SURAT

શું હવે કાપડ અને પગરખા મોંઘા થશે? સુરતની વિવિંગ ઉદ્યોગની 35 સોસાયટીઓના હોદ્દેદારોની રજૂઆતો

સુરત: (Surat) ત્રણ કૃષિ કાનૂનો મામલે પીછેહઠ કર્યા પછી પાંચ રાજ્યોની ચૂંટણી જોતા કેન્દ્ર સરકાર (Government) 1 જાન્યુઆરી 2022થી લાગુ જીએસટીનો નવો દર કાપડ અને પગરખા ઉદ્યોગને લઇ ફેરફાર કરવા માંગે છે તેવા સંકેત મળ્યા છે. દેશના એક કરોડથી વધુ વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી) દ્વારા આજે રવિવારે કાપડમાં (Textile) 5 થી 12 ટકા અને પગરખા (Shoes) ઉદ્યોગમાં 12 ટકા જીએસટી દર લાગુ કરવા મામલે આંદોલનની રણનીતિ નક્કી કરવા રાષ્ટ્રીય કારોબારીની ઓન લાઇન બેઠક બોલાવવામાં આવી હતી. દેશભરના કાપડ અને પગરખા ઉદ્યોગના વેપારીઓ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા દેશભરમાં આંદોલન કરે તો સરકારને નવી મુશ્કેલી ઉભી કરી શકે છે તેને લીધે ટેક્સટાઇલ, કોમર્સ અને નાણા મંત્રાલયના અધિકારીઓની ટીમે આજે વહેલી સવારે સીએઆઇટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવિણ ખંડેલવાલને નવી દિલ્હીમાં મળી આજની બેઠક રદ કરવા અને સરકાર કાપડ તથા પગરખા ઉદ્યોગના જીએસટીને લગતા પ્રશ્નો સાંભળવા તૈયાર છે તેવી ખાતરી આપતા સીએઆઇટીએ સારા પ્રતિસાદ સ્વરૂપે દેશભરના વેપારી સંગઠનો સાથેની આજની બેઠક રદ કરી છે.

સીએઆઇટીના ગુજરાત એકમના પ્રમુખ પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે ટેક્સટાઇલ અને પગરખા ઉદ્યોગમાં અગાઉ કોઇ ટેક્સ નહોતો. પ્રથમવાર સીધો 5 થી 12 ટકાનો વધારો થવા જઇ રહ્યો છે તેને લીધે કાપડમાં વણાટ ઉદ્યોગ અને રીટેલ ઉદ્યોગને મોટુ નુકશાન થશે. અનેક નાના વેપારીઓ અને લુમ્સ ચાલકો રોજી રોટી ગુમાવે તેવી શકયતા છે. કેન્દ્ર સરકારના અધિકારીઓએ આજે સીએઆઇટીના રાષ્ટ્રીય મહાસચિવને ખાતરી આપી છે કે સરકાર આ બંને ઉદ્યોગના પ્રશ્નો સાંભળવા તૈયાર છે અને સીએઆઇટીને બંને ઉદ્યોગના સંગઠનોને જીએસટીને લગતા આવેદનપત્રો સંબંધિત મંત્રાલયોને ઇ-મેઇલ કરવા અને સીએઆઇટીને મોકલવા જણાવ્યું છે. તે પછી સરકારમાં એક જ પ્લેટફોર્મથી રજૂઆત કરાશે. બીજી તરફ ફેડરેશન ઓફ ઇન્ડિયન આર્ટ સિલ્ક વિવિંગ ઇન્ડસ્ટ્રી (ફીઆસ્વી)ના ચેરમેન ભરત ગાંધીએ મેઇનમેઇડ ફાઇબરની વેલ્યુ ચેઇન પર જીએસટીનો દર 5 ટકાથી વધારી 12 ટકા કરવાથી દેશભરના વિવિંગ ઉદ્યોગ પર પડનારી અસર અંગે ફીઆસ્વીની રાષ્ટ્રીય કારોબારીની ઓનલાઇન બેઠકનું આયોજન સુરતથી કર્યું છે. ફીઆસ્વી દ્વારા આવતી કાલે સોમવારે સાંજે 5 કલાકે નાનપુરા સમૃધ્ધિ બિલ્ડીંગમાં આવેલી ચેમ્બર ઓફ કોમર્સની સીટી ઓફીસમાં આ ઓનલાઇન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ફોગવા, સાસ્કમા, સાસ્મી અને સુરતની વિવિંગ ઉદ્યોગની 35 સોસાયટીઓના હોદ્દેદારો રૂબરૂ રજૂઆતો કરશે. ઉપરાંત અન્ય રાજ્યોના વિવિંગ સંગઠનોના પ્રતિનિધિઓ ઓનલાઇન રજૂઆત કરશે.

ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોષ ખોટી માહિતી રજૂ કરે છે : ફોસ્ટા

ચેમ્બર ઓફ કોમર્સના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે કેન્દ્રના ટેક્સટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોષે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ટેક્સટાઇલમાં 5 ને બદલે 12 ટકા ડયુટી લાગુ કરવા મામલે તમામ સ્ટેક હોલ્ડરોને સાથે બેસાડી સરકારે સામુહિક વિચારણા પછી નિર્ણય લીધો હતો અને મંત્રાલયની વેબસાઇટ પર તેના ફોટોગ્રાફ પણ જોઇ શકાય છે. આ નિવેદન અંગે વિવિંગ સંગઠનો અને કાપડના વેપારીઓના સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે ટેક્સટાઇલ રાજ્ય મંત્રી ખોટી માહિતી રજૂ કરી રહ્યા છે. ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ અને મહામંત્રી ચંપાલાલ બોથરાએ જણાવ્યું હતું કે સુરતમાં ટેક્સટાઇલ સેક્રેટરી ઉપેન્દ્રપ્રસાદ સિંઘને ફોસ્ટાએ 5 ટકા જીએસટી રાખવા અગાઉથી રૂબરૂ રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકારના મંત્રાલયો દ્વારા રજૂઆત કરવા ફોસ્ટાને કોઇ તક અપાઇ નથી. ચેમ્બરની એન્ટિડમ્પિંગ એન્ડ એન્ટિ સબસીડી ડયુટી સેલના કન્વીનર મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે કાપડ પર લાગુ જીએસટીનો સ્લેબ બદલવા માટે સરકારે વિવિંગ ઉદ્યોગના કોઇ સંગઠનો સાથે સંવાદ કર્યો નથી. જીએસટી કાઉન્સિલની બેઠક પછી ખબર પડી હતી કે એમએમએફની વેલ્યુ ચેઇન પર 5 ટકાનો જીએસટી દર વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે તેને લીધે સુરતના વિવિંગ ઉદ્યોગને 1200 કરોડનું વર્ષે નુકસાન થાય તેમ છે. ટેક્સટાઇલને એમએમએફ ચેઇનમાં 65 ટકા ફાળો વિવિંગ ઉદ્યોગનો હોવાથી સરકારે ફેરવિચારણા કરી 5 ટકા ટેક્સ સ્લેબ યથાવત રાખવો જોઇએ.

Most Popular

To Top