SURAT

અડાજણ ગેસ સર્કલ પર એવી ઘટના બની કે જ્યાં હતાં ત્યાં જ લોકો અટકી ગયા

સુરત: સુરત શહેર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું પુરું થયું છે. છેલ્લાં એકાદ અઠવાડિયાથી વરસાદ બંધ થયો છે અને ભાદરવા મહિનાની ભારે ગરમી પડવા લાગી છે. શહેરીજનો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે સવારે સુરત શહેરના અડાજણ વિસ્તારમાં ચોમાસામાં બને તેવી એક ઘટના બનતા આશ્ચર્ય સર્જાયું હતું. રસ્તાની વચ્ચોવચ્ચ બનેલી આ ઘટનાને પગલે વાહનચાલકોના વાહનો રસ્તા પર અટકી ગયા હતા.

વાત એમ છે કે આજે સુરત શહેરમાં રોડ પર મસમોટો ભુવો પડ્યો હતો. શહેરના અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે રોડની વચ્ચોવચ્ચ મોટો ભૂવો પડ્યો હતો. અચાનક રોડ ધસી જઈ મોટો ખાડો પડી જતા વાહનચાલકો ગભરાયા હતા. ખાડામાં પડી જવાની બીકે વાહનચાલકોએ સાઈડ પરથી વાહનો લઈ જવા પડ્યા હતા. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગરમીમાં રોડ પર ભુવો પડતા વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે મોટી સંખ્યામાં વાહનોની અવર જવર હોય છે ત્યારે રોડમાં ભૂવો પડતા તે ભૂવાની ફરતે બેરિકેટ મૂકી દેવામાં આવ્યા હતા. જેથી વાહનચાલકો તેમાં પડી ન જાય.

રોડની વચ્ચે ભૂવો પડ્યો હોવાની જાણ થતાં પાલિકાના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક ભૂવાના રિપેરિંગ માટે કર્મચારીઓને દોડાવ્યા હતા. કોન્ટ્રાક્ટરને જાણ કરી દેવાઈ હતી. પરંતુ સુરત શહેરમાં રોડમાં ભૂવા પડવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવી રહી છે. જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

લોકો કહે છે કે, સુરતમાં રસ્તા બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે છતાં રોડમાં ભૂવા પડવાની ઘટનાઓ બંધ થવાનું નામ લેતી નથી. તંત્ર સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કે, વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે તેમ છતાં નક્કર કામગીરી કરવામાં કેમ આવતી નથી. આવા સવાલો પણ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.

Most Popular

To Top