SURAT

બે દાયકા પહેલાં MSMEની સંખ્યા 2.74 લાખ હતી, આજે 8.66 લાખ છે

સુરતઃ સુરતમાં (Surat) વિવર્સ આયોજિત ત્રિદિવસીય ‘વાયબ્રન્ટ વિવર્સ એક્સ્પો-2022ના ઉદઘાટન સમારોહને સંબોધતાં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં (Gujarat) વિકાસની ગતિ વડાપ્રધાનના માર્ગદર્શનમાં વધુ વેગવાન બનાવવા અમારી ટીમ સતત કર્તવ્યરત છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા જેવી મૂળભૂત બાબતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીને સૌનો વિકાસ કરવાની નેમ છે. દેશના કાપડ ઉદ્યોગના વિકાસમાં સુરત સહિત ગુજરાતનો મોટો ફાળો છે. દેશની કુલ વસ્ત્ર નિકાસમાં ગુજરાતનો હિસ્સો 12 ટકા અને મેન મેડ ફાઈબર ઉત્પાદનમાં 38 ટકા છે. આર્ટ સિલ્ક ફેબ્રિકના ઉત્પાદનમાં સુરત દેશમાં 50 ટકા યોગદાન આપી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા બે દાયકા પહેલાં લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોની સંખ્યા 2.74 લાખ હતી, જે વધીને આજે 8.66 લાખ પહોંચી છે. ગુજરાતમાં બે દાયકા પહેલાં ઔદ્યોગિક ઉત્પાદન 2.27 લાખ કરોડ હતું. જે આજે વધીને 16.19 લાખ કરોડને આંબી ગયું છે. નવી ટેક્નોલોજી, નવી પેટર્ન અને સ્કીલ અપગ્રેડેશનના સહારે રાજ્યનો કાપડ ઉદ્યોગ ગતિ પકડી રહ્યો છે.

ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં જ્યારે અમેરિકા જેવી મહાસત્તા કોરોના સામે ઘૂંટણીયે પડી ગઈ હતી, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે માઈક્રો પ્લાનિંગ કરી જનતા અને ઉદ્યોગકારો-વ્યાવસાયિકોને મુશ્કેલીનો અનુભવ થવા દીધો ન હતો. ગરીબ મધ્યમ વર્ગને નિ:શુલ્ક અન્ન, ફ્રી વેક્સિન, લઘુ-મધ્યમ ઉદ્યોગોને બેઠા કરવાની યોજનાઓ કેન્દ્ર સરકારે લાગુ કરી જેનો લાભ લાખો જરૂરિયાતમંદોએ મેળવ્યો છે.

કેન્દ્રીય ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશમાં ઉપયોગમાં લેવામાં આવેલા 20 કરોડ તિરંગા પૈકી સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીએ 7.50 કરોડ તિરંગાનું ઉત્પાદન કરી પોતાની ક્ષમતા બતાવી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કેન્દ્ર સરકારે મેન મેડ ફાઈબર, ટેક્નિકલ ટેક્સટાઈલને વેગ આપવા દેશમાં મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ રિજિયન અને એપેરલ (પીએમ-મિત્રા) પાર્ક અંતર્ગત રોડ, ટ્રેન અને પોર્ટ જેવી કનેક્ટિવિટીમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. પીએમ મિત્રા પાર્ક માટે 13 રાજ્ય પૈકી ગુજરાતે બજેટમાં ખાસ જોગવાઈ કરી તેના અમલીકરણમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મેયર હેમાલી બોઘાવાલા, ધારાસભ્ય અરવિંદ રાણા, વિવેક પટેલ, પ્રવીણ ઘોઘારી સહિત ઉદ્યોગ અગ્રણીઓ ધીરૂ શાહ, ફોગવા પ્રમુખ અશોક જીરાવાળા, સંજય સરાવગી, સાહિલ મુલતાની ઉપસ્થિત રહ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલની રમૂજ: ‘ક્યારે કોણ આગળ આવી જાય ખબર ના પડે’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રમૂજી સ્વભાવનો પરિચય આપતાં કહ્યું હતું કે, ‘ઘણી વખતે આપણને એમ થાય કે, ભઈ સૌથી પહેલો નંબર આપણો છે. પરંતુ ક્યારે કોણ આગળ આવી જાય ખબર ન પડે, દરેક ક્ષેત્રે આવું જોવા મળતું હોય છે.

Most Popular

To Top