SURAT

સુરતમાં કરોડો રૂપિયાની ઠગાઇ કરનાર વેપારી પોલીસને ધક્કો મારી નવી સિવિલમાંથી ફરાર

સુરત: (Surat) એક જ ફ્લેટ અનેક લોકોને વેચી દઇને કરોડો રૂપિયાની ઠગાઇ કરનાર સાહિદ કાપડીયા (Shahid Kapadia) પોલીસને (Police) ધક્કો મારીને ફરાર થઇ ગયો હતો. એક વર્ષથી જેલમાં બંધ સાહિદને લાજપોર જેલમાં (Lajpore Jail) સારવાર માટે લાવવામાં આવ્યો હતો. અહીં ડોક્ટરને મળવા જવાનું કહીને સાહિદે પોલીસને ધક્કો મારી નવી સિવિલની કિડની હોસ્પિટલના પાંચમાં માળેથી દાદરથી નીચે ઉતરી ભાગી ગયો હતો.

  • સાહિદે એક જ ફ્લેટ 11 જેટલા લોકોને વેચી દઇને કરોડો રૂપિયાથી પણ વધુની ઠગાઇ કરી હતી
  • છેલ્લા એક વર્ષથી સાહિદ કાપડીયા જેલમાં હતો, એક દિવસ પહેલા જ સારવાર માટે લાજપોરથી હોસ્પિટલ લવાયો હતો

પ્રાપ્ત વિગતો મુજબ ચોકબજારના સિંધીવાડમાં નવી ચાલમાં રહેતો સાહિદ અબ્દુલ સત્તાર કાપડીયા શરૂઆતમાં મોબાઇલનો વેપાર કરીને ત્યારબાદ બિલ્ડર લાઇનમાં આવ્યો હતો. સાહિદે એક જ ફ્લેટ 11 જેટલા લોકોને વેચી દઇને કરોડો રૂપિયાથી પણ વધુની ઠગાઇ કરી હતી. આ મામલે લાલગેટ પોલીસ મથકમાં સાહિદની સામે ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરીને લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. છેલ્લા એક વર્ષથી જેલમાં બંધ સાહિદની તબિયત ખરાબ થતા તેને નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં કિડની હોસ્પિટલના પાંચમા માળે પ્રિઝનર વોર્ડમાં સાહિદને દાખલ કરાયો હતો.

રવિવારે સવારના સમયે ઓછી ભીડનો લાભ લઇને સાહિદે પહેલા ટોયલેટ જવા માટે કહ્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર પોલીસ હેડક્વાર્ટરના એએસઆઇ ખાનસીંગ વાલજીભાઇએ સાહિદને ટોયલેટમાં લઇ ગયા હતા. બાદમાં સાહિદે ડોક્ટરને મળવા માટે જવાનું કહ્યું હતું. ખાનસીંગ સાહિદને લઇને ડોક્ટરની ચેમ્બર પાસે ગયા હતા, પરંતુ ત્યાં ડોક્ટર હાજર ન હતા. ત્યારે તકનો લાભ લઇને સાહિદે ખાનસીંગને ધક્કો મારીને દાદરથી નીચે ઉતરી ગયો હતો. ખાનસીંગ પણ નીચે આવ્યા અને સિક્યોરીટીને પુછ્યું ત્યારે સાહિદ મજૂરાગેટ તરફ ભાગી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જે ખાનસીંગએ 100 નંબર ઉપર પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. બનાવ અંગે ખટોદરા પોલીસે ફરિયાદ નોંધીને સાહિદને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top