Comments

સત્તાકીય રાજકારણને પ્રજાકીય થવા દો તો શ્રીલંકામાં જે બન્યું તે બને

જે માણસ દેશ માટે જાન કુરબાન કરવા અમેરિકન નાગરિકત્વ છોડીને ખાસ શ્રી લંકામાં આવ્યો હતો એ આજે જાન બચાવવા માટે અમેરિકા નાસી જવા માગે છે અને એવા અહેવાલ છે કે અમેરિકાએ તેને શરણ આપવાની ના પાડી દીધી છે. શ્રી લંકાના પ્રમુખ ગોટાયાબા રાજપક્સે નવમી તારીખે પ્રમુખપદેથી શરતી રાજીનામું આપ્યું હતું. શરત એવી હતી કે તેમનું રાજીનામું ૧૩મી જુલાઈથી અમલમાં આવે એ પહેલાં તેમને અને તેમના પરિવારને દેશ છોડીને જતા રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે. દાવેદાર દેશપ્રેમીઓની જ્યારે સમય કસોટી કરે છે ત્યારે તે કેવા નમાલા પુરવાર થાય છે એનાં એક નહીં, સેંકડો ઉદાહરણ ઈતિહાસમાંથી મળી રહે છે. 

સમયનો ખેલ અજીબ છે. સમય જ્યારે કરવટ બદલે ત્યારે શું નથી થતું! ૧૩મી જુલાઈ ૧૯૮૩ની એ વરસાદી સાંજ મને યાદ છે. ગુજરાતી પત્રકારત્વમાં પ્રવેશવા માટે હું જન્મભૂમિના તંત્રી હરીન્દ્ર દવે પાસે ગયો હતો. તેમણે ચીફ સબ એડિટર મનુભાઈ ભટ્ટને કહ્યું હતું કે આ ભાઈની અનુવાદક્ષમતા તપાસી જુઓ. મને પહેલો તાર અનુવાદ માટે આપ્યો હતો એ શ્રી લંકા વિશેનો હતો. એ દિવસે શ્રી લંકામાં અલગ થવા માટેનાં તમિલોનાં હિંસક આંદોલનના શ્રીગણેશ થયાં હતાં. શ્રી લંકા વિશેના મારા અનુવાદિત સમાચાર બીજા દિવસે એમને એમ કોઈ પણ પ્રકારના સુધારા વિના છપાયા પણ હતા,

એ પછી થોડા મહીને મને ગુજરાતી પત્રકારત્વમાં પ્રવેશ મળ્યો હતો અને પાછળ વળીને જોઉં છું ત્યારે નજરે પડે છે કે ત્યારથી લઈને અત્યાર સુધી શ્રી લંકા મારી પત્રકારત્વની યાત્રામાં સાથેને સાથે જ રહ્યું છે. ચાર દાયકા થવા આવ્યા પણ આ ટચુકડો દેશ વૈશ્વિક મીડિયામાં ઝળકતો જ રહે છે. શ્રી લંકાએ ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનો સુદ્ધા જાન લીધો છે. શા માટે? શા માટે શ્રી લંકા મારી પત્રકારત્વની યાત્રામાં સાથેને સાથે જ રહ્યું છે? શું ત્યાંની પ્રજાની એકબીજા સામે લડવાની ખુમારી કે ઝીદને કારણે કે પછી સત્તા ખાતર પ્રજાને સતત લડાવતી રાખવાની શાસકોની પ્રવૃત્તિને કારણે? કોઈ પણ પ્રશ્નનો નિવેડો જ નહીં લાવવાનો બલકે સત્તા જાળવી રાખવા તેને ગુંચવવાને કારણે?

આ જે છેલ્લું કારણ કહ્યું છે એ વધારે સાચું છે. કોઈ પ્રશ્નનો નિવેડો જ નહીં લાવવાનો અને જ્યારે તમે કોઈ પ્રશ્નનો નિવેડો ન લાવો તો એ વધારેને વધારે ગુંચવાય. એ પછી તો નિવેડો લાવવો પણ અઘરો પડે. શાસકોની ભરોસાની દુનિયા ક્રમશઃ સંકોચાતી જાય. પહેલાં તમિલો સામે સિંહાલીઓ ઉપર મદાર હતો. એ પછી કેટલાક સિંહાલીઓએ સિંહાલી રાષ્ટ્રવાદથી ધરાઈને સુખાકારી તરફ નજર દોડાવી ત્યારે કોઈ પણ ભોગે તમિલોનું નખોદ કાઢવું જોઈએ એવું માનનારા તામસિક મનોવૃત્તિ ધરાવતા સિંહાલીઓ ઉપર ભરોસો સીમિત થયો. આ સિવાય નાસી જનારા ભરોસામંદ સિંહાલીઓ નાસી ન જાય એ માટે મુસલમાનો સામે નવો મોરચો ખોલવામાં આવ્યો. એ પછી ખ્રિસ્તીઓ અને એ પછી નાનીમોટી વાંશિક અથડામણો. બધા સિંહાલીઓને એકલા તમિલો માટે જ દ્વેષ હતો એવું થોડું જ છે!

