Business

ઋષિ સુનક હવે ઇન્ફોસિસને યુકેમાં ‘વીઆઇપી ટ્રીટમેન્ટ’ના વિવાદમાં ફસાયા

ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા છે તે બાબતે ભારતીયો ગૌરવ લઇ રહ્યા છે અને ગૌરવ લઇ શકાય તેવી બાબત પણ આ છે જ, કારણ કે ઋષિ સુનક ભારતીય મૂળના છે અને વળી અગ્રણી ભારતીય આઇટી કંપની ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના જમાઇ છે. જો કે સુનક તેમની ખર્ચાળ જીવન શૈલી, તેમની પત્નીના ધંધાકીય હીતો વગેરે કારણોસર વિવાદમાં પણ ફસાતા રહ્યા છે. હવે હાલમાં તેઓ એક નવા વિવાદમાં સપડાયા છે અને તે વિવાદ તેમના સસરાની કંપનીને લગતો છે.

 યુકેની વિપક્ષી લેબર પાર્ટીએ દાવો કર્યો છે કે ભારતીય ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ઇન્ફોસીસને “વીઆઇપી એક્સેસ” આપવામાં આવી હતી અને વડાપ્રધાન ઋષિ સુનકના આ કંપનીના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ સાથેના પારિવારિક જોડાણને કારણે કંપનીને બ્રિટનમાં વિસ્તરણ માટે સહાયનું વચન આપવામાં આવ્યું હતું.  માહિતીની સ્વતંત્રતા (FOI) વિનંતી પર આધારિત ‘સન્ડે મિરર’ અહેવાલમાં જાણવા મળ્યું છે કે વ્યાપાર પ્રધાન લોર્ડ ડોમિનિક જ્હોન્સને એપ્રિલ 2023 માં કંપનીની બેંગલુરુ ઓફિસની મુલાકાત દરમિયાન ઇન્ફોસિસનની યુકે ખાતેની કામગીરીઓ પર ચર્ચા કરી હતી. મીટિંગ દરમિયાન, લોર્ડ જ્હોન્સને યુકેમાં ઇન્ફોસિસના વિસ્તરણની ઇચ્છા વ્યક્ત કરી હતી એમ પણ અહેવાલ જણાવે છે.

આપણે ત્યાં જેમ આરટીઆઇ છે તેમ બ્રિટનમાં એફઓઆઇ છે. લોર્ડ જ્હોન્સને “સ્પષ્ટ કર્યું હતું કે તેઓ યુકેમાં ઇન્ફોસિસની મોટી હાજરી જોવા માટે ઉત્સુક છે અને તેને સુવિધા આપવા માટે તેઓ જે કરી શકે તે કરવા માટે ખુશ છે”, મીટિંગના રીડઆઉટમાં જણાવાયું હતું એમ અહેવાલ જણાવે છે. દેખીતી રીતે આ અહેવાલથી વિવાદ ઉભો થઇ ગયો છે. લેબર પાર્ટીના સભ્ય જોનાથન એશવર્થે ઈન્ફોસિસને મળેલી “ખાસ સરભરા” અંગે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે સરકાર પાસે જવાબ આપવા માટે ગંભીર પ્રશ્નો છે. પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) પર ખર્ચવામાં આવેલા સરકારી ભંડોળ અંગેના વિવાદ વચ્ચે નવા આરોપો સામે આવ્યા છે.

“કન્ઝર્વેટિવ સરકારે ડફ PPE (વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો) માટે કરદાતાઓની અબજોની રકમ મળતિયાઓને આપ્યા પછી, લોકો આશ્ચર્ય પામશે કે શા માટે ઋષિ સુનકની આટલી વ્યક્તિગત રીતે નજીકના સંગઠનને આ VIP ઍક્સેસ આપવામાં આવી રહી છે. જવાબ આપવા માટે ગંભીર પ્રશ્નો છે, “ એમ લેબર પાર્ટીના જોનાથન એશવર્થે અખબારને જણાવ્યું હતું. અહીં નોંધપાત્ર છે કે સુનકની પત્ની અક્ષતા મૂર્તિ, ઇન્ફોસિસમાં આશરે GBP 500 મિલિયનની કિંમતનો 0.91 ટકા હિસ્સો ધરાવે છે અને તેણે પાછલા નાણાકીય વર્ષમાં નોંધપાત્ર ડિવિડન્ડ મેળવ્યું છે. મીટિંગ દરમિયાન, લોર્ડ જ્હોન્સને ઈન્ફોસીસ એક્ઝિક્યુટિવ્સને યુકેની વ્યક્તિગત વિઝા સ્કીમ પર પ્રકાશ પાડ્યો હતો, જેનાથી વિદેશી કંપનીને લાભ થઇ શકે છે.

 યુકેમાં વિપક્ષના દાવાઓમા ઉમેરો એ પણ થયો છે કે ઇન્ફોસિસે સૂચિત ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) હેઠળ વિઝા લાભો માંગ્યા હતા, જે કરાર એક વર્ષથી વધુ સમયથી અટકી રહ્યો છે. અક્ષતા મૂર્તિના વ્યાપારી હિતો પર લેબર પાર્ટી દ્વારા આ તાજેતરનો હુમલો છે. વિપક્ષે અગાઉ 2013માં રોકાણ સાહસ કેટામરન વેન્ચર્સને ફડચામાં લેવાના તેમના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ભારતીય ઉદ્યોગપતિ અને ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રીએ 2013માં આ રોકાણ સાહસનો આરંભ કર્યો હતો.

જો કે પછી આ કંપનીને ફડચામાં લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુનક અને તેની પત્ની અક્ષતાએ અગાઉ મૂર્તિના કાનૂની નોન-ડોમિસાઇલ ટેક્સ સ્ટેટસ અંગે તપાસનો સામનો કરવો પડ્યો હતો, આ સટેટસને કારણે તેણીને તેની ભારતીય આવક પર યુકેમાં ટેક્સ ચૂકવવામાંથી મુક્તિ મળી હતી. જો કે, આ મુદ્દા પર વિપક્ષના હોબાળા પછી, તેણીએ તેણીનો બિન-સ્થાયી કર દરજ્જો છોડી દીધો અને કહ્યું કે તેણી યુકેમાં તેના તમામ કર ચૂકવશે જેથી આ મુદ્દો તેના પતિની રાજકીય કારકિર્દીમાં વિક્ષેપ ન બને. હવે ઇન્ફોસિસને યુકેમાં ખાસ સરભરાનો વિવાદ ઉભો થયો છે. આ વિવાદ કેટલી હદે ઉગ્ર બને છે તે જોવાનું રહે છે.

Most Popular

To Top