Comments

સાવરકર માટે આટલો વિવાદ

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે હિંદુત્વની પ્રેરણામૂર્તિ સમાન સાવરકરે ગાંધીજીની સલાહથી બ્રિટીશ સરકારને દયાની અરજી કરી હતી અને તેમને બદનામ કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ થાય છે એવું કહ્યું તેની સામે તાજેતરમાં વિવાદ શરૂ થઇ ગયો. રાજનાથસિંહે સાવરકરને સ્વાતંત્ર્ય સેનાની અને ભારતીય ઇતિહાસની એક મહત્ત્વની વ્યકિત ગણાવી હતી. કેટલાકને લાગે છે કે રાજનાથસિંહે જાણી જોઇને આ વિવાદ સર્જયો છે કારણ કે ભારતીય જનતા પક્ષ દેશની આઝાદીની લડતમાં મોટો ભાગ લીધો હોય તેનું સન્માન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કારણ કે કોંગ્રેસે આવા સ્વાતંત્ર્ય સેનાનીઓની ઉપેક્ષા કરી છે અને નેહરુ આણિ મંડળી પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

સાવરકરને આંદામાનની સેલ્યુલર જેલમાં મોકલવામાં આવ્યા હોવાથી તેમણે પોતાને મુકત કરવા માટે બ્રિટીશરોને અરજી કરી હતી. તેમની આ અરજીને દયાની અરજી પણ ઘણી વાર કહેવાય છે. જે સાચું હોય પણ ખરું અને નહીં પણ હોય. એ દિવસોમાં ત્યારના રાજકીય કેદીઓ માટે આ સામાન્ય કાનૂની માર્ગ હતો. બીજા વિશ્વયુદ્ધના યુગમાં શાહી ક્ષમાના ભાગ રૂપે કેટલાય રાજકીય અપરાધીઓને બ્રિટીશરોએ માત્ર ભારતમાં જ નહીં, દુનિયામાં જયાં જયાં બ્રિટીશ સંસ્થાનો હતા ત્યાં મુકત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આખા પત્રમાં સાવરકરે પોતે જે કંઇ કર્યું છે તેની માફી નથી માંગી. સદરહુ પત્ર મહદાંશે તેના વતી દલીલો કરનાર વકીલે જ ઘડયો હતો.

લોકમાન્ય બાળ ગંગાધર ટિળક જેવા લોકોએ પણ આવી અરજી કરી હતી. અરે, ભારતીય સામ્યવાદી પક્ષના સ્થાપક શ્રીપાદ અમૃતડાંગેએ પણ અરજી કરી હતી. કાકોરી કેસના તકસીરવારો વતી મદનમોહન માલવિયાએ પણ આવી અરજી કરી હતી. હકીકતમાં મહાત્મા ગાંધીએ પોતે 1920 માં સાવરકરબંધુઓ વતી અરજી કરી હતી. આથી આ એક રાબેતાની ઘટના હતી. ટીકાકારો એવું મનાવવાના પ્રયાસો કરે છે કે સાવરકરે બ્રિટીશરોના મેળાપીપણામાં ગુપ્તપણે પત્ર લખ્યો હતો. ઉલ્ટાનું સાવરકરે પોતાના મરાઠીમાં લખાયેલાં સંસ્મરણો ‘માઝી જન્મટેપ’માં આ વાતનો ખુલ્લેઆમ નિર્દેશ કર્યો છે અને ‘ઇકોઝ ફ્રોમ ધી આન્દામાન્સ’માં પણ આ વાતનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે, જે પુસ્તકમાં તેમણે પોતાના નાના ભાઇ નારાયણરાવને લખેલા પત્રો પ્રસિધ્ધ થયા છે.

સાવરકર અને બ્રિટીશ સરકાર વચ્ચે કોઇ છૂપી સમજૂતી થઇ હોત તો સાવરકરને પાંચ વર્ષ રાજકારણથી દૂર રહેવા નહોતું જણાવાયું હોત. પાંચ વર્ષની આ અવધિ વધારીને પછીથી તેર વર્ષની કરાઇ હતી, પણ ભારતમાં એક મહાન વ્યકિત વિ. બીજી મહાન વ્યકિત વચ્ચેની બાબત રાજકીય વિવાદનું સ્વરૂપ લઇ જ લેતી હોત. સાવરકરની ભૂમિકાનો સ્વીકાર કરવામાં મુશ્કેલી લાગે છે તેઓ સાવરકર હિંદુત્વ માટે ઝઝૂમતા હતા એમ કહે છે પણ સાવરકર એવા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં એવા મુસ્લિમો અને ખ્રિસ્તીઓને બીજા વર્ગના નાગરિકો ગણવામાં આવે જેમની ‘પુણ્યભૂમિ’ ભારતની ભૌગોલિક હદમાં નથી. સામે પક્ષે ગાંધીજી સર્વસમાવિષ્ટી ભારતના હિમાયતી હતા જેમાં દરેક કોમને સરખું માન મળે. ભારત આઝાદીની 75 મી જયંતી ઉજવે છે ત્યારે સાવરકરના પ્રશંસકો તેમને મોભ્ભા અને આદરભર્યું સ્થાન ન મળ્યું તે અપાવવા આતુર છે.

