Editorial

લોકોની સેવા કરવા માટે પાર્ટીની ટિકિટ જરૂરી છે?

લોકસભા કે વિધાનસભા ચૂંટણી હોય એ સમયે જેટલી ચિંતા કે દબાણ કોઇ પાર્ટીઓના ઊંચા પદ પર બેઠેલા નેતાઓને નથી હોતું, તેટલું દબાણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે ઉમેદવાર પસંદગી માટે થતું હોય છે. મારે સેવા કરવા માટે રાજનીતિમાં આવવું છે અને ટિકિટ ન મળતાં એવો હોબાળો કરવામાં આવે છે, જાણે કોઇ ગઢ હારી ગયા હોય.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી હંમેશા સત્તાધારી પક્ષ માટે  મગજનો દુખાવો લઇને આવે છે. જીતવાની વધારે સંભાવના હોવાથી આવા પક્ષની ટિકિટો માટે લાંબા સમયથી લોબિંગ શરૂ થઇ જાય છે. કેટલીક જગ્યાએ નસીબના સહારે તો કેટલીક જગ્યાએ નોટોને સહારે ટિકિટ મળતી હોય છે. ટિકિટ મળે તે પોતાને ભાગ્યશાળી ગણે અને ટિકિટ ન મળે તો એ મોવડીમંડળને ગાળો ભાંડવાનું શરૂ કરે છે.

સેવા કરવા માટે લોકો એટલા તત્પર હોય છે કે ટિકિટ ન મળતાં પોતાની જ પાર્ટીની પોલ ખોલવાનું ચાલુ કરી દેતા હોય છે. ગુજરાત જ નહીં, પરંતુ દેશના દરેક રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાર્યકર્તા સાચવવાં પાર્ટીઓને અઘરાં થઇ જતાં હોય છે. પાર્ટી ટિકિટ આપશે તો શું બોલશું અને પાર્ટી ટિકિટ ન આપે તો કઇ રીતે બળાપો કાઢવો બધું જ જાણે સ્ક્રિપ્ટ લખીને તૈયાર હોય એવું જોઇ શકાય છે.

કેટલાંક લોકો જેમણે ટિકિટ ન મળી હોય તેઓને કહેતા સાંભળ્યા હશે કે મેં 20 વર્ષ સુધી પાર્ટીની સેવા કરી છે અને લોકો વચ્ચે રહ્યો છું છતાં મને ટિકિટ નથી મળી. જો કે, સત્ય વાત એ છે કે જો 20 વર્ષ તમે લોકો વચ્ચે રહીને કામ કર્યું હોય અને ખાસ તો લોકો માટે કામ કર્યું હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમને કોઇ પાર્ટી સિમ્બોલની જરૂર જ રહેતી નથી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓછામાં ઓછા લોકો સુધી તમારે પહોંચવાનું હોય છે. જો તમે લાંબા સમયથી સક્રિય રાજનીતિમાં હો અને લોકોની દિલથી સેવા કરી હોય તો લોકો એટલા તો ગરજ મતલબી નથી કે તેઓ તમારી પસંદગી નિશાન જોઇને કરશે. તમે અપક્ષ પણ ઊભાં હો તો તમને ચૂંટી લેશે.

ટિકિટ ન મળ્યા બાદ જે રીતે આ બની બેઠેલા નેતાઓ મોવડીમંડળને ગાળો દે છે, અપશબ્દો બોલે છે તેઓ ખરેખર ટિકિટને લાયક હોતા જ નથી. સ્થાનિક સ્તર પર એક જ મહોલ્લામાં ચારથી પાંચ ઉમેદવારો લાયકાત ધરાવતાં જ હોય છે એવામાં પાર્ટીઓએ કોઇ એક નામ પર પસંદગી ઉતારવાની જ હોય છે.

બની શકે કે કોઇક બેઠક માટે બોલી લાગી હોય પરંતુ દરેક બેઠક પરની ટિકિટ વેચાતી જ હોય એવું નથી. સારાં નેતાઓને ટિકિટ મળે પણ છે અને તેઓ જીતીને આગળ જતાં પણ હોય અને સારાં કામો કરતાં પણ હોય છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સામેના પક્ષના ઉમેદવારને હરાવવા કરતાં પોતાની પાર્ટીના જ ઉમેદવારને હરાવવો મહત્ત્વનો બની જાય છે. જે પાર્ટી જીતે એવું લાગતું હોય તેની ટિકિટ મળવી એ જ સૌથી મોટી જીત છે. લોકો મત આપશે કે નહીં તેના કરતાં સાહેબ પસંદગી કરશે કે નહીં તેની વધારે ચિંતા રહે છે.

એવામાં હવે પ્રશ્ન ખરેખર એ થાય કે શું સેવા કરવા માટે ટિકિટની જરૂર હોય છે? શું ટિકિટ મેળવ્યા વિના લોકોની સેવા ન થઇ શકે? આપણા સમાજમાં એવાં પણ લોકો છે જે ચુપચાપ લોકોની સેવા કરે છે, છતાંય કોઇ ટિકિટની લાલસા નથી રાખતાં.

પાર્ટીઓની ટિકિટ લઇને સેવાના નામે મેવા મેળવવા માટેની ચોખ્ખી દાનત છતી થતી હોય તે છતાં જે પ્રકારે નાટકો ભજવાતાં હોય એ ખરેખર નિંદનીય છે. કાલ સુધી જે નેતાઓને તમે ટિકિટ માટે ભગવાનનો દરજ્જો આપી દીધો હતો એ નેતાએ તમારી ટિકિટ કાપી તો ગાળો આપતાં પણ ખચકાતાં નથી.

આવા લાલચુ લોકોથી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે અને ખાસ તો સ્થાનિક સ્તરે તમારો નેતા તમારી વચ્ચેથી હોય તેનું ખાસ ધ્યાન રાખીએ. પાર્ટી ભલે કોઇને પણ ટિકિટ આપે પરંતુ લોકસભા કે રાજ્યસભા કરતાં પણ આ ચૂંટણીનું મહત્ત્વ વધારે રહે છે તેથી એવા ઉમેદવારને મત આપવો જે તમારી વચ્ચેનો હોય.

મુશ્કેલીના સમયમાં તમારી સાથે ઊભો હોય એવા ઉમેદવારને ચૂંટવાની જવાબદારી પ્રજાની છે. પક્ષને ન જોતાં ઉમેદવારને ઓળખો. ઉમેદવાર તમારા માટે કેટલો જરૂરી છે તેના પર ધ્યાન આપો અને ખાસ તો ટિકિટ નહીં મળવાથી કકળાટ કરીને ત્યાર બાદ અપક્ષ ઉમેદવારી નોંધાવનારા લોકોથી ખાસ સાવચેત રહેજો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top