National

ભારત-પાકિસ્તાન મેચને લઈને NIT શ્રીનગરના વિદ્યાર્થીઓ માટે વિચિત્ર આદેશ જાહેર કરાયા

નવી દિલ્હી: દુબઈમાં (Dubai) એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિવારે ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (NIT) એ મેચને લઈને તેના વિદ્યાર્થીઓ (Student) માટે એક વિચિત્ર આદેશ જાહેર કર્યો છે. NIT શ્રીનગરે વિદ્યાર્થીઓને આજે ગ્રુપમાં ભારત-પાકિસ્તાન એશિયા કપ ક્રિકેટ મેચ જોવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે એ પણ સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર મેચ સંબંધિત કોઈપણ પોસ્ટ શેર કરશે નહીં. આ નોટિસ વિદ્યાર્થી કલ્યાણના ડીન દ્વારા જારી કરવામાં આવી છે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ મેચ દરમિયાન તેમના રૂમમાં રહેશે. તેઓ કોઈ બીજાના રૂમમાં જવા પર પણ પ્રતિબંધ મૂકયો છે. તેમજ જો કોઈ વિદ્ઘાર્થી મેચ જોતા ઝડપાશે તો 5000 રૂપિયા દંડ ભોગવવો પડશે.

ગ્રુપમાં મેચ જોવા પર 5,000 દંડ
નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રવિવારની મેચ દરમિયાન તમામ વિદ્યાર્થીઓએ પોતપોતાના રૂમમાં રહેવું જોઈએ, કોઈપણ વિદ્યાર્થીએ અન્ય કોઈ વિદ્યાર્થીના રૂમમાં જવું નહીં. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીના રૂમમાં જોવા મળે છે અથવા કોઈ વિદ્યાર્થી જૂથમાં જોવા મળે છે તે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછો 5,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

વર્ષ 2016માં હંગામો થયો હતો
ઉલ્લેખનીય છે કે 2016માં T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની હાર બાદ કેમ્પસમાં બહારના લોકો અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે હંગામો થયો હતો, ત્યારબાદ NITને ઘણા દિવસો સુધી બંધ રાખવામાં આવી હતી. આ મામલે મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીઓનો વીડિયો પણ વાયરલ થયો હતો. તેના પર સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો હતો.

જમ્મુમાં પોલીસ સતર્ક રહેશે
દુબઈમાં એશિયા કપ ક્રિકેટ સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે, પરંતુ તેની ગરમી જમ્મુ-કાશ્મીરમાં પણ જોવા મળી રહી છે. તણાવની કોઈ શક્યતાને ટાળવા માટે સ્થાનિક પોલીસ પહેલેથી જ સતર્ક છે. મેચ પહેલા જિલ્લાના તમામ સંવેદનશીલ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કોઈ તોફાની તત્વો વાતાવરણને બગાડવામાં સફળ ન થાય. આ માટે પોલીસે સંવેદનશીલ સ્થળોની મહોલ્લા કમિટી અને માર્કેટ એસોસિયેશનના સભ્યો સાથે બેઠક યોજીને શાંતિ જાળવવા જણાવ્યું છે.

જણાવી દઈએ કે ભૂતકાળમાં ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ દરમિયાન ઘણી વખત સામાજિક સમરસતાની સ્થિતિ બગડી હતી અને ઘણી વખત જૂથવાદની સ્થિતિ પણ જોવા મળી હતી. પોલીસને આશંકા છે કે આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી શકે છે. આવી સ્થિતિમાં આ અંગે સાવચેતી રાખવામાં આવી રહી છે.

Most Popular

To Top