Science & Technology

સંશોધકોની આ શોધથી બ્રશ કે પાણીના એક પણ ટીપાં વગર સૌર પેનલ આપમેળે સાફ થઈ જશે

નવી દિલ્હી: અત્યારના સમયમાં વાતાવરણમાં (Atmosphere) ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં જે રીતે વૈશ્વિક તાપમાન (Temperature) વધી રહ્યું છે અને પાણીના (Water) કુદરતી સ્ત્રોતો સતત ઘટી રહ્યા હોવાથી લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેને જોઈને દુનિયાભરના પર્યાવરણવાદીઓના (Environmentalists) કહ્યાં મુજબ આવનારા સમયમાં સૌથી મોટો સંઘર્ષ પાણીને લઈને થશે. આવી સ્થિતિ થોડા અંશે ઓછી થાય તેવા પ્રયાસો સાથે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના (Massachusetts Institute of Technology) સંશોધકોએ કુદરતી જળ સ્ત્રોતોને બચાવવા માટે એક પદ્ધતિ વિકસાવી છે. જેના ઉપયોગથી સૌર પેનલની (Solar Panel) સફાઈ કરવામાં આવશે. જેના ઉપયોગથી બચતા પાણીથી 20 લાખ લોકોને પીવાનું પાણી મળી શકશે.

  • વિશ્વમાં 10 ટકા વસ્તી સૌર ઉર્જાનો ઉપયોગ કરી રહી છે
  • 10 બિલિયન ગેલન પાણી સૌર પેનલને સાફ કરવામાં ખર્ચાઈ જાય છે
  • સૌર પેનલ પર જમા થતી ધૂળથી તેની કાર્યક્ષમતામાં એક મહિનામાં 30 ટકાનો ઘટાડો થાય છે
  • આ ધૂળને સાફ કરવામાં ન આવે તો દર વર્ષે લગભગ 2 લાખ ડોલરનું નુકસાન થઈ શકે છે

હાલમાં, વિશ્વની 10 ટકા વસ્તી સૌર ઉર્જાથી પ્રકાશ મેળવી રહી છે. જ્યારે દર વર્ષે લગભગ 10 બિલિયન ગેલન પાણી આ સૌર પેનલને સાફ કરવામાં જ વપરાઇ જાય છે. સામાન્ય રીતે આ સૌર પેનલ રણના વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવે છે જ્યાં સૂર્યપ્રકાશ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. આ પેનલ પર હાજર ધૂળ આ ફોટોવોલ્ટેઇક પેનલ્સની એક માહિનામાં 30 ટકા કાર્યક્ષમતા ઘટાડી દે છે. તે માટે તેની ક્ષમતામાં ઘટાડો ન થાય તે માટે થોડા સમય અંતરે સાફ કરવામાં આવે છે અને તેને સાફ કરવામાં વધારે પાણીનો ઉપયોગ થાય છે. આ ઘટાડવા માટે સ્વચાલિત સફાઈને યોગ્ય રીતે વિકસાવવામાં આવે તો આ રીતે વધુ ઊર્જા ઉત્પન્ન કરવામાં મદદ મળી શકે છે.

આ સમસ્યાનો હલ લાવવા માટે એમઆઈટીના સંશોધકોએ આ પેનલ્સને એક પણ પાણીના ટીપાંનો ઉપયોગ કર્યા વિના આપમેળે સાફ કરવાની રીત શોધી કાઢી છે. આ નવી શોધથી જે પાણીની બચત થશે તેનાથી 20 લાખ લોકોને પીવાનું પાણી મળશે. સંશોધકોએ પેનલને પાણી વગર સાફ કરવા માટે ઈલેક્ટ્રોસ્ટેટિક રિપલ્શનનો ઉપયોગ કર્યો છે. તે એક એવી પદ્ધતિ છે જે ધૂળના કણોને દૂર કરવા માટે ઈલેક્ટ્રોસ્ટેટિક બળનો ઉપયોગ કરશે. જેનાથી પેનલની સપાટી પરની ગંદકી અને ધૂળને સાફ કરી શકશે. આ પ્રદ્ધતિની ખાસ વાત એ છે કે તેનાથી સફાઈ કરવા માટે કોઈપણ પ્રકારના બ્રશ કે પાણીની જરૂર પડશે નહીં તે પોતાની જાતે જ સાફ થઈ જશે. આ પ્રક્રિયા માટે સૌર પેનલની સપાટી પર એક ઇલેક્ટ્રોડ પસાર કરવામાં આવશે જેનાથી સપાટી પર હાજર ધૂળના કણોને ઇલેક્ટ્રિકલ ચાર્જ મળશે અને આ રીતે પેનલમાંથી ધૂળના કણો સાફ થઈ જશે.

સંશોધકોનો અંદાજ મુજબ સૌર પેનલના ઇન્સ્ટોલેશનના ખર્ચના 10 ટકા જેટલો ખર્ચ તેને સાફ કરવામાં છે. સંશોધકો માને છે કે આ નવી સિસ્ટમમાં ફક્ત ઇલેક્ટ્રોડ્સની જરૂર છે, જેમાં એક સરળ મેટલ સળિયાનો સમાવેશ થાય છે. જે પેનલ ઉપરથી પસાર થતી હોવાથી તે એક ઇલેક્ટ્રિક ક્ષેત્ર ઉત્પન્ન કરશે અને જેમાંથી ધૂળના કણો અલગ થઈ જશે. સંશોધકોનું કહેવું છે કે લેબોરેટરીમાં આ સિસ્ટમ સફળતાપૂર્વક કામ કરી રહી છે. આ પ્રયોગ 5 થી 95 ટકાના ભેજ પર તેનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. સંશોધકોને પ્રયોગ દરમિયાન જાણવા મળ્યું કે જ્યારે ભેજ ઘટે છે ત્યારે ધૂળના કણોને દૂર કરવામાં મુશ્કેલી પડે છે. પ્રયોગ થઈ ગયા પછી સંશોધકો એવી ભલામણ કરી છે કે પેનલની બંને બાજુઓને સળિયાઓથી આવરી લેવામાં આવે. જેનાથી પેનલ પરનો ઇલેક્ટ્રોડ પરિભ્રમણ કરી શકે અને સમગ્ર પ્રક્રિયા સ્વયંસંચાલિત થઈ જાય.

Most Popular

To Top