Columns

રિઝર્વ બેન્કની રિટેલ ડાયરેક્ટ સ્કિમથી બેન્કોનો ધંધો ઝૂંટવાઈ જશે?

૧૨ નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ એક નાનકડી યોજના તરતી મૂકી છે, જેને કારણે ભારતના બેન્કિંગ સેક્ટરમાં મોટું તોફાન આવી શકે છે. આ યોજના રિટેલ ડાયરેક્ટ સ્કિમ તરીકે ઓળખાઈ રહી છે. તેના કારણે મારા-તમારા જેવા રોકાણકારો ગવર્નમેન્ટ સિક્યુરિટીમાં સીધું રોકાણ કરી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા બોન્ડ રોકાણનું સૌથી સલામત માધ્યમ ગણાય છે, કારણ કે ખુદ સરકાર તેની સલામતીની ગેરન્ટી આપે છે. અત્યાર સુધી ગવર્નમેન્ટ સિક્યુરિટીમાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કો, સહકારી બેન્કો, મ્યુચ્યુઅલ ફંડ, લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન વગેરે નાણાં સંસ્થાઓ જ રોકાણ કરી શકતી હતી. સામાન્ય રોકાણકારો દ્વારા બેન્કની ફિક્સ્ડ ડિપોઝીટમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા રોકવામાં આવે તેને તેઓ સરકારી બોન્ડમાં રોકે છે. સરકાર તરફથી તેમને જે વ્યાજ આપવામાં આવે તેનાથી થોડું ઓછું વ્યાજ રોકાણકારને મળે છે.  વળી રોકાણકારના નાણાંની સલામતી પણ હોતી નથી.

હવે સરકારે જાહેર કર્યા મુજબ કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટ રિઝર્વ બેન્કમાં રિટેલ ડાયરેક્ટ ગિલ્ટ (આરડીજી) અકાઉન્ટ ખોલાવી શકશે. તેના થકી તે સરકારી બોન્ડમાં રોકાણ કરી શકશે. આ બોન્ડ ઉપર તેને બેન્કની એફડી કરતાં થોડુંક વધુ વ્યાજ મળશે, કારણ કે તેણે બેન્કને જે કમિશન ચૂકવવું પડે છે તેની બાદબાકી થઈ જશે. આ વ્યાજ પણ બજારના ચઢાવઉતારને આધારિત નહીં હોય, પણ ફિક્સ હશે, જેને કારણે રોકાણકારને ગેરેન્ટેડ આવક મળશે. વળી તે જ્યારે પણ સરકારી બોન્ડ વેચવા માગે ત્યારે વેચી શકશે. જો બેન્ક ઊઠી જાય તો એફડી ડૂબી જવાનો ભય રહે છે, પણ સરકારી બોન્ડમાં કરેલું રોકાણ સલામત રહેશે. જો ભારત સરકાર ઊઠી જાય તો તેનું રોકાણ ડૂબી જાય. જો ભારતના નાના રોકાણકારો આ યોજનાનો બરાબર લાભ લે તો રિઝર્વ બેન્ક કોમર્શિયલ બેન્કો સાથે હરીફાઈમાં ઊતરશે અને તે બેન્કોનો ધંધો ઝૂંટવી લેવાનું કામ પણ કરશે. 

