Business

એગ્રો વેસ્ટ અને સીટી વેસ્ટ ઉપર નભતી બકરીનો ઉછેર સફળ ગૃહઉદ્યોગ બની રહ્યો છે

‘ફાઓ’ના અહેવાલ મુજબ દુનિયાના ૪૨ ટકા લોકો બકરીના દૂધનો ઉપયોગ કરે છે. ઓછી મૂડી, ઓછી જમીન અને ઓછા ચારા ઉપર નિભાવ કરતી બકરી કુટુંબનાં બાળકો અને વૃદ્ધો સાથે સરળ રીતે મૈત્રી કરી શકતું દુધાળું પ્રાણી છે. વર્ષમાં ૧૭૦થી ૩૨૦ લિટર દૂધ આપતી બકરીની યોગ્ય માવજત થઈ શકે અને તેના જૈવિક ગુણધર્મમાં ફેરફાર કરતાં તે વર્ષમાં ૨૬૦ દિવસ સુધી દૂધ આપી શકે છે. વૃક્ષનાં પાન, થડ અને પ્રકાંડ ખાઈ શકતી બકરી સાથે કોઈ પણ પ્રકારની માનવીય લાગણીઓ જોડાયેલ ન હોઈ તે પાળવામાં અને વેચી નાંખવામાં પણ સરળ રહે છે.

 ગુજરાત જેવા દૂધની ખેતી માટે જાણીતા પ્રદેશોમાં પણ આજે ૫૮ ટકા ખેડૂતો નાના અને સીમાંત કદના છે. તેમની પાસે ખેતઉદ્યોગમાં ટકી રહેવા જેટલી જમીન, પાણી અને મૂડી નથી આથી તેઓ પોતાના ખેતરમાં ઊંચું ઘાસ કે ચારો ઉગાડી શકતા નથી. આ સ્થિતિમાં મામુલી નિભાવખર્ચમાં પાળી શકાતી ૬ થી ૮ બકરીઓ એક વર્ષ થતાં દર સાડા પાંચ મહિને ૨ થી ૪ બચ્ચાં આપે છે.

એક એકર જેટલી જમીન પર અત્યંત ઓછા પાણીથી ઉછરતા સુ-બાવળ(લ્યુસીના)નાં નાના કદનાં ૧,૦૦૦ વૃક્ષો ઉછેરી ખેડૂત અને ખેત મજુર કુટુંબ બકરીનું ઝુંડ પાળી શકાય છે. પ્રોટીન યુક્ત સુ-બાવળના પાન ખાતી બકરી સરેરાશ દોઢ લીટર દૂધ આપે છે. આ દૂધમાં ફેટનું પ્રમાણ ઓછું અને પ્રોટીન અને મિનરલ્સનું પ્રમાણ વધુ હોઈ બાળકોના આરોગ્ય માટે સર્વશ્રેષ્ઠ રહે છે. દિવસમાં એક કરતાં વધુ વખત દોહી શકાતી બકરી તાજાં જન્મેલાં બાળકો માટે માતાના દૂધની ગરજ સારે છે. ઉપરાંત ઘટ્ટ કરેલું દૂધ માવા સ્વરૂપે ફુડ વેલ્યુ એડીશન માટેનો કાચો માલ બને છે.

 ૨૮ થી ૩૦ કિલોનું વજન ધરાવતી પુખ્ત વયની બકરી પોતાના સમગ્ર શરીરનું વજન જમીનના અઢીથી ત્રણ ઇંચના ભાગ ઉપર કેન્દ્રિત કરી ચાલતી હોઈ, ઘાસના મૂળને સખત રીતે દાબી દે છે અથવા તોડી નાંખે છે. તે પ્રકારે તેના લંબગોળ મોંઢાના આગળના ભાગે રહેલા તીક્ષ્ણ દાંતોથી તે જમીનસરસા ચોંટેલા ઘાસને મૂળ સહિત ઉખેડી નાંખે છે. આથી મેદાન કે ડુંગરોના ચરિયાણમાં ફરતી બકરી નુકસાન કરતી દેખાય છે અને શહેરોમાં લાંબા વાંસના છેડે દાતરડાથી વૃક્ષોને બોડાં કરતી રબારીઓની બકરી તો પર્યાવરણની દુશ્મન જણાય છે.

પરંતુ બકરીની ખોરાક મેળવવાની પદ્ધતિને વ્યવસ્થામાં ફેરવી શકાય અને બકરીઓને બાંધી રાખી એક લાકડાના ખોખામાં ખોરાક આપવામાં આવે તો દિવસ દરમિયાન ૪ થી ૬ કિલો ખોરાક સામે બકરી ૧ કિલોના રૂ. ૩૦/- ના ભાવનું ૫૦૦ ગ્રામથી ૧.૫ કિલો જેટલી લીંડી (છાણિયું ખાતર) આપે છે. જેના ઉપયોગથી ૪ વ્યક્તિના ઘરવપરાશ જોગ બળતણ મળી શકે છે. ઉપરાંત બાયોગેસની સ્લરી એક ઉત્તમ પ્રકારનું ઓર્ગેનિક મેન્યોર બની જમીનસુધારાનું કામ કરે છે. સુધરેલી જમીન ઉપજાઉ થતાં પ્રાકૃતિક ગતિચક્રને પોતાના મૂળ સ્તરમાં આગળ વધવા બળ મળે છે.

