Surat Main

દમણ જલસા કરવા સુરતના યુવકે કાર-મોપેડ ચોરી કરવાની નવી તરકીબ અજમાવી

સુરતઃ (Surat) બેંક ઓફ બરોડાના (BOB) ઓડિટરની કાર ખાટુશ્યામ મંદિર પાસે પાર્કિંગના (Parking) બહાને અજાણ્યો પાર્કિંગ કરવા લઈ ગયા બાદ છૂ થઈ ગયો હતો. ખટોદરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા તે પીવીઆરમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. તેને મોજશોખ માટે મોપેડ અને કારની ચોરી કરી હતી. કાર ચોરી કરવા તેને નવી તરકીબ અપનાવી હતી. કાર લઈને તે બે ત્રણ દિવસ પછી દમણ (Daman) ફરવા જવાનો હતો.

  • વીઆઈપી રોડ પરથી ખાટુશ્યામ મંદિર પાસેથી બીઓબીના ઓડિટરની કાર ચોરી કરાઈ
  • ખટોદરા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
  • ‘હું પાર્કિંગવાળો છું અને મંદિરની તરફથી ગાડીનું ફ્રી પાર્કિંગ છે’ કરી કારની ચોરી

અમરોલી કોસાડ રોડ પર સુર્યનગર સોસાયટીમાં રહેતા 36 વર્ષીય મનોજકુમાર રામચરણ માલી મુળ રાજસ્થાનના વતની છે. તેઓ બેંક ઓફ બરોડાના બરોડા ઝોનમાં ઓડિટર તરીકે નોકરી કરે છે. ગત 2 માર્ચે બીઓબીના બરોડા ઝોન ઓફિસથી કતારગામની બીઓબીની શાખામાં ઓડીટ કરવા આવ્યા હતા. ઓડીટની કામગીરી ચાલું હતી ત્યારે ગત 17 માર્ચે સાંજે કામ પતાવીને તેમના પરિવાર સાથે વીઆઈપી રોડ પર ખાટુશ્યામ મંદિરે ગયા હતા. ત્યારે તેમની કાર (ડીએન-09-એમ-0141) રસ્તાની સામેની બાજુએ પાર્ક કરી હતી. ત્યારે ત્યાં ઉભેલા એક વ્યક્તિએ તેમની પાસે જઈને હું પાર્કિંગવાળો છું અને મંદિરની તરફથી ગાડીનું ફ્રી પાર્કિંગ છે. તેવું કહ્યું હતું. મનોજકુમારે સિક્યોરિટી ગાર્ડને પુછતા તેને પણ પાર્કિંગવાળો હોવાનું કહ્યું હતું. જેથી વિશ્વાસમાં આવીને મનોજકુમારે કાર આપતા તેમને વેલેટ પાર્કીગ સર્વિસનું કાર્ડ આપી કાર પાર્ક કરવા લઈ ગયો હતો. દર્શન કરીને તે બહાર નીકળ્યા અને પાર્કિંગમાં જઈને ગાડી શોધી તો કાર મળી આવી નહોતી. જેથી તેમના દ્વારા પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા ખટોદરા પોલીસે તેમની કાર ચોરીની ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

ચોરેલી કાર લઈને તે બે ત્રણ દિવસ પછી દમણ ફરવા જવાનો હતો
ખટોદરા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, એક વ્યક્તિ ચોરી કરેલી નંબર વગરની ગોલ્ડન કલરની એકટીવા લઇને કેનાલ વી.આઇ.પી. રોડ ચાર રસ્તા આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. તેનું નામ પુછતા પ્રેમ વિનોદ સંચેતી (ઉ.વ.22, રહે, ફલેટ નં. સી-૧૦૧ રત્ન માધવ એપાર્ટમેન્ટ, ઉમરા) હોવાનું જણાવ્યું હતું. આ એક્ટીવાની સાથે ખાટુશ્યામ મંદિર પાસેથી ચોરી કરેલી કાર પણ મળી આવી હતી. આરોપીની પુછપરછ કરતા તે પીવીઆરમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. તેને મોજશોખ માટે મોપેડ અને કારની ચોરી કરી હતી. કાર ચોરી કરવા તેને નવી તરકીબ અપનાવી હતી. કાર લઈને તે બે ત્રણ દિવસ પછી દમણ ફરવા જવાનો હતો.

Most Popular

To Top