SURAT

વરાછા વિસ્તારમાં રહેતા રત્નકલાકારે તેના ભાઇના ઘરે જઇ ઝેરી દવા ગટગટાવી લીધી

સુરત : વરાછા (Varacha) વિસ્તારમાં રહેતા રત્નકલાકારે તેના ભાઇના ઘરે જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. રત્નકલાકારની પત્ની 6 મહિના પૂર્વે બે બાળકોને લઇ પિયર જતી રહી હતી. જેથી માનસિક તણાવમાં આવી ગયેલા રત્નકલાકારે આ પગલું ભરી લીધું હતું.

સ્મીમેર હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વરાછા વર્ષા સોસાયટીમાં રહેતા વિજય નાજાભાઈ ગોહિલ (ઉ.વ.31) વરાછા ઘનશ્યામ નગરમાં આવેલા હીરાના કારખાનામાં કામ કરતા હતા. દરમિયાન વિજયભાઇની પત્ની 6 મહિના પહેલા બે બાળકોને લઈને પિયર રીસામણે ચાલી ગઇ હતી. દરમિયાન વિજય ગોહિલ વરાછામાં માતા-પિતા સાથે એકલા રહેતા હતા. બીજી તરફ પિતા બિમારીને કારણે પથારીવશ હોય વિજયભાઇ માનસિક તણાવમાં આવી ગયા હતા. અને ગઇકાલે સવારે ૧૦.૩૦ વાગ્યે તેમણે વરાછા જગદીશ નગરમાં રહેતા ભાઈના ઘરે જઈ ઝેર ગટગટાવી લીધું હતું. સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા આજરોજ સારવાર દરમિયાન વિજય ગોહિલનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વરાછા પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે એએસઆઇ નરેશભાઈએ વધુ તપાસ શરૂ કરી હતી. વધુમાં મૃતકને બે પુત્રો હોવાનું જાણવા મળ્યું છે.

કાપોદ્રામાં લેસપટ્ટીના વેપારીની પત્નીનો આપઘાત, બે બાળકોએ છત્રછાયા ગુમાવી
સુરત : કાપોદ્રા વિસ્તારમાં રહેતી લેસપટ્ટી વેપારીની પત્નીએ ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું. આપઘાત પાછળનું કોઇ કારણ બહાર આવ્યું નથી વધુ તપાસ કાપોદ્રા પોલીસ કરી રહી છે.

સ્મીમેર હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો મુળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વતની અને હાલ કાપોદ્રા વડવાળા સર્કલ પાસેની રવિપાર્ક સોસાયટીમાં રહેતા ઉમેશભાઈ સોંડાગર લેસપટ્ટીનું કામ કરી પત્ની સહિત બે બાળકોનું ગુજરાન ચલાવે છે. દરમિયાન ગત મોડી સાંજે તેમના પત્ની ઇલાબેન (ઉ.વ.૩૩)એ ઘરે છતના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. તેમને સંબંધી અશ્વિનભાઈ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઇલાબેનના આ પગલા પાછળ કોઇ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. વધુમાં મૃતકના ૧૨ વર્ષનો લગ્નગાળો હતો. આ મામલે કાપોદ્રા પોલીસ મથકના પીએસઆઇ એ.જી.ખોથ વધુ તપાસ કરી રહ્યા છે.

Most Popular

To Top