Gujarat

દેશની સરહદ દુશ્મનો નવી ટેક્નિકથી લડી રહ્યા છે, તેને સમજીને મહાત કરવાના છે : રાજનાથસિંહ

ગાંધીનગર : ગાંધીનગરના (Gandhinagar) લવાદ સ્થિત ભારતની અગ્રણી રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ યુનિવર્સિટી તરીકે પ્રખ્યાત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો દ્વિતીય દીક્ષાંત સમારોહ સોમવારે સંરશ્રણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ૨૩ ડિપ્લોમાં અને ૪૪ પીજી ડિપ્લોમાના વિદ્યાર્થીઓને (Student) પદવી એનાયત કરાઈ હતી તેમજ ૧૨૩ યુજીના, ૧૨૩ પીજીના વિદ્યાર્થીઓને ડિગ્રી અને પદવી તેમજ ૧ એમફિલ તથા ૨ પીએચડી સ્કોલરને ડિગ્રી એનાયત કરાઈ હતી. આ સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વિદ્યાર્થીઓને પોતાના પ્રેરક ઉદબોધનમાં કહ્યું કે, સુરક્ષિત રાષ્ટ્ર જ આદર્શ રાષ્ટ્ર બની શકે છે. સુરક્ષાનો વિસ્તૃત અર્થ એટલે મનુષ્યોની, માનવ અધિકારોની અને માનવ ગરિમાની સુરક્ષા છે. આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રને સંપૂર્ણ વિકસિત કરવો અને ગુલામીની તમામ પ્રકારની માનસિકતામાંથી બહાર લાવવો – આ બે વચનો પૂર્ણ કરવાના છે. આગામી ૨૫ વર્ષોનાં આઝાદીના અમૃતકાળ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ ગુલામી માનસિકતામાંથી બહાર આવી સ્વાભિમાન કેળવવું પડશે. અત્યાર સુધીમાં દેશ વર્ષો સુધી ગુલામ રહ્યો તેવો ઇતિહાસ ભણાવવામાં આવ્યો છે, પરંતુ ઇતિહાસને બરાબર સમજીને તેમાંથી પ્રેરણા મેળવવાની જરૂર છે. આ માટે દેશનવા વિવિધ રાજયોના મંત્રીઓએ વર્ષો સુધી વિદેશી આક્રમણકારીઓથી રાષ્ટ્રના સીમાડાનું રક્ષણ કરનારા ચંદ્રગુપ્ત મૌર્ય, વિક્રમાદિત્ય, સમુદ્રગુપ્ત, બપ્પા રાવલ, શિવાજી, રણજિતસિંહ, અહોમ શાસકો, ચૌલ રાજાઓ જેવા રાષ્ટ્ર શાસકોનાં ઉદાહરણ આપી રાષ્ટ્ર સુરક્ષાની ભાવના કેળવવા અનુરોધ કર્યો હતો.

કેન્દ્રીય રક્ષામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સુરક્ષાનાં પરિમાણો બદલાઈ રહ્યાં છે. અગાઉ આંતરિક અને બાહ્ય સુરક્ષા એવાં માત્ર બે જ પરિમાણોની દૃષ્ટિથી દેશની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવતું હતું. છેલ્લા બે દાયકામાં આંતરિક અને બાહ્ય સુરક્ષા વચ્ચેનું અંતર ઘટ્યું છે. વર્તમાન સમયમાં નવી ટેકનોલૉજીના વિકાસની સાથે તેમાં રહેલાં જોખમો પણ ઊભરી રહ્યાં છે. આતંકવાદ, હ્યુમન ટ્રાફિકિંગ, મની લૉન્ડરિંગ, સાયબર વૉરફેર, ઇન્ફર્મશન વૉર વગેરેના કારણે વિશ્વના કોઈ પણ ખૂણે બેસીને યુદ્ધ લડી શકાય છે. આથી સરહદ પાર બેઠેલા દુશ્મનોથી દેશને સુરક્ષિત રાખવાના પડકારો સામે લડવા માટે નવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. સ્પેસ, ડેટા, ઇન્ફર્મેશન, એનર્જી, ખાણ, અર્થવ્યવસ્થા, શિક્ષણ વગેરે ક્ષેત્રોની સુરક્ષા માટે દેશ-રાજ્યની સૌ સુરક્ષા એજન્સીઓએ સંકલિત થઈ સુરક્ષાની કામગીરી કરવી પડશે. આતંકીઓને સીમા પારથી ફંન્ડીંગ થઈ રહ્યું છે.

રાજનાથસિંહે આતંકવાદી માનસિકતા ધરાવતા દેશો પર પ્રહાર કરતાં કહ્યું કે, આતંકને પોતાનું સાધન માનતા દેશો સારી રીતે જાણે છે કે ભારત કારણ વગર કોઈને છંછેડતું નથી અને જે છંછેડે એને છોડતું નથી. આજ સુધી ભારતે ક્યારેય કોઈ દેશ સાથે યુદ્ધ કરી તેનું જોડાણ કે વશીકરણ કર્યું નથી, પરંતુ પ્રેરણા આપી છે.

Most Popular

To Top