દૂરનું નહીં જોઈ શકનારા કે નહીં જોનારા સત્તાંધ રાજકારણીઓને એક વાત સમજાતી નથી કે સત્તા માટેનું રાજકારણ જ્યારે પ્રજાકીય થવા માંડે ત્યારે અથડામણો નિમ્ન સ્તરે (જમીની સ્તરે) અને નિમ્ન કક્ષાની થવા લાગે છે. છેક ગ્રામીણ સ્તરે લોકો જે તે અસ્મિતાઓનાં રાજકારણનો ઉપયોગ કરીને ‘બીજા’નો છેદ ઉડાડે છે. માત્ર ‘બીજા’ને જ નહીં, ‘પોતાના’ને પણ મોકો જોઇને રસ્તામાંથી દૂર કરવામાં આવે છે, એમ કહીને કે જે ‘પોતાનો’છે એ હકીકતમાં પોતાનો નથી, પણ ગદ્દાર છે જે ‘બીજા’ને મદદ કરે છે. આવા ગદ્દારોને જીવવાનો અધિકાર નથી. આમાં નર્યો સ્વાર્થ હોય છે, વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાની તક હોય છે અને હિન્દી વાક્યપ્રયોગનો ઉપયોગ કરીએ તો ઉલ્લુ સીધા કરને કી પ્રવૃત્તિ હોય છે.

અસ્મિતા માટેની નિસ્બત તો એક બહાનું હોય છે. ભારતના વિભાજન વખતે આ વાતનો અનુભવ આપણને થયો હતો. માટે સમજદાર રાજપુરુષો પ્રશ્નોનો નિવેડો લાવે છે. એનો રાજકીય ઉપયોગ કરતા નથી ત્યાં તેને ગૂંચવવાની વાત તો દૂર રહી. આવા રાજપુરુષો ઇતિહાસમાં આદરભર્યું સ્થાન ધરાવે છે. જે અસ્મિતાઓનું સત્તાકીય રાજકારણ કરે છે એવા રાજકારણીઓ બે પ્રકારના હોય છે. એક એવા જેને આગ સાથે કેટલું રમવું અને ક્યાં અટકવું એનું ભાન હોય છે. તેઓ સત્તાકીય રાજકારણને પ્રજાકીય થવા દેતા નથી. તેમને ખબર છે કે આ જોખમી છે.

આ વાઘસવારી છે જ્યાંથી ઉતરવું મુશ્કેલ બની જાય છે. જ્યારે પ્રજા હિસાબ કરવા લાગે ત્યારે અરાજકતા પેદા થાય છે જે દેશને ચાર-પાંચ દાયકા પાછળ ધકેલી દે છે. અસ્મિતાઓનું સત્તાકીય રાજકારણ કરનારા બીજા પ્રકારના રાજકારણીઓને ક્યાં અટકવું એનું ભાન હોતું નથી. તેઓ કોકડું વધુને વધુ ગૂંચવાવે છે અને પછી ઉકેલી શકતા નથી. આને કારણે ઉપર કહ્યું એમ તેમના ઉપર ભરોસો રાખનારા સમર્થકોનો વર્ગ સંકોચાતો જાય છે. એક પ્રકારનું વિષચક્ર શરુ થાય છે.

સમર્થન ટકાવી રાખવા માટે વધુને વધુ હાડકાં નાખતા રહેવું પડે છે અને એ વધારે અરાજકતા નોતરે છે. પહેલા તમિલો સામે. એ પછી મુસલમાનો સામે. એ પછી ખ્રિસ્તીઓ સામે અને એ પછી વાંશિક પ્રજાઓ સામે. અને એક દિવસ એનો પણ અંત આવે છે. સમર્થકોનો છેલ્લો વર્ગ પણ અરાજકતા અને અવ્યવસ્થાથી ગળે આવી જાય છે ત્યારે શ્રી લંકા રચાય છે. આ મારું શ્રી લંકા વિશેનું ચાર દાયકાનું દર્શન છે. યોગાનુયોગ આજે લખ્યા તારીખ ૧૩મી જુલાઈ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top