SURAT

લાજપોર જેલમાં કેદ આ ગેંગસ્ટરથી સુરત પોલીસ ગભરાઈ, તેને બીજી જેલમાં ખસેડવા કરી દીધી માંગ

સુરત (Surat) : સુરતમાં ગુજસીટોક (Gujcitok) હેઠળ જેલવાસ ભોગવતા સુરતના માથાભારે અને કુખ્યાત ગણાતા અસામાજીક તત્ત્વોને કારણે હવે લાજપોર જેલ (Lajpore Jail) પણ સુરક્ષીત નથી. લાજપોર જેલમાં ગેંગો (Gang) વચ્ચે અવારનવાર થતા હુમલાઓને (Attack) કારણે હવે વિવિધ માથાભારે ગેંગના લીડરો તેમજ તેના સાગરીતોને અલગ અલગ કરીને તેઓની યુનીટી તોડવા માટેનું કાઉનડાઉન પોલીસ દ્વારા શરૂ કરાયુ છે. જે પૈકી આરીફ મીંડીની (Aarif Mindi) ગેંગના સાગરીતોને બીજી જેલમાં મોકલવા માટે સુરતની કોર્ટમાં (Court) અરજી થઇ છે, જેની સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.

સુરત શહેરના વધતા જતા વિકાસની સામે ક્રાઇમ રેટ પણ એટલો જ વધ્યો છે, આ ક્રાઇમ રેટ વધવામાં સુરતની અલગ અલગ ગેંગનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. સુરતને ક્રાઇમ મુક્ત કરીને તમામ ગેંગોને ડામી દેવા માટે સરકારે ગુજસીટોકનું બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. સુરતની માથાભારે ગણાતી આઠથી 10 જેટલી ગેંગોની સામે ગુજસીટોક (ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ) મુજબ ગુનો નોંધવાની શરૂઆત કરી હતી. સુરત પોલીસ વિભાગે આરીફ મીંડી, સજ્જુ કોઠારી, લાલુ જાલીમ, આસીફ ટામેટા, મનીષ કુકરી, રાહુલ એપાર્ટમેન્ટ, વિપુલ ગાજીપરા સહિતની અન્ય ગેંગોની સામે પોલીસે ગુજસીટોક મુજબ ગુનો નોંધી આ તમામ માથાભારે ઇસમોને પકડીને લાજપોર જેલમાં મોકલી આપ્યા છે. લાજપોર જેલમાં આ તમામ કુખ્યાત ગણાતા ઇસમો ભેગા થયા છે ત્યાં હવે લાજપોર જેલમાં પણ ગેંગવોર થવાની પુરેપુરી શક્યતા જોવાઇ રહી છે. લાજપોર જેલની સુરક્ષાને ધ્યાને રાખીને હવે આ તમામ ગેંગના મુખ્ય લીડરો તેમજ તેના સાગરીતોની અલગ અલગ જેલમાં મોકલી આપવા માટે સરકારી કાઉન્ટ ડાઉન શરૂ કર્યું છે.

આ કાઉન્ટડાઉન આરીફ મીંડી ગેંગના સાગરીતોથી કરવામાં આવી છે. સુરત પોલીસે સરકાર વતી સુરતની કોર્ટમાં અરજી કરીને તેઓને બીજી જેલમાં મોકલી આપવા માટેની માંગ કરી છે. આ અરજી સુરતની કોર્ટમાં દાખલ થઇ ગયા બાદ હવે આવતીકાલે તેની સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટમાંથી મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં અન્ય ગેંગના સાગરીતોને બીજી જગ્યાએ મોકલવા માટેની તજવીજ કરાશે. થોડા દિવસો પહેલાજ લાજપોર જેલમાં બન્ટી દયાવાન ગેંગના સાગરિતોએ હરીફ ગેંગના ઇસમને પતરા વડે હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત બન્ટી દયાવાન ગેંગના કેટલાક સાગરિતોએ ડિંડોલી વિસ્તારના આતંક મચાવીને બે યુવકો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. અને હવામાં ફાયરિંગ પણ કર્યુ હતુ. માથાભારે ગેંગોનો ત્રાસ વધતા હવે પોલીસે તેઓને અલગ કરીને તેઓની તાકાત તોડવા પ્રયાસ કરી રહી છે.

શું કહે છે પોલીસ કમિશનર
પોલીસ કમિશનર અજય તોમરે શહેરમાં કોઇ પણ ગેંગના વજૂદને નહી રાખવા માટે સખ્ત વર્તન કરવા પોલીસ બેડાને આદેશ આપ્યા છે. જેટલી પણ ગેંગ હોય તે તમામને શોધી શોધીને ગુજસીટ કોકનો ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top