Comments

લોકોને ગાંધીથી દૂર કરવાનું કામ ગાંધીવાદીઓ અને ગાંધી સંસ્થાઓએ જ કર્યું

અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમના નવીનીકરણના મુદ્દે મહારાષ્ટ્રના વર્ધાથી એક યાત્રા નીકળી ગાંધી આશ્રમ આવી હતી. આ ગાંધીજનોની ફરિયાદ અને ચિંતા તે બાબતની હતી કે હવે જો સરકાર ગાંધી આશ્રમના નવીનીકરણનું કામ હાથમાં લેશે તો આશ્રમનું સરકારીકરણ થઈ જશે. વિષય ગંભીર છે, જેમાં કેટલી ચિંતા સાચી અને ખોટી તે અલગ પ્રશ્ન છે, પરંતુ ગાંધી આશ્રમના પ્રશ્ને છેક મહારાષ્ટ્રથી અમદાવાદ સુધી યાત્રા નીકળે અને  સાધારણ જનમાનસ ઉપર તેની કોઈ અસર થાય જ નહીં અને સાધારણ જન આવી યાત્રા અને તેના પ્રશ્નની માનસિક નોંધ સુધ્ધાં લે નહીં .

આવું કેમ બન્યું તેની કોઈ ચિંતા કરતું નથી. ગાંધીનો માર તો ત્યારે પણ સહેલો  ન્હોતો અને આજે પણ નથી. કોઈ સરકાર એવો ખાનગી નિર્ણય કરે કે ક્રમશ: આપણે લોકોના મનમાંથી ગાંધીને ભૂંસી નાખીશું તો તે શકય નથી, એટલે ગાંધી સરકારી થઈ જશે તે શકય જ નથી. ગાંધી આશ્રમનું સરકારીકરણ થાય તેની ચિંતા કરતાં ગાંધીજનો માટે વધુ ચિંતાનો વિષય એવો હોવો જોઈએ કે સામાન્ય લોકો કેવી રીતે ગાંધીમય જીવે તેની હોવી જોઈએ કારણ ગાંધી માત્ર ને માત્ર એક પરીક્ષાનો વિષય બની ગયો છે. ગાંધીની સામે સામાન્ય લોકોની નજરમાં ગાંધીને સામાન્ય માણસ તરીકે રજૂ કરવાને બદલે ગાંધીજનોએ તેને મહાત્મા બનાવી લોકોને ગાંધીથી દૂર કરી દીધા છે.

ગાંધીએ ટ્રસ્ટીશીપનો સિધ્ધાંત આપ્યો, ગાંધીનું બીજું નામ હતું ત્યાગ, પણ પોતાને  ગાંધીજનો તરીકે ઓળખાવતા ગાંધી સંસ્થાઓ વહીવટકર્તાઓ એક વખત સંસ્થાની ગાદી  ઉપર બેસી ગયા પછી તેઓ ગાંધી છોડી શકયા જ નહીં. તેમની સ્થિતિ પણ સક્રિય રાજકારણી જેવી થઈ. રાજનેતા રાજકારણને છોડી શકતા નથી અને ગાંધીજનો મૃત્યુપર્યંત સંસ્થા છોડી શકયા નહીં તેનું પરિણામ એવું આવ્યું કે ગાંધી સંસ્થામાં ગાંધી જીવીય તેની ચિંતા કરવાને બદલે ગાંધીજનો સંસ્થા જીવાડવાની ચિંતામાં પડી ગયા અને તેમાં ગાંધી તો ભુલાઈ ગયો, એટલે ગાંધી સંસ્થામાં નવું લોહી અને નવો વિચાર આવ્યો જ નહીં. કેટલાંક જુવાનિયાંઓએ ગાંધી વર્તુળમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ત્યારે વર્ષોથી સંસ્થામાં બેઠેલાઓને તે કઠયું.  ખરેખર ગાંધી સંસ્થાઓમાં ગાંધી ભણાવવાની જરૂર છે, ગાંધી પુસ્તકનો વિષય નથી, ગાંધી તો જીવવાનો વિષય છે, ખાદી પહેર્યા વગર અને ગાંધીનું નામ લીધા વગર પણ ગાંધીને સમજી શકાય અને ગાંધીનું કામ થઈ શકે તેવુ મેં જોયું છે.