સાવરકરના જીવનનું બીજું પણ એક પાસું છે: તેમણે જ્ઞાતિવાદનો વિરોધ કર્યો હતો અને તમામ હિંદુઓને એક સમાન ગણવાનો આગ્રહ રાખ્યો હતો. આની કોઇ ઝાઝી વાત કરતું જ નથી. સાવરકરે રત્નાગિરિમાં 1925 થી 1937 સુધી જ્ઞાતિવાદ વિરોધી ઝુંબેશ ચલાવી જ્ઞાતિના ભેદભાવ બંધ કરવા માટે કાર્યક્રમ કર્યો હતો અને આ કાર્યક્રમ ગાંધીજીના કાર્યક્રમ કરતાં વધુ પ્રગતિશીલ ગણાય છે. પરંતુ સાવરકરનું ખરું કાર્ય 1947 માં ભારતના ભાગલાના સંદર્ભમાં હતું. ઘણા માને છે કે કોંગ્રેસે સાવરકરનો વ્યૂહ અપનાવ્યો હોત તો પૂર્વ અને પશ્ચિમને તેમજ સિંધના વિસ્તારોના હિંદુ બહુમતીવાળા વિસ્તાર બચી ગયા હોત. હિંદુ મહાસભાને મતદારોનું બળ મળ્યું ન હોવા છતાં તેઓ દાખલ કરે છે કે આ પક્ષની ‘ભારત બચાવો’ ઝુંબેશે પૂર્વ અને પશ્ચિમ ભારતના હિંદુ બહુમતીવાળા જે ભાગ બચાવી શકાયા તે બચાવવામાં ગણનાપાત્ર ફાળો આપ્યો હતો.

અલબત્ત, સાવરકરના જીવનનો સૌથી વિવાદાસ્પદ ભાગ ગાંધીજીની હત્યામાં તેમની કહેવાતી સંડોવણી છે. લાલ કિલ્લાના ખટલા પછી 1949 માં ગાંધીજીની હત્યાના ખટલાનો અંત આવ્યો. તમામ નવ આરોપીઓમાંથી માત્ર સાવરકરને જ નિર્દોષ ઠેરવી છોડી મુકાયા હતા. નથ્થુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને મોતની સજા થઇ હતી જયારે ગોપાલ ગોડસે, વિષ્ણુ કરકરે અને મદનલાલ પાહવાને લગભગ પંદર વર્ષની કેદની સજા થઇ હતી.

પંદર વર્ષની સજા પછી ગોપાલ, વિષ્ણુ અને મદન 1964-65 માં જેલમાંથી બહાર આવ્યા ત્યારે પૂણેમાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તે જ સમયે તે સમયનો ‘કેસરી’ના તંત્રી જી.વી. કેતકરે એવું સ્ફોટક વિધાન કર્યું હતું કે મને ગાંધીજીની હત્યા થઇ તેના ઘણા સમય પહેલાં તેની ખબર હતી અને મેં મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકારને જાણ કરી જ હતી.કેતકરના આ સ્ફોટક વિધાન પછી ખૂબ હો હા થઇ અને કેતકરના આક્ષેપોની તપાસ માટે જીવનલાલ કપૂર પંચ સ્થપાયું હતું. ગોડસે અને આપ્ટે હિંદુ મહાસભાના પ્રખર અગ્રણી સાવરકરના અનુયાયીઓ એટલે કે સાવરકરવાદીઓ હતા.

પંચે ગોડસે અને આપ્ટે ‘સાવરકરવાદી’ઓ હતા તેથી સાવરકર આ કાવતરામાં સંડોવાયેલા હતા એવું ભૂલભરેલું તારણ કાઢી સાવરકર અને ‘સાવરકરવાદી’ઓને સમાન ગણ્યા હતા. સાવરકરના પ્રશંસકો કહે છે કે આ અનુમાનને આધાર આપે તેવો પ્રતીતિકર પુરાવો નથી. માર્ચ, 2018 માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સાવરકર ગાંધીજીની હત્યા માટે કસૂરવાર ઠર્યા હતા તેવી અરજદારની રજૂઆત અસ્થાને છે. વારંવાર સાવરકરને નિર્દોષ ગણવામાં આવ્યા છે પણ રાજકીય કારણસર તેમને મહાત્મા ગાંધી હત્યાના પ્રકરણમાં ઢસડી લાવવામાં આવે છે એમ ભારતીય જનતા પક્ષના નેતાઓ કહે છે.

1980 ના માર્ચમાં સ્વાતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારક (મુંબઇ)ના પંડિત બાખલેએ તે વખતના વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને સાવરકરની આવી રહેલી જન્મ શતાબ્દીની ઉજવણી વિશે લખ્યું ત્યારે તા. 20 મી માર્ચ, 1980 ના દિને ઇંદિરા ગાંધીએ જવાબ લખ્યો. સાવરકરનો બ્રિટીશ સરકારનો હિંમતભર્યો વિરોધ સ્વાતંત્ર્યના સંગ્રામના ઇતિહાસમાં પોતાનું મહત્ત્વ ધરાવે છે. ભારતના આ નોંધપાત્ર સપૂતની જન્મ શતાબ્દીની ઉજવણીની યોજનાને મારી સફળતાની શુભેચ્છા.

તેમણે સાવરકર સ્મૃતિ ભંડોળમાં રૂા.11000 નું દાન પોતાના તરફથી આપ્યું હતું. 1970 માં ખુદ ઇંદિરા ગાંધીની સરકારે સાવરકરની સ્મૃતિમાં ટપાલ ટિકીટ તેમના જન્મ દિને તા. 28 મી મે, 1970 ના દિને બહાર પાડી હતી અને માહિતી અને પ્રસારણ ખાતાની હકૂમત હેઠળના ફિલ્મ્સ ડિવિઝને સાવરકર વિશે દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી. આજે સોનિયા ગાંધીની આગેવાની હેઠળનો કોંગ્રેસ પક્ષ આ બધું વિચારવા તૈયાર નથી. ભારતની રાજકીય આબોહવાએ સાવરકર વિવાદ સતત ચાલુ રાખ્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top