SURAT

સુરતમાં નવા અને જૂના બાંધકામોમાં ઈ-ચાર્જિંગની વ્યવસ્થા કરાશે

સુરત: નવી શોધને અપનાવવા માટે કાયમ તત્પર રહેતા સુરતવાસીઓ દ્વારા આગામી દિવસોમાં સુરતને (Surat) ઈ-વ્હીકલ (E-Vehicle) સિટી બનાવી દેવામાં આવશે. ગત વર્ષે સુરત શહેરમાં આખા ગુજરાતના (Gujarat) ત્રીજા ભાગ કરતાં પણ વધારે 21000થી વધુ ઈલેકટ્રિક વાહનો વેચાયા હતા. આખા દેશમાં પણ ઈ-વ્હીકલના મામલે સુરત શહેર અગ્રેસર બની રહ્યું છે. હાલમાં સુરત શહેરમાં 33,870 જેટલા ઇલેક્ટ્રિક વાહનો દોડી રહ્યા છે. જે સમગ્ર ગુજરાતના કુલ ઇલેક્ટ્રિક વાહનોના 34 ટકા જેટલા છે અને સમગ્ર ભારતમાં 3 ટકા જેટલા છે. સુરતમાં ઈલેકટ્રિક વાહનો અપનાવવા માટે જે ઉત્સાહ બતાવવામાં આવી રહ્યો છે તે જોતાં કેન્દ્ર સરકારે સુરતની દેશના 9 ઈ-વ્હીકલ સિટી બનાવવા માટેની યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે સુરત શહેર દ્વારા પણ આ માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં સુરતમાં તમામ નવા બની રહેલા એપાર્ટમેન્ટમાં ઈ-વ્હીકલ ચાર્જિંગ માટેની સુવિધાઓ આપવામાં આવશે. સંભવ: છે કે આગામી દિવસોમાં સુરતમાં પેટ્રોલ પંપ કરતાં ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા વધી જશે.

આ અંગે મ્યુનિ.કમિ. શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, જે રીતે સુરત શહેરમાં ઈલેકટ્રિક વાહનો વધી રહ્યા છે તે જોતાં તેના ચાર્જિંગ માટેની સુવિધાઓ પણ વધારવાની જરૂરીયાત ઊભી થઈ છે. શહેરમાં વિવિધ સ્થળોએ લોકોને સરળતાથી ઈ-વ્હીકલ માટે ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ થઈ શકે તે માટે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં બિલ્ડરોની સંસ્થા ક્રેડાઈના હોદ્દેદારોને પણ બોલાવવામાં આવ્યા હતા અને નવા પ્રોજેક્ટોમાં હવેથી ઈ-વ્હીકલ માટે કેવી રીતે ચાર્જિંગનું પ્રોવિઝન કરી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. ઈ-વ્હીકલને પ્રોત્સાહન આપવા ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા ખાસ કમિટીનું ગઠન કરાયું છે. જેમાં મનપાના ફાયર વિભાગ, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ અને શહેર વિકાસ વિભાગના અધિકારીઓ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ કમિટી દ્વારા ખાનગી સોસાયટી, પબ્લિક વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશનો માટે શું નિયમો હોવા જોઈએ તે માટે ગાઈડલાઈન બનાવશે. તેમજ આ ગાઈડલાઈનનું અમીલકરણ કેવી રીતે કરાવી શકાય અને તેમની મંજૂરી કેવી રીતે આપવી તે મનપા નક્કી કરશે. આવનારા દિવસોમાં મનપા દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ, ટેક્સટાઈલ, ડાયમંડ, ઈ-વ્હીકલ મેન્યુફેક્ચરર, બેંકો સાથે મળીને સેમિનાર પણ કરાશે કે જેથી આ વિવિધ જુથના લોકો મેન્યુફેક્ચર પાસેથી સીધી રીતે ઈ-વ્હીકલ કેવી રીતે લઈ શકે અને બેંકો સાથે સરળ લોન પ્રક્રિયા થઈ શકે તે અંગે ચર્ચા કરવામાં આવશે. વધુમાં હાલમાં જે જુની સોસાયટીઓ છે તેમાં ઈ-વ્હીકલના ચાર્જિંગ માટે કેવી રીતે ફેસિલિટી ઉભી કરી શકાય તે અંગે પણ મનપા નિયમો બનાવશે.

પાર્કિંગ સ્થળે જ ઈ-વ્હીકલ ચાર્જ થાય તે માટે પોલ માઉન્ટેડ ચાર્જિંગ કોન્સેપ્ટ અપનાવાશે
મનપા કમિશનરે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરમાં જ્યાં ટુ-વ્હીકલ વધુ માત્રામાં પાર્ક થાય છે તે જ સ્થળ પર લોકો પોતાની ગાડી ચાર્જ કરી શકે તે માટે પોલ માઉન્ટેડ ચાર્જિંગ કોન્સેપ્ટની વિચારણા કરવામાં આવી રહી છે. હાલ કેરલામાં આ કોન્સેપ્ટ છે. જેથી ત્યાંની એજન્સી સાથે પરામર્શ કરી અહી પાઈલોટ બેઈઝ પર આ કોન્સેપ્ટ પર કામ કરાશે. કે જેથી પાર્કિંગમાં જ વાહનો ચાર્જ થઈ જાય.

ઈ-વ્હીકલના મેઈન્ટેનન્સ માટે સુરતમાં જ સ્કીલ ટ્રેનિંગ આપવાનું આયોજન
ઈ-વ્હીકલના વધતા જતા વ્યાપને જોતાં રોજગારી વધશે તે નક્કી છે. જે માટે મનપા યુનિવર્સિટી સાથે મળીને સ્કીલ ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી અહીં જ લોકોને ઈ-વ્હીકલની ફેસિલિટી મળી રહે. જે માટે મનપા ટ્રેનિંગ આપશે.

Most Popular

To Top