રિઝર્વ બેન્કની રિટેલ ડાયરેક્ટ સ્કિમ સમજતાં પહેલાં આપણે સરકારી બોન્ડ શું છે? તેનો કેવી રીતે વેપાર ચાલે છે? તે સમજી લેવાની જરૂર છે. આપણને બધાને ખબર છે કે ભારત સરકારનું બજેટ ખાધ ઉપર ચાલે છે. બજેટમાં જેટલા ખર્ચા દેખાડવામાં આવે છે તેટલી આવક હોતી નથી. આવક અને જાવક વચ્ચે જેટલો ગાળો રહે તેટલી રકમ સરકાર રિઝર્વ બેન્ક પાસેથી ઉધાર લે છે. તેના બદલામાં સરકાર તેટલી રકમના બોન્ડ લખી આપે છે કે આ રકમ અમે તમને ચૂકવી આપીશું. આ બોન્ડ સામે રિઝર્વ બેન્ક બે રીતે સરકારને નાણાં ધીરે છે. પહેલી રીત છે, કરન્સી નોટો છાપવાની. સરકાર જેટલી રકમના બોન્ડ લખીને આપે તેટલી રકમની કરન્સી નોટ રિઝર્વ બેન્ક તેને છાપીને આપે છે અથવા તેટલા રૂપિયા સરકારના ખાતામાં જમા કરે છે. બીજી રીત છે, બેન્કો પાસેથી રૂપિયા ઉધાર લેવાની. રિઝર્વ બેન્ક સરકારના બોન્ડ કોમર્શિયલ બેન્કોને કે નાણાં સંસ્થાઓને વેચે છે અને તેની સામે તેટલા રૂપિયા ઉધાર લે છે. સરકાર રિઝર્વ બેન્કને તેનું વ્યાજ ચૂકવે છે. રિઝર્વ બેન્ક કોમર્શિયલ બેન્કોને વ્યાજ ચૂકવે છે અને તેઓ રોકાણકારોને વ્યાજની ચૂકવણી કરે છે.

અત્યારે પરિસ્થિતિ એવી છે કે દેશનો આમ નાગરિક રિઝર્વ બેન્ક પાસેથી સીધા સરકારી બોન્ડ ખરીદી શકતો નથી કે તેમાં રોકાણ પણ કરી શકતો નથી. તે બેન્કની એફ.ડી.માં રોકાણ કરે છે, બેન્ક તેનું રોકાણ રિઝર્વ બેન્કમાં કરે છે અને રિઝર્વ બેન્ક સરકારના બોન્ડ ખરીદે છે. હવે આમ નાગરિક રિઝર્વ બેન્ક પાસેથી સીધા બોન્ડ ખરીદી શકશે. તેનો વ્યાજનો દર બેન્કના વ્યાજના દર કરતાં સ્વાભાવિક રીતે વધુ હશે. આજની તારીખમાં ભારત સરકારના બોન્ડ પર ૬.૩૫ ટકા વ્યાજ મળી રહ્યું છે, જ્યારે બેન્કની એફ.ડી. પર ૬ ટકાથી વધુ વ્યાજ મળતું નથી. આ યોજનાને કારણે રિઝર્વ બેન્કની તાકાત વધી જશે. લોકો કોમર્શિયલ બેન્કોને બદલે રિઝર્વ બેન્કમાં ખાતાં ખોલાવશે. સરકાર બેન્કોનું વિલીનીકરણ કરી રહી છે. આ રીતે તો દેશમાં એકમાત્ર રિઝર્વ બેન્ક જ બાકી રહેશે.

સરકાર દ્વારા રિઝર્વ બેન્ક પાસેથી ખર્ચા માટે રૂપિયા ઉધાર લેવામાં આવે ત્યારે રિઝર્વ બેન્ક તેને કરન્સી છાપીને આપે છે. આ કરન્સીના બદલામાં સરકાર તેને બોન્ડ લખી આપે છે કે તમને જ્યારે જોઈએ ત્યારે આ રૂપિયા પાછા આપવાને સરકાર બંધાયેલી છે. આ બોન્ડના આધારે રિઝર્વ બેન્ક કરન્સી નોટો પર આપણને વચન આપે છે કે આટલા રૂપિયા તમે માગો ત્યારે મળશે. સરકાર પાસે તેટલા રૂપિયા હોતા નથી તો પણ તે રિઝર્વ બેન્કને બોન્ડના રૂપમાં વચન આપે છે. રિઝર્વ બેન્ક આ વચન બજારમાં વેચી રૂપિયા પેદા કરે છે. આપણી સરકાર ઉધારી પર જ ચાલે છે.

