World

કેનેડામાં શીખ નેતા રિપુદમન સિંહ મલિકની ગોળી મારી હત્યા

કેનેડા(Canada): કેનેડામાં રહેતા વિવાદાસ્પદ શીખ નેતા(Sikh leader) રિપુદમન સિંહ મલિક(Ripudaman Singh Malik)ની ગોળી મારીને હત્યા(Murder) કરવામાં આવી હતી. તેમની હત્યા કેનેડાના પ્રાંત બ્રિટિશ કોલંબિયામાં થઈ હતી. આ ઘટનાની પુષ્ટિ કરતા રિપુદમન સિંહ મલિકના સંબંધી જસપાલ સિંહે કહ્યું કે, રિપુદમનની હત્યા કોણે કરી તે અમને ખબર નથી. તેની નાની બહેન કેનેડા પહોંચી રહી છે. રિપુદમન સિંહ મલિકનું નામ 1985માં એર ઈન્ડિયા ફ્લાઈટ હાઈજેકિંગ કેસ(Air India bombing Case) માં સામે આવ્યું હતું. આ ઘટનામાં બોમ્બ વિસ્ફોટ(Bomb Blast)ને કારણે ફ્લાઇટમાં સવાર તમામ લોકોના હવામાં જ મોત થયા હતા. બાદમાં મલિકને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, મલિક (રિપુદમન સિંહ) પર ગુરુવારે સવારે 9 વાગ્યે સરેમાં તેની ઓફિસની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મલિકને એટલી નજીકથી ગોળી વાગી હતી કે તેના માટે બચવું અશક્ય હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર રિપુદમન મલિકની જ્યાં હત્યા કરવામાં આવી હતી ત્યાંથી થોડે દૂર એક સળગેલી કાર પણ મળી આવી છે. જો કે પોલીસ હજુ સુધી બંને ઘટનાઓ વચ્ચે કોઈ કનેક્શન શોધી શકી નથી. એવું માનવામાં આવે છે કે આ ટાર્ગેટ કિલિંગની ઘટના હતી, જેને સુનિશ્ચિત રીતે અંજામ આપવામાં આવ્યો હતો.

એર ઈન્ડિયા બ્લાસ્ટ કેસમાં નામ આવ્યું
રિપુદમન સિંહ મલિક કથિત રીતે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ બનાવવાના કાવતરામાં સામેલ હતો. વર્ષ 1985માં બનેલી આ ઘટનામાં એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-182, જેને કનિષ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે તેણી 23 જૂન 1985ના રોજ કેનેડાથી ઉડાન ભરી અને ભારત જવા રવાના થઈ હતી. તે દરમિયાન ફ્લાઈટ જ્યારે આયર્લેન્ડના દરિયાકાંઠે પહોંચી ત્યારે જોરથી વિસ્ફોટ થયો (એર ઈન્ડિયા બોમ્બિંગ કેસ) અને પ્લેન ચીંથરેહાલ થઈ ગયું. આ ઘટનામાં વિમાનમાં સવાર તમામ 329 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૃતકોમાં મુસાફરો સહિત ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં 280 કેનેડિયન નાગરિક હતા. આ સનસનાટી ભરેલી ઘટનામાં 29 પરિવારો સંપૂર્ણ રીતે નાશ પામ્યા હતા. જેમાં 86 બાળકો, જેમની ઉંમર 12 વર્ષથી પણ ઓછી હતી તેઓ આ બોમ્બ ધડાકામાં માર્યા ગયા હતા.

શું આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા સાથે કનેક્શન હતું?
રિપુદમન સિંહ મલિક કથિત રીતે આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. આ સંગઠન પર પંજાબમાં અનેક બોમ્બ વિસ્ફોટો અને નિર્દોષ લોકોની હત્યા કરવાનો આરોપ છે. મલિકને બબ્બર ખાલસાના આતંકવાદી તલવિંદર સિંહ પરમાર સાથે પણ સંબંધ હોવાનું કહેવાય છે. પરમાર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ હોવાનું મનાય છે. આ સંગઠન પર કેનેડા, ભારત, અમેરિકા સહિત ઘણા દેશોએ પ્રતિબંધ મૂક્યો છે.

કેનેડાના ઈતિહાસની સૌથી મોટી આતંકવાદી ઘટના
રિપુદમન સિંહ મલિક અને અન્ય સહ-આરોપી અજાયબ સિંહ બાગરીને 2005માં બોમ્બ ધડાકામાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. નિર્દોષ જાહેર થયા પહેલા તે 4 વર્ષ જેલમાં હતો. નિર્દોષ છૂટ્યા પછી, મલિકે વળતરના નામે કેનેડિયન સરકાર પાસેથી $9.2 મિલિયનની માંગણી કરી, જેને બ્રિટિશ કોલંબિયાના ન્યાયાધીશે નકારી કાઢી. 1985માં એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ કેસને કેનેડાના ઈતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી આતંકવાદી ઘટના માનવામાં આવે છે. કેનેડા આજદિન સુધી આના ગુનેગારોને સજા અપાવી શક્યું નથી.

પીએમ મોદીનાં કરી ચુક્યા છે વખાણ
રિપુદમન સિંહે 2022ના મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમણે શીખ સમુદાય માટે મોદી સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા માટે પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top