Gujarat

ચૂંટણી પૂરી થયા બાદ રાજકોટમાં દારૂ ભરેલી બેગ મળતા લોકો દોડ્યા

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂરી થઈ છે. ભાજપે 156 સીટ પર અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે. જોકે, ચૂંટણી પૂરી થયાના થોડા જ કલાકો બાદ ગુજરાતમાં કાયદા વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા હતા. રાજકોટ (Rajkot) શહેરમાં જાહેર માર્ગ પર એક દારૂની બોટલો ભરેલી બેગ મળી આવી હતી. આ લાવારિસ બેગ લોકોની નજરે ચઢી હતી. દારૂ લેવા રીતસર લોકોએ પડાપડી કરી મુકી હતી. થોડી જ મિનીટોમાં બેગમાંથી દારૂની (Daru) બોટલો લોકો ઉઠાવી ગયા હતા. આ ઘટનાનો કોઈ રાહદારીએ વીડિયો ઉતારી વાયરલ કર્યો છે.

ગુજરાતમાં દારૂબંધી છે. અહીં દારૂ વેચવો અને પીવો ગુનો છે, તેમ છતાં સૌ કોઈ જાણે છે કે ગુજરાતમાં ખૂબ જ આસાનીથી દારૂ મળી રહે છે. દારૂ પકડાવાની ઘટનાઓ અનેકોવાર સામે આવી છે, તેમ છતાં દારૂના કાયદાનો કડક અમલ કરાવવામાં કોઈને રસ નથી. હદ તો ત્યારે થઈ જ્યારે આજે રાજકોટના યાજ્ઞિક રોડ પર જાહેરમાં દારૂ ભરેલી બેગ પડી હતી. કોઈ અજાણ્યા શખ્સની બેગ અહીં રહી ગઈ હતી. યાજ્ઞિક રોડના સિટી બસ સ્ટોપ પર દારૂ ભરેલી બેગ મળી હતી. અહીંથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે. કોલેજના સ્ટુડન્ટ્સ પણ અહીંથી પસાર થતા હોય છે, ત્યારે અહીં દારૂ ભરેલી બેગ મળતા પોલીસતંત્ર પર પ્રશ્નાર્થ મુકાયો છે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

આ અંગે મળતી માહિતી અનુસાર આજે સવારે 9 વાગ્યાની આસપાસ રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા સ્વામીનારાયણ પૂતળા પાસે દારૂ ભરેલો થેલો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. બેગની અંદર દારૂ હોવાની જાણ થતાં જ લોકોએ દારૂ લૂંટવા પડાપડી કરી મુકી હતી. આ દારૂની બોટલ ભરેલી બેગ જાહેર માર્ગ પર કેવી રીતે આવી? તેને કોણ મુકી ગયું? તે પ્રશ્નો ચર્ચાઈ રહ્યાં છે. આ સાથે જ રાત્રિ પેટ્રોલિંગ કરતી પોલીસની ફરજનિષ્ઠા પર પણ પ્રશ્નો ઉઠ્યા છે. જોકે, મોટો પ્રશ્ન એ છે કે ગાંધીના ગુજરાતમાં રાજકોટ જેવા શહેરમાં લોકોને દારૂ પીવામાં કેટલો રસ છે? જે દારૂ લેવા આટલી પડાપડી કરી મુકી? આ તમામ મામલે પોલીસ અજાણ છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ શું પગલાં લે છે તે જોવું રહ્યું!

Most Popular

To Top