Dakshin Gujarat

મહેંગાઈ માર ગઈ : જીવનનિર્વાહની વસ્તુઓના વધતા ભાવો સામે દર્શન નાયકનો આક્રોશ

દેલાડઃ મોંઘવારી દિવસે ન વધે તેટલી રાત્રે વધી રહી છે. દૂધ, દહીં, છાસ, શાકભાજી તેમજ રોજિંદી જીવન વપરાશની ચીજવસ્તુઓના આસમાનને આંબતા ભાવથી સામાન્ય વર્ગની કમર તૂટી ગઈ છે અને મહિને ઘરના બે છેડા ભેગા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અધૂરામાં પૂરું પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસ તેમજ રાંધણગેસના કમરતોડ ભાવવધારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. તાજેતરમાં આ મોંઘવારી હજુ પણ વધશે તેનો ડર ગૃહિણીઓને સતાવી રહ્યો છે. અને ઘરની ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયાં છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારા બાદ રાંધણ ગેસમાં આજે રૂપિયા ૫૦નો ભાવવધારો ઝીંકવામાં આવતાં સહકારી તેમજ ખેડૂત અગ્રણી અને કોંગ્રેસના આગેવાન દર્શન નાયકે ભાવવધારા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.

સુરત જિલ્લા કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને સહકારી તેમજ ખેડૂત અગ્રણી દર્શન નાયકે એક અખબારી નિવેદનમાં આજે પેટ્રોલ-ડીઝલ બાદ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.૫૦ ભાવ વધારો ઝીંકવામાં આવતાં આક્રોશ વ્યક્ત કર્યો છે અને હવે ગ્રાહકોએ ગેસ સિલિન્ડરના રૂ.૯૫૦.૫૦ ચૂકવવા પડશે. મોંઘવારીને લઈને પહેલાથી જ પરેશાન લોકોને બેવડો માર પડી રહ્યો છે.

વધુમાં તાજેતરમાં દૂધના ભાવમાં લીટરે ૨ રૂપિયાનો ભાવ વધારો કરતાં તેની પાછળ છૂટક દૂધના ભાવમાં પાંચ રૂપિયા જેટલો ભાવ વધી ગયો છે. તો શાકભાજીના ભાવ પણ આસમાનને આંબી ગયા છે. દૂધમાં છેલ્લા એક વર્ષમાં અવારનવાર વધેલા ભાવથી લોકોએ ખરીદીમાં ઘટાડો કરવાની ફરજ પડી છે. સાથે ઘીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. સતત વધતા જતા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવથી સામાન્ય વર્ગ પીસાઈ રહ્યો છે. સામાન્ય વર્ગના લોકોનો આક્રોશ પણ વધી રહ્યો છે. હાલના સમયમાં સામાન્ય પગારમાં ઘર ચલાવતા પરિવારના વ્યક્તિનો એક ટકાનો પણ પગાર વધારો થયો નથી અને બીજી તરફ મોંઘવારી સતત વધતી જઈ રહી છે.

રસોઈ બનાવવા વપરાતા સીએનજી ગેસના વપરાશના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેથી સામાન્ય પરિવારમાં બચતનો કોઈ અવકાશ રહેતો નથી. ઉનાળુ મોસમની શરૂઆત સાથે શાકભાજીની આવક એકદમ ઓછી થઈ ગઈ છે. સામાન્ય લીંબુના ભાવ પણ કિલોના ૨૦૦થી વધુ બોલાઈ રહ્યા છે. જ્યારે અન્ય શાકભાજીના ભાવ પ્રતિ કિલોએ રૂ.૧૦૦ની ઉપર જતા રહ્યા છે. ચારથી પાંચ વ્યક્તિનો પરિવાર ધરાવતા વ્યક્તિઓને નાછૂટકે મોંઘા ભાવની શાકભાજી ખરીદી કરવી પડી રહી છે. આ ઉપરાંત મરચાં તેમજ મરી-મસાલા સહિતના ભાવમાં પણ ૨૫થી ૩૦ ટકાનો વધારો નોંધાયો છે. ગૃહિણીઓ સિઝનમાં મરી-મસાલા એકસાથે ભરી દેતી હોય છે. પરંતુ ભાવવધારાને લઇને તેમાં પણ કાપ મૂકવાની ફરજ પડી છે. જેથી તમામ ચીજવસ્તુઓની ખરીદી ભાવવધારો નડી રહ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. ઉપરાંત તેલના ભાવ પણ એક મહિનાથી ભડકે બળી રહ્યા છે. સિંગતેલ એક ડબ્બાના ૨૬૦૦ રૂપિયા, પામોલીન તેલ ૨૪૦૦ આસપાસ છે. સોયાબીન ૨૨૦૦ આસપાસ થઇ ગયા છે. અને આગામી સમયમાં ભાવવધારો થવાનો ડર ગૃહિણીઓને સતાવી રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને લઇને વાહનચાલકો હવે પોતાનાં વાહનો ઉપયોગ જરૂરિયાત પૂરતો જ કરી રહ્યા છે. ઘર વપરાશના રાંધણ ગેસના વધતા જતા તોતિંગ ભાવવધારાને લઇને શહેરી વિસ્તારમાં ગૃહિણીઓ પણ હવે બચત થાય તેવા ઉપાયો શોધી રહી છે અને ચૂલાની સિસ્ટમ ઉપર આવવા લાગ્યા છે. અને લાકડાં જેવા બળતણની ખરીદી કરવાનું વિચારી રહ્યા છે. એટલે કે, સામાન્ય વર્ગ ચારે તરફથી મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે. બીજી તરફ સરકાર વિકાસની વાતો કરીને પબ્લિકનું ધ્યાન બીજી તરફ કેન્દ્રીત કરી રહી છે. સરકાર અસહ્ય મોંઘવારીને અંકુશમાં લાવે તેવી માંગ કોંગ્રેસ આગેવાન તેમજ ખેડૂત અગ્રણી દર્શન નાયક સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા મોંઘવારી ઉપર અંકુશ લાવવામાં નહીં આવે તો છેવટે જનતાએ નાછૂટકે રસ્તા ઉપર ઉતારવાની ફરજ પડશે. જેની જવાબદારી સરકારની રહેશેની ચીમકી પણ દર્શન નાયક સહિતના જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે.

Most Popular

To Top