી નિકુલની શોધખોળ આદરી હતી. અંતે દમણ ફાયર વિભાગની મદદ લેતાં ફાયર વિભાગના ઓફિસર એ.કે.વાલા સહિત જવાનો, સ્કુબા ડાયવર સહિત પોલીસ ટીમ વરકુંડની ખાડી પાસે આવી શોધખોળ શરૂ કરી હતી. સવારથી લઈ મોડી સાંજ સુધી હાથ ધરાયેલી તપાસ બાદ પણ યુવાનનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

Most Popular

To Top