SURAT

સુરતમાં ખાખી પહેરી વટથી ફરતાં હોમગાર્ડઝ માટે પોલીસ કમિશનરે આપી દીધી આ સૂચના

સુરત: (Surat) સુરતમાં હોમગાર્ડઝ (Homeguards) દળના અમુક અધિકારી તથા સભ્યો દ્વારા પોલીસ સ્ટેશનમાં રાત્રી ફરજ તેમજ અન્ય ફરજોમાં જનરલ ચેકિંગ અને પેટ્રોલિંગ ઘરે બેઠા લખાવવામાં આવી રહી હોવાનું કૌભાંડ (Scam) સામે આવ્યું છે. આ અંગેની ફરિયાદો બાદ પોલીસ કમિશનરને ધ્યાને આ બાબતો આવતા કમિશનર તોમરે હોમગાર્ડઝને ગણવેશમાં અને પુરેપુરી ડ્યુટી કરવા આદેશ ફરમાવ્યો છે. આ અંગે કંટ્રોલરૂમના મદદનીશ પોલીસ કમિશનર (Assistant Commissioner of Police) આઈએન પરમારે જાહેરનામું પ્રસિદ્ધ કરી સૂચના આપી છે.

  • શહેરમાં ખાખી રંગના નશામાં રાચતા હોમ ગાર્ડઝને સીધા રહેવા તોમરની સૂચના
  • હાજરી પુરી ઘરે જતા રહેતા હોમગાર્ડઝનું સરપ્રાઈઝ ચેકીંગ થશે
  • હોમગાર્ડઝ ડ્યૂટી ઉપર યુનિફોર્મમાં આવે અને પુરેપુરી નોકરી કરવા આદેશ
  • ઘર બેઠા હાજરી અને પેટ્રોલીંગ કરતા હોમગાર્ડનું કૌભાંડ કમિશનર સુધી પહોંચ્યું

પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડઝ પાસે દિવસ તેમજ રાત્રીની નોકરી દરમિયાન તેમની હાજરીના પત્રકમાં તેમના હોમગાર્ડ અધિકારીનું નામ તે હાજર ના હોય તો પણ જનરલ ચેકીંગ અથવા અથવા પેટ્રોલીંગ તરીકે ઉમેરવામાં આવે છે. તેમની હાજરીમાં સહિ પણ પોલીસ સ્ટેશનમાં નિમાયેલ હોમગાર્ડઝ હાજરી માસ્તર પોતે બોગસ સહી કરી હાજર બતાવે છે. તે ઉપરાંત હોમગાર્ડના અધિકારી તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા રાત્રી ફરજ તેમજ દિવસની ફરજ દરમ્યાન પોલીસ સ્ટેશન પર ૩૦ મીનીટ માટે આવી ઘરે જતા રહે છે. અને પોતે બોગસ હાજરી પુરાવે છે. આ તમામ બાબતો પોલીસ કમિશનરના ધ્યાને આવતા તેમના દ્વારા ખાખીના રંગમાં મદમસ્ત બનીને વટથી ફરતા આવા હોમગાર્ડઝને ગણવેશમાં આવી પુરેપુરી નોકરી કરવા આદેશ કર્યો છે.

અધિકારીઓને સપપ્રાઈઝ ચેકીંગ કરવા સૂચના અપાઈ
પોલીસ કમિશનર દ્વારા પોલીસ સ્ટેશનોમાં આ રીતની ગેરરીતિ ન આચરવામાં આવે તે માટે હોમગાર્ડના અધિકારી તેમજ હોમગાર્ડના જવાનોની નોકરી દરમ્યાન સરપ્રાઈઝ ચેકીંગ કરવા આદેશ કર્યો છે. તેમજ ફરજ પર હાજર થયા સમયે તેમજ ફરજ પૂર્ણ કર્યા સમયે પોલીસ સ્ટેશન હાજરી પત્રકમાં સહિ કરે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી છે. હોમગાર્ડઝ અધિકારીઓને પણ પુરા ગણવેશમાં ફરજ લેવામાં આવે અને પોલીસ સ્ટેશનમાં નિમાયેલા હોમગાર્ડઝ હાજરી માસ્તર દ્વારા કોઈ ગેરરીતિ આંચરવામાં ન આવે તેની કાળજી રાખવા સૂચના આપી છે.

ગમતા પોઈન્ટ ઉપર ડ્યુટી કરવા માટે પણ હોમગાર્ડઝમાં પડાપડી
હોમગાર્ડઝ અધિકારીઓ દ્વારા તેમના માનીતા સભ્યોને તેમના ગમતા પોઈન્ટ ઉપર મુકવામાં આવે છે. તથા પૈસા લઈને ઘણા સભ્યો વર્ષોથી એક જ પોઈન્ટ ઉપર નોકરી કરી રહ્યા છે. ઘણા સમય પહેલા કલેક્ટર કચેરીની નીચે દારૂની મહેફિલ માણતા હોમગાર્ડઝનો વિડીયો પણ વાયરલ થયો હતો. ઘણા હોમગાર્ડઝ ડ્યૂટી દરમિયાન બિભત્સ વિડીયો પણ જોતા હોવાની ફરિયાદો ભૂતકાળમાં થઈ છે.

Most Popular

To Top