આપણી સરકાર વર્ષપ્રતિવર્ષ બોન્ડ લખીને બજારમાંથી જે અબજો રૂપિયા ઉધાર લીધા કરે છે તે કેવી રીતે ચૂકવશે? તેની કોઈને ખબર નથી. સરકારની આવક કાંઈ અચાનક વધી જવાની નથી કે તે અત્યાર સુધી પ્રજા પાસેથી ઉધાર લીધેલા રૂપિયા ચૂકવી શકે. તેમ છતાં સરકારની શાખ એવી છે કે તે દર વર્ષે પ્રજા પાસેથી રૂપિયા ઉધાર લીધા કરે છે અને લોકો પણ તેને આપ્યા કરે છે. ઇ.સ. ૨૦૧૯-૨૦ ના નાણાંકીય વર્ષમાં સરકારે બોન્ડ બહાર પાડીને લોકો પાસેથી ૭.૮ લાખ કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. ચાલુ નાણાંકીય વર્ષમાં તો કોરોનાની રસી વગેરે કારણે સરકારની ખાધ બહુ વધી ગઈ હોવાથી સરકાર બજારમાંથી આશરે ૧૨ લાખ કરોડ રૂપિયા બોન્ડ બહાર પાડીને ઉધાર લેશે.

સરકાર જે રીતે બોન્ડ બહાર પાડીને રિઝર્વ બેન્ક કે દેશનાં નાગરિકો પાસેથી રૂપિયા ઉધાર લે છે તેવી રીતે તે વર્લ્ડ બેન્ક, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, એશિયન ડેવલપમેન્ટ બેન્ક વગેરે નાણાં સંસ્થાઓ પાસેથી પણ લોન લઈને વિવિધ કાર્યો કરે છે. કોવિડ-૧૯ ની મહામારી જાહેર થઈ તે પછી ભારત સરકારે વર્લ્ડ બેન્ક પાસેથી બે અબજ ડોલરની અને એશિયન ડેવલપમેન્ટ બેન્ક પાસેથી દોઢ અબજ ડોલરની મળીને કુલ સાડા ત્રણ અબજ ડોલરની લોન લીધી છે. ભારતનું વિદેશી દેવું વધીને ૫૭૦ અબજ ડોલર પર પહોંચી ગયું છે; જ્યારે આંતરિક દેવું વધીને ૯૫. ૮૩ લાખ કરોડ રૂપિયા (આશરે ૧,૨૬૬ અબજ ડોલર) પર પહોંચી ગયું છે. ભારતનું કુલ દેવું વધીને ૧,૮૩૬ અબજ ડોલર પર પહોંચી ગયું છે, જે ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશ (જીડીપી) ના ૬૦ ટકા કરતાં વધુ છે. આપણી સરકાર પર આટલું દેવું ચડી ગયું છે તો પણ તેને ઉધાર રૂપિયા આપનારા મળી જાય છે.

આગળ આપણે જોયું તેમ સરકાર રિઝર્વ બેન્ક પાસેથી જેટલી ચલણી નોટો લે તેની સામે તેને બોન્ડ આપવા પડે છે અને બોન્ડનું વ્યાજ પણ આપવું પડે છે; પણ રિઝર્વ બેન્ક ચલણી નોટો જનતાને આપે તેની સામે રિઝર્વ બેન્કે જનતાને માત્ર વચન જ આપવાનું હોય છે. તેણે ચલણી નોટના ધારકને કોઈ વ્યાજ આપવાનું હોતું નથી. દાખલા તરીકે હાલમાં ભારતમાં ૨૮ લાખ કરોડ રૂપિયાની ચલણી નોટો બજારમાં છે તો તેનો મતલબ એવો થાય કે રિઝર્વ બેન્ક પ્રજાના ૨૮ લાખ કરોડ રૂપિયા વગર વ્યાજે વાપરે છે, પણ તેને બોન્ડનું વ્યાજ મળે છે. આ કારણે રિઝર્વ બેન્ક કોઈ પણ ધંધો ન કરતી હોવા છતાં નફો કરે છે. જો ડોલરની કિંમત વધે તો પણ રિઝર્વ બેન્કને તેમાંથી નફો થાય છે. જો સરકાર બોન્ડને બદલે ચલણી નોટો છાપીને પ્રજાને આપવા લાગે તો સરકારને પણ તેટલા રૂપિયા વગર વ્યાજે વાપરવા મળે. સરકાર રિઝર્વ બેન્ક સાથે તો હરીફાઈમાં ઊતરવા નથી માગતી ને?

Most Popular

To Top