SURAT

સુરતમાં બીફાર્મ કરવા ડોનેશનના રૂપિયા નહીં હોવાથી યુવાને લૂંટનો પ્રયાસ કર્યો

સુરત: (Surat) લિંબાયત ખાતે વિન્ધ્યવાસીની જ્વેલર્સની દુકાનના (Jewelers Shop) માલિકના મોઢા પર મરચાની ભૂકી નાખીને લૂંટનો પ્રયાસ કરાયો હતો. દુકાનદારે પ્રતિકાર કરતા લૂંટારૂ ભાગી ગયો હતો. લિંબાયત પોલીસે લૂંટના પ્રયાસનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ બીફાર્મનો અભ્યાસ કરવા માટે કોલેજમાં (College) ડોનેશન (Donation) આપવા લૂંટનો પ્રયાસ કર્યો હતો.

  • આ તે કેવી મજબૂરી : બીફાર્મ કરવા ડોનેશનના રૂપિયા નહીં હોવાથી યુવાને લૂંટનો પ્રયાસ કર્યો
  • જુદી જુદી કોલેજમાં તપાસ કરતાં 2.80 લાખ જેટલું ડોનેશન આપવું પડે તેમ હતું
  • દુકાનદારે પ્રતિકાર કરતાં ભાગી છૂટ્યો પણ સીસીટીવીના આધારે પકડાયો
  • લિંબાયતની વિન્ધ્યવાસીની જ્વેલર્સના માલિક ઉપર મરચાની ભૂકી નાંખી લૂંટનો પ્રયાસ

લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખરવાસા રોડ પાસે કૈલાશ રેસિડેન્સીમાં રહેતા 47 વર્ષીય ઓમપ્રકાશ શ્યામકુમાર જયસ્વાલ લિંબાયત મંગલ પાંડે હોલ રોડ ઉપર વિન્ધ્યવાસીની જવેલર્સના નામે દુકાન ધરાવે છે. ગત 25 નવેમ્બરે સવારે ઓમપ્રકાશભાઈ અને તેમનો પુત્ર શુભમ બપોરે તેમની દુકાનમાં હતા. ત્યારે એક અજાણ્યો દુકાનમાં આવ્યો હતો. તેના હાથમાં એક કાગળની પડીકી હતી. તેમાંથી તેણે મરચાની ભૂકી કાઢીને ઓમપ્રકાશભાઈના મોઢા ઉપર નાખી શટર બંધ કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમના પુત્ર શુભમે દોડીને આ અજાણ્યાને પકડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ અજાણ્યો દુકાનની બહાર નીકળી મોપેડ પર બેસી ધૂમ સ્ટાઈલમાં ફરાર થઇ ગયો હતો. ત્યારે શુભમે ચોર ચોરની બૂમો મારતા આજુબાજુથી અને રાહદારીઓ પણ દોડી આવ્યા હતા. પરંતુ અજાણ્યાએ કોઈ વસ્તુ લૂંટી ન હોવાથી દુકાન માલિકે પોલીસમાં જાણ કરવાનું ટાળ્યું હતું. દુકાનમાં રહેલા સીસીટીવીમાં આ સમગ્ર દ્રશ્યો કેદ થઈ ગયા હતા. અને જેના આધારે ઓળખ થતા લિંબાયત પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપી રોશન રાજા તેવર (ઉ.વ.20, રહે. સ્વામીનારાયણ સોસાયટી, ગોડાદરા) ને પકડી પાડ્યો હતો.

લિંબાયત પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.ડી.ગામીત દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી છે. આરોપી રોશનની ધરપકડ કરી તેની પુછપરછ કરતા તેની ઉમર 20 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. તથા તે આગળ ઉચ્ચ અભ્યાસ કરવા માંગતો હતો. પરંતુ તેની આર્થીક પરિસ્થિતિ સારી નહોતી. અને બીફાર્મ ના અભ્યાસ માટે તેને અલગ અલગ કોલેજમાં તપાસ કરતા 2.80 લાખ જેટલુ ડોનેશન અને ફી ભરવાની હોવાથી તેને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. અને લિંબાયત ખાતે આવેલા જ્વેલર્સમાં લૂંટની પ્રયાસ કર્યો હતો.

સીસીટીવી વાયરલ થતા આરોપીની ઓળખ થઈ હતી
જ્વેલર્સના માલિકે અને તેના પુત્ર દ્વારા સીસીટીવી ફૂટેજને તેમના મિત્ર સર્કલ સ્થાનિક વિસ્તારના સર્કલમાં અને સમાજના સર્કલમાં વાયરલ કરાયા હતા. લૂંટ કરવા આવનાર યુવકની ગોડાદરા ખાતે સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતો રોશન તેવર હોવાનુ જાણવા મળતા જ્વેલર્સના માલિકે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top