પણ ગાંધીજનોએ ગાંધીને સંકુચિત બનાવી દીધો. ગાંધી માત્ર ખાદી સુધી સીમિત રહી ગયો. માત્ર ખાદી પહેરવાથી કે ગાંધી સંસ્થામાં કામ કરવાથી કોઈ ગાંધીજન બની જતું નથી. ગાંધી તો વિશાળ હ્રદય અને પ્રયોગનો માણસ હતો, પણ ગાંધીજનો પોતે જ ગાંધીથી દૂર થયા અને ગાંધીજી વિશાળતા સાથેનું જીવ્યા નહીં અને છોડવાનું તો તેમને આવડયું જ નહીં જેના કારણે આજે ગાંધીજનોની યાદી બનાવવામાં આવે તો મોટા ભાગના પોતાના અંતિમ પ્રયાણ તરફ આગળ વધી રહ્યા છે, જેમના માટે ગાંધી પાઠય પુસ્તકનો એક  પાઠ છે  અને તેમણે ગાંધીજનોને જયારે જયારે જોયા ત્યારે લાગ્યું ગાંધી તો નીરસ-ડરપોક-ગભરુ દેશી ભાષામાં કહીએ તો પંતુજી છે, પણ ગાંધી હરગિઝ આવો ન્હોતો, ગાંધી તો મારી, તમારી અને આપણી ચિંતા કરવાવાળો માણસ હતો. ગાંધી તો જનજનને એક કરનારો માણસ હતો, ગાંધી તો માણસ સારું જીવે તેની ચિંતા કરનારો અને ચિંતાને પરિણામ સુધી પહોંચાડનારો માણસ હતો, પણ આપણે જે ગાંધીજનો જોયા તે તો 2 ઓકટોબર અને 30 મી જાન્યુઆરીના રોજ અખબારમાં પ્રેસનોટ આપી પોતાની જવાબદારી પૂરી કરતાં જોયો છે.

હું એવાં ગાંધીજનોને પણ ઓળખું છું, જે રાજય અને દેશના એવા દુર્ગમ વિસ્તારમાં કામ કરે છે, જયાં હજી સરકાર હોવાનો અહેસાસ પણ પહોંચ્યો નથી. આ ગાંધીજનો ખાદી પહેરતાં નથી અને ગાંધીનું નામ લેતાં નથી, પણ તેમનું કામ કોઈ પણ ગાંધીજન કરતાં ચડિયાતું છે. ઉદાહરણ રૂપે કહીએ તો મહારાષ્ટ્રનાં ગીચ જંગલોમાં કામ કરી ચૂકેલા બાબા આમટે અને હવે તેમના દીકરા ડૉ પ્રકાશ આમટે આધુનિક ભારતના આધુનિક ગાંધી છે તેવી જ રીતે ભાવનગરના મહુવામાં કામ કરતા ડૉ કનુ કલસરિયા પણ ગાંધીનું જ કામ કરે છે. આવા ગાંધીજનોની સંખ્યા પણ આ દેશમાં બહુ મોટી છે, પરંતુ તેઓ પોતાને ગાંધીજન કહેવડાવતા નથી અને કોઈ ગાંધી સંસ્થામાં કામ કરતા નથી એટલે આપણે તેને ગાંધીજન કહેતા નથી.ગાંધી સંસ્થામાં કામ કરતા ગાંધીજનોએ  માત્ર ને માત્ર ગાંધી ઈમારત બચાવવાની  અને સંભાળવાની જવાબદારી લીધી અને  ગાંધીને જીવતો રાખવાનું કામ તેમણે કર્યું નહીં.

એટલે જયારે ગાંધી આશ્રમના નવીનીકરણ સામે પોતાનો વાંધો રજૂ કરવા મહારાષ્ટ્રથી ગાંધીજનો નીકળે ત્યારે તેમની નોંધ સરકાર તો ઠીક, પણ પ્રજા પણ લેતી નથી, કારણ પ્રજા અને સરકાર બન્નેને ખબર છે આ ગાંધીજનો બધું કામ પ્રતીકાત્મક કરે છે, તેઓ પ્રતીકાત્મક રેંટિયો કાંતે છે  અને  મેં તો વિરોધ કર્યો હતો તેવું પોતાને કહેવા માટે વિરોધ કરે છે. ગાંધીજન થવા માટે ગુમાવવાની તાકાત હોવી જોઈએ, જે તાકાતનો હવે ગાંધીજનોમાં અભાવ છે. વિરોધનું પણ ઠોસ કારણ તેમની પાસે નથી. ગાંધી સરકારનો નથી તેમ ગાંધી સંસ્થાઓનો પણ નથી. ગાંધી લડાયક હતો તેની સાથે ગાંધી સંવાદકાર પણ હતો, પણ હવે ગાંધીજનોમાં  સંવાદનો અવકાશ રહ્યો નથી. તેઓ ગુસ્સે થાય છે,બરાડે છે, નારેબાજી કરે છે અને નારાજ અને નિરાશ થઈ જાય છે.

આરોપ કરતી વખતે આપણી પાસે સમસ્યાનો ઉકેલ પણ હોવો જોઈએ પણ તે માને છે ઉકેલ સરકારની જવાબદારી છે, તેનું કામ તો માત્ર આંદોલન  કરવાનું છે. પણ ગાંધી માત્ર આંદોલનકાર ન્હોતો. સામાન્ય માણસ રોડના કિનારે ઊભો રહી ગાંધીજનોનો આ તમાશો ચુપચાપ જુવે છે કારણ તેને ખબર છે આ રેલીઓ અને પદયાત્રા તેના જીવનમાં કોઈ ફેર લાવી શકતી નથી એટલે હે રામ બોલી તે ઘરે જાય છે અને ગાંધી માત્ર  પ્રતિમાઓમાં ઊભો કરે છે.      
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top