Entertainment

કરુણા પાંડે છે પુષ્પા ઇમ્પોસિબલ!!

પુષ્પા ધ રાઇઝ’ ફિલ્મની સફળતા પછી તેનું શીર્ષક પણ ખાસ બની ગયું અને હવે ‘પુષ્પા ઇમ્પોસીબલ’ નામની TV શ્રેણી શરૂ થઇ છે. આ સિરીયલ પાટણથી મુંબઇ આવેલી એ સ્ત્રીનીની વાત કરે છે, જે પોતાને ટકાવવા માટે ટિફીન સર્વિસ શરૂ કરે છે ને જે અશકય જણાય એવી સફળતા મેળવે છે. SAB TV પર શરૂ થયેલા આ શો કરુણા પાંડે એ ‘પાટણ શહેરની નાર’ની ભૂમિકામાં છે. કરુણા પોતે પણ સેલ્ફમેડ અને સમર્પિત એકટ્રેસ છે. આજકાલ આર્મી કુટુંબમાંથી ઘણા કળાકારો આવી રહ્યા છે અને અરુણાના પિતા પણ આર્મીમાં હતા. હવે તે એકટ્રેસ તરીકે TV મોર્ચે છે ને ગુજરાતણ બની છે.

‘પુષ્પા ઇમ્પોસીબલ’ જેડી મજિઠીયાએ બનાવી છે. J.D. હંમેશા ભારતના મધ્યમવર્ગની વાત જુદા જુદા પરિપ્રેક્ષ્યથી કરે છે. ‘વાગલે કી દુનિયા’ પણ એ જ પ્રકારે પ્રેક્ષકને ગમે છે. સંબંધોના ઊંડાણમાં અને નાટકીયતામાં જતી વેળા તેમાં હાસ્યનો પુટ પણ ભળે તેની કાળજી રાખે છે. દક્ષિણ ગુજરાતના રિસોર્ટમાં જ જેનું શૂટિંગ થયું છે, એવી ‘પુષ્પા ઇમ્પોસીબલ’ માં પણ આ બધા તત્વો છે. કારણ કે આતિશ કાપડિયાના લેખનનો આ કસબ છે. આ સિરીયલના કેન્દ્રમાં મા છે અને આતિશ J.D. ઇચ્છતા હતા કે ફિલ્મો – ટીવી સિરીયલોમાં જે ટિપીકલ મા હોય છે એવી મા આપણે નથી દેખાડવી. માની પોતાની પણ જિંદગી છે, તે માત્ર સંતાનોને સમર્પિત જ શું કામ રહે?

પતિનું ઘર સંભાળનાર પત્ની તરીકે જ તેણે શું કામ રહેવું પડે? મા એક સ્ત્રી છે તો તે દેખાવી જોઇએ એવા વિચારમાંથી ‘પુષ્પા ઇમ્પોસીબલ’ સિરીયલ બની છે. 17માં વર્ષે પરણાવી દેવાયેલી પુષ્પા બહુ વહેલી 3 સંતાનોની મા બની ગઇ છે. એવી સ્ત્રીનું પોતાનું જીવન ન હોય શકે? તે આર્થિક રીતે સ્વાવલંબી ન બની શકે? પોતાની પાસે ઓછી આવડત હોય તો પણ ઘણુ શકય છે. બસ તેણે ઇમ્પોસીબલને એચિવ કરવા તૈયાર થવું પડે. કરુણા પાંડે તેને મળેલી આ ભૂમિકાથી ખુશ છે. તે કહે છે મારે સારું કામ કરવું છે ને જિંદગી માણવી છે અને J.D. મજિઠીયા પણ એવું જ માને છે. એટલે મને પુષ્પા બનવું પોસીબલ લાગ્યું છે. તે કહે છે કે મારા પાત્ર સાથે સામાન્ય સ્ત્રીઓ પણ પોતીકાપણું અનુભવશે.

‘બોલીવુડ ડાયરીઝ’માં લતાનું પાત્ર ભજવી ખૂબ જણીતી બનેલી કરુણા દહેરાદૂનની છે. 2003માં તે ‘ધ બાયપાસ’ ફિલ્મમાં અને 2005માં ‘વો રહેનેવાલી મહેલોં કી’ થી TV ક્ષેત્રે પ્રવેશી છે. ‘યહાં મેં ઘરઘર ખેલી’ની શૈલી વિમલ પ્રસાદ, ‘ખૌફ બિગીન્સ…. રિંગા રિંગા રોમીસ’ની કામિની, ‘મેરે રંગમેં રંગને વાલી’, ‘ભાગે રે મન’ અને ‘દેવાંશી’ જેવી TV સિરીયલો પછી તે ‘પુષ્પા ઇમ્પોસીબલ’માં આવી છે. ગુજરાતીમાં પાત્ર હોવાનું પૂછાતા કહે છે, કે પાત્ર ભલે ગુજરાતી છે અમારે તો હિન્દીમાં જ ભજવવાનું છે પણ હા, આ સિરીયલના કારણે ગુજરાતી જીવનશૈલીની નજીક હું જરૂર આવી છું. આ સિરીયલ ‘અનુપમા’ની યાદ અપાવશે? બંને સિરીયલમાં સંઘર્ષ કરતી સ્ત્રી છે, જે પડકારો ઝીલે છે. પરંતુ બંને સિરીયલનું ડેવલપમેન્ટ જુદી રીતે થયું છે. બંનેમાં મા મુખ્ય છે, પણ બન્ને મા જુદી છે. કરુણા પાંડે આ સમજીને જ આ સિરીયલમાં કામ કરે છે.

Most Popular

To Top