SURAT

મોંઘવારી વિરૂદ્ધ નિકળેલી કોંગ્રેસની સાયકલ યાત્રા પોલીસે અધવચ્ચે અટકાવી, શહેર પ્રમુખ સહિત કાર્યકર્તાઓની ધરપકડ

સુરત: (Surat) મોંઘવારી (Inflation) વિરૂદ્ધ (Protest) શહેરમાં કોંગ્રેસ (Congress) દ્વારા કાઢવામાં આવેલી સાયકલ યાત્રાને (Bicycle rally) સ્ટેશન (Station) પર જ પોલીસ (Police) ધ્વારા અટકાવી દેવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખ નૈષધ દેસાઈ સમેતના કાર્યકર્તાઓની પોલીસે ધરપકડ કરી છે. માજી કોર્પોરેટર અસદ કલ્યાણી, લાલખાન પઠાણ સહિતના આગેવાનોની ધરપકડ કરી મહિધરપુરા પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. જ્યારે પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલવાલા, ગોપાલ પાટીલ, અશોક પીંપલે, સુરેશ સોનવાણે, આશિષ રાય, હરીશ સૂર્યવંશી, રોશન મિશ્રા અને અઝીમ શેખ સહિત 20 અગ્રણીઓને સલાબતપુરા પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા.

રોજબરોજ પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસ સહિત દૈનિક જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓના અસહ્ય ભાવ વધારા કરવામાં આવી રહ્યા છે જેના વિરોધમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એટલેકે શનિવારે સાંજે ૪-કલાકે સાયકલ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી સરદાર પ્રતિમા-માનગઢ ચોક વરાછા થી નીકળી, સરદાર પ્રતિમા- રેલવે સ્ટેશન, આંબેડકર પ્રતિમા-રિંગ રોડ થઈ કલેક્ટર કચેરી-અઠવાલાઇન્સ સમાપન થવાની હતી.

જોકે પોલીસે રેલીને સ્ટેશન ખાતે જ અટકાવી દીધી હતી. શહેર કોંગ્રેસ દ્વારા નક્કી કરેલા રૂટ મુજબ વિધાનસભાના આગેવાન કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતાં પરંતુ સ્ટેશન ખાતે પહોંચતા જ પોલીસ દ્વારા રેલીને અટકાવી દેવામાં આવી હતી. પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ નૈષધ દેસાઈ સમેત કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.

જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળોએ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલ તેમજ અન્ય ચીજ વસ્તુઓમાં ભાવ વધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે પૈકી સુરતમાં પણ શનિવારે આયોજન કરાયું હતું. રેલીમાં ઓલપાડ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, કતારગામ, લીંબાયત, ઉધના, ચોર્યાસી, સુરત પૂર્વ, મજુરા, સુરત પશ્ચિમના વિધાનસભાના આગેવાન-કાર્યકરોએ સાયકલ યાત્રામાં જોડાયા હતા. જોકે પોલીસે સાયકલ યાત્રાને અધવચ્ચે જ રોકી દીધી હતી.

કોંગ્રેસીઓ માસ્ક વગર દેખાયા

જોકે રેલી દરમ્યાન અનેક કાર્યકર્તાઓ અને માજી કોર્પોરેટરો માસ્ક વગર દેખાયા હતાં. જેને કારણે પણ પોલીસે તેમને રોક્યા હતા. આ અંગે માજી કોર્પોરેટર અસ્લમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે પેટ્રોલ-ડિઝલ સહિત અન્ય તમામ વસ્તુઓ પર ભાજપ સરકાર દ્વારા થયેલ અસહ્ય ભાવ વધારા વિરુદ્ધ સુરત શહેર કોંગ્રેસ સમિતિ આયોજીત “સાયકલ યાત્રા” ને ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકર પ્રતિમા રિંગરોડ પાસેથી પસાર થતાં ભાજપના ઈશારે પોલીસ એ “લોકશાહીનું સરેઆમ હનન” કરતા હોય એમ કડકાઈપૂર્વક અટકાવી દેવાઈ હતી.

Most Popular

To Top