Gujarat

અમરેલીના ઈશ્વરિયા ગામે ‘મદદ’ પ્રથમિક શાળાનું લોકાર્પણ

ગાંધીનગર: અમરેલી નજીકના ઈશ્વરીયા ગામે મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સુપ્રસિધ્ધ કથાકાર મોરારીબાપુના હસ્તે ‘મદદ’ શ્રી ઈશ્વરીયા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલા, મથુરાના સાંસદ હેમા માલિની, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિતના રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જિલ્લાના કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટેની ઝુંબેશનો મંગળવારથી કેન્દ્રીય મંત્રી રૂપાલાએ પૃષ્ટીમાર્ગના પ્રણેતા શ્રીવલ્લભાચાર્યના પ્રાગટ્યોત્સવ નિમિત્તે આરંભ કરાવ્યો હતો. પ્રાથમિક શાળાના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવોએ શાળા પરિસરની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શિક્ષણ માટે જ્ઞાન રૂપી દેવી અને નદી રૂપી દેવી સરસ્વતીના સંસર્ગથી વ્યક્તિને સર્વ દોષોમાંથી મુક્તિ અપાવે છે. ઇશ્વરીયા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરતાં પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુએ ઇશ્વરીયા ગામ સહિત સમગ્ર ગુજરાતમાં આદર્શ ગામ તરીકે પ્રસ્થાપિત કરવા માટે દરેક ગામમાં પાઠશાળા, ગૌ શાળા, વ્યાયામ શાળા, ધર્મ શાળા, ભોજન શાળા, આરોગ્ય શાળા અને પ્રયોગ શાળા હોવા પર ભાર મુક્યો હતો. સાથે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી જ નહીં પરંતુ ‘ભદ્રપુરુષ’ મુખ્યમંત્રી મળ્યા છે જે જમીન સાથે જોડાયેલા છે.

કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કુપોષણ એ ભોજનના અભાવના કારણે નહીં પરંતુ જાગૃતિના અભાવે થાય છે. કુપોષણને ખતમ કરીને બાળકોને સુપોષિત કરવા માટે યોગ્ય કાળજી અને જાગૃતિની જરૂર છે. મથુરાના સાંસદ હેમામાલીનીએ દિકરા-દિકરીના ભેદભાવ દૂર કરીને બાળકોને પોષણ યુક્ત આહાર, સંસ્કાર અને ધર્મ અંગેનું શિક્ષણ આપવાની હિમાયત કરી હતી.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, દેશ-વિદેશમાં ગુજરાતના વિદ્યાર્થીઓ સ્પર્ધા કરી શકે તેવું શ્રેષ્ઠ અને ઉત્તમ શિક્ષણ ગુજરાતમાં અપાઇ રહ્યું છે ત્યારે ઇશ્વરીયા ગામની આ પ્રાથમિક શાળા પોતાની અલગ જ છાપ ઉભી કરશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે અમરેલી તાલુકામાં યોજાયેલી તંદુરસ્ત બાળક સ્પર્ધામાં વિજેતા કુલ ૧૮ બાળકોને કથાકાર મોરારીબાપુ અને સાંસદ હેમા માલિનીના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top