Gujarat

ગુજરાતની જેલોમાંથી આશાની કિરણ

GSEB પરીક્ષામાં 44 કેદીઓ સફળ, શિક્ષણથી જીવનમાં આવ્યો નવો વળાંક

સામાન્ય રીતે જેલનું નામ સાંભળતાં જ મનમાં અંધકાર, સજા, પસ્તાવો અને એકલતા જેવા વિચારો આવે છે. પરંતુ ગુજરાતની વિવિધ જેલોમાંથી હવે એક એવી પ્રેરણાદાયક કહાની સામે આવી છે, જે બતાવે છે કે શિક્ષણ માણસનું જીવન બદલી શકે છે. ગુજરાતની જેલોમાં સજા ભોગવી રહેલા કુલ 44 કેદીઓએ ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)ની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી છે.આ સફળતા માત્ર પરીક્ષા પાસ કરવાની ઘટના નથી,પરંતુ જીવનને ફરી નવી દિશા આપવાનો પ્રયાસ છે.જેલમાં રહેતા અનેક કેદીઓ માટે શિક્ષણ હવે નવી આશા આત્મ વિશ્વાસનું સાધન બન્યું છે.

કેદીઓએ મેળવી સફળતા
મળતી માહિતી અનુસાર ગુજરાતની અલગ અલગ જેલોમાં રહેલા કુલ 44 કેદીઓએ આ વર્ષે GSEBની પરીક્ષાઓમાં સફળતા મેળવી છે. જેમાંથી 22 કેદીઓએ ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે, જ્યારે અન્ય 22 કેદીઓએ ધોરણ 12માં સફળતા મેળવી છે.જેલ વિભાગ અને ‘ઓફિસ ઓફ ગુજરાત પ્રિઝન્સ એન્ડ કરેક્ટનલ એડમિનિસ્ટ્રેશન’ના પ્રયાસોથી આ કેદીઓને અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

જેલમાં જ તૈયાર કરાયા પરીક્ષા કેન્દ્રો
જેલ વિભાગ દ્વારા કેદીઓ માટે પરીક્ષા ફોર્મ ભરાવવાથી લઈને પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને વિષયવાર માર્ગદર્શન સુધીની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. ખાસ વાત એ છે કે કેદીઓને મુશ્કેલી ન પડે તે માટે જેલ પરિસરમાં જ પરીક્ષા કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા હતા.આ ઉપરાંત શિક્ષકો અને વિષય નિષ્ણાતોને જેલોમાં બોલાવી ખાસ માર્ગદર્શન વર્ગો પણ યોજવામાં આવ્યા હતા, જેથી કેદીઓ યોગ્ય રીતે પરીક્ષાની તૈયારી કરી શકે.

“મને લાગતું હતું જીવન પૂરું થઈ ગયું”
એક કેદીએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે સજા મળ્યા બાદ તેને લાગ્યું હતું કે તેનું જીવન હવે પૂર્ણ થઈ ગયું છે. તે ડિપ્રેશનમાં ચાલી ગયો હતો અને ભવિષ્ય વિશે કોઈ આશા રહી નહોતી.પરંતુ જેલ અધિકારીઓ, રેડિયો પ્રિઝન કાર્યક્રમ અને વેલફેર વિભાગના પ્રોત્સાહનથી તેણે ફરી અભ્યાસ શરૂ કર્યો. હવે પરીક્ષામાં સફળતા મળતાં તેને લાગે છે કે જીવન ફરી જીવવા જેવું બન્યું છે.

ગરીબીના કારણે અધૂરું રહ્યું હતું ભણતર
બીજા એક કેદીએ જણાવ્યું કે પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેને મધ્યમાં જ અભ્યાસ છોડવો પડ્યો હતો. બાદમાં જીવનની પરિસ્થિતિઓએ તેને ગુનાની દુનિયામાં ધકેલી દીધો અને અંતે જેલ સુધી પહોંચાડ્યો.જોકે જેલમાં મળેલા માર્ગદર્શન અને કાઉન્સેલિંગથી તેણે ફરી અભ્યાસ શરૂ કર્યો અને હવે પરીક્ષા પાસ કરી પોતાનું આત્મવિશ્વાસ પાછું મેળવ્યું.


જેલમાં છું, છતાં સપનાઓ જીવંત છે”
ધોરણ 12માં સફળ થયેલા એક અન્ય કેદીએ કહ્યું કે જેલમાં હોવા છતાં તેના સપનાઓ હજુ જીવંત છે. તે સંગીતના ક્લાસમાં પણ ભાગ લે છે અને જેલમાંથી બહાર આવ્યા બાદ ગાયક બનવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે.આવો આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારધારા જેલ વિભાગના પુનર્વસન કાર્યક્રમોની સફળતા દર્શાવે છે.

આધુનિક લાઇબ્રેરી અને ઓડિયો બુક્સની સુવિધા
કેદીઓમાં વાંચન અને સકારાત્મક વિચારધારા વિકસે તે માટે જેલ પ્રશાસન દ્વારા આધુનિક લાઇબ્રેરી પણ શરૂ કરવામાં આવી છે. પુસ્તકો ઉપરાંત ઓડિયો બુક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાઓના કારણે કેદીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ ફરી મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે પ્રેરાઈ રહ્યા છે.

જેલ વિભાગના પ્રયાસોની પ્રશંસા
જેલ વિભાગ દ્વારા કેદીઓમાં નકારાત્મકતા અને ડિપ્રેશન દૂર કરવા માટે અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. શિક્ષણ ઉપરાંત સંગીત, કાઉન્સેલિંગ, વાચન અને કૌશલ્ય વિકાસ જેવા કાર્યક્રમો દ્વારા કેદીઓને નવી શરૂઆત માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે કેદીઓએ પોતાનું ભણતર અધૂરું છોડ્યું હતું, તેમને ફરી અભ્યાસ શરૂ કરવાની વિશેષ તક આપવામાં આવી રહી છે.

સમાજ માટે પ્રેરણાદાયક મોડેલ
આ સમગ્ર પહેલ માત્ર કેદીઓ માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બની છે. શિક્ષણ વ્યક્તિના જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી શકે તેનું જીવંત ઉદાહરણ ગુજરાતની જેલોમાં જોવા મળી રહ્યું છે. જેલ પ્રશાસનની આ પહેલ બતાવે છે કે યોગ્ય માર્ગદર્શન, શિક્ષણ અને પ્રોત્સાહન મળે તો કોઈપણ વ્યક્તિ પોતાના જીવનને ફરી નવી દિશા આપી શકે છે.

Most Popular

To Top