SURAT

‘હું રૂપિયા મશીનમાં નાંખી દઉ પછી ATMમાં આવજો’, તેમ કહેતા જ 3 લૂંટારાએ ચપ્પુ બતાવી યુવકને લૂંટી લીધો

સુરત(Surat) : સુરતના સચીન જીઆઈડીસી (Sachin GIDC) વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક યુવાન એટીએમમાં (ATM) રૂપિયા જમા કરવા ગયો હતો ત્યારે પાછળથી ત્રણ અજાણ્યા ઈસમોએ આવી તેને ચપ્પુ બતાવી લૂંટી (Robbery) લીધો હતો. લૂંટની આ સમગ્ર ઘટના બેન્કના એટીએમના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. યુવકની ફરિયાદ (Complaint) બાદ સચીન જીઆઈડીસી પોલીસે (Police) સીસીટીવી ફૂટેજની મદદથી લૂંટારાને (Robbers) પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

  • મૂળ બિહારનો અને સુરતમાં પાલીગામ ખાતે રહેતો ચંદનકુમાર ચૌરસીયા લૂંટાયો
  • સચીન જીઆઈડીસીના લક્ષ્મીવિલા કોમ્પલેક્સમાં આવેલા વરાછા કો.ઓ. બેન્કના એટીએમમાં થઈ લૂંટ
  • ચંદનકુમાર ચૌરસીયા કલેકશનના રૂપિયા એટીએમમાં જમા કરતો હતો ત્યારે પાછળથી લૂંટારાઓએ ઘેર્યો
  • મોટું ચાકુ બતાવી ચંદનકુમાર પાસેના 1.92 લાખનો મુદ્દામાલ લૂંટી ગયા
  • ત્રણેય અજાણ્યા લૂંટારા સ્પ્લેન્ડર મોટર સાયકલ પર ભાગી છૂટ્યા

સચિન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલીગામમાં કૈલાશનગર સોસાયટીમાં રહેતો 27 વર્ષીય ચંદનકુમાર શ્યામદેવપ્રસાદ ચૌરસીયા પેનિયર બાય ટેક્નોલોજી કંપનીના ડીસ્ટ્રીબ્યુટર હિમાલય અશ્વિન મોદી પાસેથી સચિન અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી તેમની કંપનીના મની ટ્રાન્સફર રિટેલરો પાસેથી રૂપિયા ક્લેક્શન કરવાનું કામ કરે છે. ગઈકાલે રાત્રે કલેક્શનનું કામ કરી રોકડા 2.37 લાખ લઈને સચિન જીઆઇડીસી લક્ષ્મીવિલા કોમ્પ્લેક્ષમાં આવેલી ધી વરાછા કો.ઓ.બેંકના એ.ટી.એમ મશીનમાં ભરવા ગયો હતો. ચંદનકુમારે એટીએમમાં શેઠના એકાઉન્ટમાં 49,500 રૂપિયા ભરી દીધા હતા. બાકીના 1.87 લાખ રૂપિયા ગણીને મશીનમાં નાખતો હતો ત્યારે બુકાનીધારી ત્રણ અજાણ્યા ધસી આવ્યા હતા.

ચંદનકુમારે ‘હું રૂપિયા મશીનમાં નાંખી દઉ પછી એટીએમ કેબીનમાં આવજો’ તેમ કહેતા ત્રણ પૈકી એક જણાએ ચપ્પુ બતાવી મશીનથી દુર ધક્કો માર્યો હતો. અને પૈસા ભરેલી બેગ આંચકી લીધી હતી. તથા તેની પાસેથી હાથમાં રહેલા રૂપિયા, મોબાઈલ ફોન અને શેઠે આપેલી બાઈકની ચાવી આંચકી લીધા હતા. રોકડા 1.87 લાખ, મોબાઈલ મળી 1.92 લાખની લૂંટ થયાની ફરિયાદ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

ચંદનકુમારે પોલીસને જણાવ્યું કે ત્રણેય લૂંટારા સ્પ્લેન્ડર મોટરસાયકલ પર ભાગી છૂટયા હતા. ચંદનકુમાર પાસે કલેક્શનના રૂપિયા હતા જે તેના નિયમિત ક્રમ અનુસાર બેન્કના એટીએમમાં જમા કરાવવા ગયો હતો. વરાછા કો.ઓ. બેન્કની મદદથી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા, જેમાં લૂંટારાની તમામ હરકતો કેદ થઈ ગઈ હતી. ત્રણ લૂંટારા પૈકી એક લાલ શર્ટ જ્યારે ચપ્પુ બતાવનારે ચેક્સ શર્ટ પહેર્યો હતો. તે જતા જતા પણ ચંદનકુમારને ધમકાવતો ગયો હતો. આ સમગ્ર બનાવની ફરિયાદ લઈ પીઆઈ ડી.વી. બલદાણીયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસે સીસીટીવીના આધારે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top