Dakshin Gujarat

ઝઘડિયામાં પત્નીને પોતાના જ ઘરમાં તેના પ્રેમી સાથે જોતાં પતિ વિફર્યો, પ્રેમીને કુહાડી ઝીંકી

ઝઘડિયા: ભરૂચના ઝઘડિયા તાલુકામાં પત્નીના પ્રેમસંબંધે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પત્નીને તેના પ્રેમી સાથે પોતાના જ ઘરમાં જોઈ જતા પતિ ગુસ્સે ભરાયો હતો અને પત્નીના પ્રેમીને કુહાડી ઝીંકી દીધી હતી

ઝઘડિયા તાલુકામાં લગ્નેત્તર સંબંધનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પરિણીત પ્રેમી પરિણીતાને મળવા ગયો હતો. એ જ વેળા પ્રેમાલાપ કરતી વેળા પતિ આવી પહોંચ્યો હતો. પત્નીને પરપુરુષ સાથે જોતાં જ પતિ લાલચોળ થઈ ઊઠ્યો હતો અને પત્નીના પ્રેમી ઉપર કુહાડી ઝીંકી દીધી હતી. આ બનાવમાં ઘાયલ પ્રેમીને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

  • ‘તારે અહીં આવવું નહીં, તું મારી પત્ની જોડે આડા સંબંધ રાખે છે?’ કહી પતિએ હુમલો કર્યો
  • પતિએ પત્નીના પ્રેમીને માથામાં કુહાડી વડે બે ઘા ઝીંકી દેતાં તે જમીન પર ઢળી પડ્યો
  • લોહીથી લથપથ હાલતમાં પ્રેમીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

લગ્નબાહ્ય સંબંધો ક્યારે વિકરાળ રૂપ ધારણ કરે છે. જેનાથી ઘરસંસાર પડી ભાંગે છે. ઘણા કિસ્સામાં તો વાત લોહિયાળ જંગ સુધી પહોંચી જતી હોય છે. આવો જ એક કિસ્સો ઝઘડિયામાં બન્યો હતો. ઝઘડિયાના ૨૭ વર્ષીય યુવક કિશોરભાઈ (નામ બદલ્યું છે)ને ગામની પરણીતા સાથે આંખ મળી હતી. બંને ચોરીછૂપી મળતા હતા.

ગત તા.૭ એપ્રિલે પતિ કોઈ કામ અર્થે બહાર ગયો હતો. દરમિયાન બપોરે લગભગ એકાદ વાગ્યે પરિણીત પ્રેમી પ્રેમિકાના જ ઘરે મળવા પહોંચી ગયો હતો. બંને વાતોમાં મશગૂલ હતાં ત્યાં જ પરિણીતાનો પતિ આવી પહોંચ્યો હતો. બંનેને પ્રેમાલાપ કરતાં જોઈ પતિએ પીત્તો ગુમાવી દીધો હતો. અને ગુસ્સે થઈ પત્નીના પ્રેમીને કહ્યું કે, તારે અહીં આવવું નહીં. તું મારી પત્ની જોડે આડા સંબંધ રાખે છે?

એ બાદ વાત વણસતાં પતિએ પત્નીના પ્રેમીને માથામાં કુહાડી વડે બે ઘા ઝીંકી દેતાં તે જમીન પર ઢળી પડ્યો હતો. આથી આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા. બાદ લોહીથી લથપથ હાલતમાં પ્રેમીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રેમી ઉપર જીવલેણ હુમલો થતાં ઝઘડિયા પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ બનાવમાં પોલીસે પ્રેમિકાના પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top