SURAT

લો બોલો, સુરત મનપાએ કૂતરા પકડવાં માટે 3.29 કરોડ ખર્ચી નાંખ્યા: RTIમાં ઘટસ્ફોટ

સુરત(Surat) : છેલ્લાં એક વર્ષ કરતા વધુ સમયથી સુરત શહેરમાં રખડું કૂતરાંઓએ (StrayDog) કહેર વરસાવ્યો છે. આ રખડતાં ભૂખ્યા વરુ જેવા કૂતરાંઓ રોજ અનેક માસુમોને પોતાનો શિકાર બનાવી રહ્યાં છે અને સુરત મનપાનું (SMC) તંત્ર જાણે પોઢી રહ્યું હોય તેવી સ્થિતિ છે. વારંવાર એવા પ્રશ્નો ઉઠે છે કે લોકોને અને ખાસ કરીને બાળકોને કરડતાં આ રખડું કૂતરાંઓ સામે સુરત મનપા કોઈ પગલાં કેમ લેતું નથી?

તો તમને જણાવી દઈએ કે સુરત મનપા રસ્તા પર કૂતરાંઓને પકડવા માટે કોઈ કાર્યવાહી કરતું હોય કે ના હોય પરંતુ કાગળ પર તો ખૂબ કાર્યવાહી કરી છે. પાછલા પાંચ વર્ષમાં સુરત મનપાએ રસ્તા પર રખડતા આતંકવાદી જેવા કૂતરાંઓને પકડવા માટે રૂપિયા 3.29 કરોડ જેવી માતબર રકમ ખર્ચી છે. આ ખુલાસો એક આરટીઆઈના (RTI) માધ્યમથી થયો છે. નવાઈની વાત એ છે કે સુરત મનપાએ કૂતરાંને પકડવા કરોડો ખર્ચી નાંખ્યા છતાં હજુ સુધી રસ્તા પર કૂતરાંઓનો આતંક જેમનો તેમ છે.

શહેરના જાગૃત નાગરિક સંજ્ય ઈઝાવાએ આરટીઆઈમાં માંગેલી વિગતો બહાર આવતા આ ખુલાસો થયો છે. ઈઝાવાની આરટીઆઈનો જવાબ આપતા ખુદ સુરત મનપાએ રૂપિયા 3.29 કરોડની રકમ કૂતરાં પકડવા પાછળ ખર્ચાઈ હોવાની સ્વીકાર કર્યો છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૮-૨૦૧૯ થી ૨૦૨૨-૨૦૨૩ સુધીમાં ૩,૨૮,૬૦,૨૦૪/- રૂપિયા ૩૩,૭૬૧ જેટલા કુતરાઓને પકડવા ખર્ચ કરી નાખ્યા છે. જેમાંથી ૩૦,૩૦૦ કુતરાઓને રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૧ માં બહાર પાડવામાં આવેલ ૧ કરોડ ૮૦ લાખના ટેન્ડર વેટ્સ સોસાયટી ફોર એનિમલ વેલ્ફેર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ નામની સંસ્થાને મળેલ છે. જે NGO દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માં ૩૬૦૫ અને વર્ષ ૨૦૨૨-૨૩ માં ૯૨૭૯ જેટલા કુતરાઓને રસીકરણ અને ખસીકરણ કરવાની કામગીરી કરી છે. જે પેટે વેટ્સ સોસાયટી ફોર એનિમલ વેલ્ફેર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટને રૂ.૧,૮૨,૪૮,૧૮૦/- ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

વર્ષ ૨૦૧૮-૨૦૧૯ ,૨૦૧૯-૨૦૨૦, ૨૦૨૦-૨૦૨૧ માં એક કૂતરાને રસીકરણ અને ખસીકરણ કરવાનો ખર્ચ રૂ. ૮૩૯/- થયો હતો. વર્ષ ૨૦૨૧-૨૨ માં જે ખર્ચ વધીને રૂ. ૧૪૫૦/- થયો હતો. અને વર્ષ ૨૦૨૨-૨૩ માં એક કૂતરાને રસીકરણ અને ખસીકરણ કરવાનો ખર્ચ રૂ. ૧૪૦૩/- થયો છે.

આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ કહ્યું કે, આટલો બધો ખર્ચ કુતરા પકડવા અને રસીકરણ અને ખસીકરણ કરવા પાછળ કર્યા પછી પણ શેરીઓમાં કૂતરાનો આતંક હજુ ઓછો થતો નથી, એટલે કુતરા પકડીને રસીકરણ અને ખસીકરણ કરવાની જે પદ્ધતિ છે તેની સામે પ્રશ્નો ઉભા થાય છે.

Most Popular

To Top