 ગરમી અને ઠંડી સામે ટક્કર સહી શકતી બકરીને ચોમાસાની ઋતુમાં સંરક્ષણ આપવાની જરૂરિયાત રહે છે. પોતાના લાંબા વાળના કારણે તેના શરીર ઉપર ફંગસ વિકસિત થાય છે. ઉપરાંત ચોમાસાની ઋતુમાં તેનાં આંતરડાં અને યકૃતમાં પરોપજીવી કૃમિ વિકસિત થાય છે. જે તેના શરીરનો તૈયાર ખોરાક ખાઈ લે છે અને બકરીને ૧૫-૨૫ દિવસના ટૂંકા ગાળામાં મૃત્યુ પમાડે છે. પરંતુ વર્ષ દરમિયાન એક વખત ડીવર્મનો કોર્સ આપી બકરીનું આંતરિક કલેવર અડીખમ રાખી શકાય છે.

 મહારાષ્ટ્રમાં કલ્યાણ અને થાણા માફક ગુજરાતમાં સુરત અને અમદાવાદ બકરાંની લેવેચનું રાષ્ટ્રીય સ્તરનું બજાર છે. એકલા રાણીપ (અમદાવાદ)માં જ રોજ ૫ થી ૮ હજાર બકરાંની લેવેચ થાય છે. રાજસ્થાનની પતેરી, કાઠિયાવાડની કાળી શિંગડીથી માંડી દેશી સફેદ બકરીના વેપાર માટે જાણીતા અમદાવાદનાં બકરાં દક્ષિણ ભારત સુધી પહોંચે છે. રૂ. ૧૫૦૦/- થી રૂ. ૩૫૦૦/- ના ભાવે વેચાતી બકરીમાંથી રૂ. ૭૦૦/- નું ચામડું મળે છે. રૂ. ૪૬/- થી રૂ. ૫૨/- ના ભાવે મૂંડી, ફેફસા અને હાડકાં વેચાય છે અને સરેરાશ ૧ કિલોના રૂ. ૧૫૦/- ના ભાવે ૧૨ થી ૧૫ કિલો મટન મળે છે. આમ બકરીની ૧ ટ્રક વેચનારને ટ્રકે રૂ. ૨,૨૧,૮૦૦/- નો ચોખ્ખો નફો મળે છે. જ્યારે મટન વેચનારને રોકાણ ઉપર ૫૨% થી ૬૬% નફો મળે છે. આ ઉપરાંત બકરીના વાળમાંથી મજબૂત અને ટાકાઉ દોરી બને છે, જેનો કલાત્મક ઉપયોગ શહેરોમાં પણ થઈ શકે છે. આજે બકરીના વાળની દોરી(વાણ)ની કિંમત ૧ કિલોના રૂ. ૮૭૦ છે.

 અનિયમિત વરસાદ, ગ્રામક્ષેત્રે વધતું સ્થળાંતર, જમીનના કદમાં ઘટાડો, જમીન ઉપરના લીલા પડવાસમાં દેખાતી તંગી જેવા વિકાસના આડ પરિવર્તનોના કારણે હવે બકરી જેવા નાના કદના બહુ કૌશલ્ય ધરાવતા સરળ પ્રાણીની આવશ્યકતા વિકસી છે. જે તરફ વૈશ્વિક જરૂરિયાત જણાતાં ૧૯૭૭થી ૧૯૮૮ દરમિયાન ઑસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ઇઝરાયલ, ભુતાન જેવા પહાડી પ્રદેશો ઉપરાંત વિશ્વ ગ્રામના ૧૨૭ સંકુલોમાંથી ઉત્તમ કોટીની ૫,૦૦૦ બકરીઓ એકત્ર કરી તેમાંની વર્ણસંકર જાત ‘સાનેન’ ઉત્પન્ન કરાઈ છે. હિંદુસ્તાનના પશ્ચિમી પ્રદેશોના ઉષ્ણતામાન અને ભૂસ્તરને અનુરૂપ ‘સાનેન’ જાતની બકરીઓનું ઉત્પાદન રૂ૨લ એગ્રિકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ નારખન ગાંવ તા. જુન્નર, જિ. પૂના-મહારાષ્ટ્ર ખાતે છે. જ્યાં તૈયાર થયેલ બકરી ‘સાનેન’ પોતાના દૂધ-ઉત્પાદનમાં રોગપ્રતિકારમાં રી-પ્રોડક્શનમાં અને પોતાના માંસના વજનમાં ઉત્તમ રહી છે. આ જાતની ઓલાદ દક્ષિણ ભારત ઉપરાંત બાંગ્લાદેશમાં પણ ગૃહઉદ્યોગરૂપે પ્રસ્થાપિત થઈ છે.

 દૂધ-ઉત્પાદનની પડતર કિંમત આજે રૂ. ૩૮ થી ૫૨ સુધી પહોંચી છે અને બજારમાં યુરિયાનું સિન્થેટિક મિલ્ક જાણીતું બન્યું છે ત્યારે બહેનો માટેના સ્વાવલંબન અને આરોગ્યના વિશાળ કાર્યક્રમોના ભાગરૂપે બકરીને ગૃહઉદ્યોગ તરીકે પ્રચલિત કરવાની આવશ્યકતા છે. ઍગ્રોવેસ્ટ અને સિટી વેસ્ટ ઉપર જીવી શકતી બકરીના ઉછેર સાથે રોજગાર યોજનાને જોડી શકાય તો અનેક કુટુંબો ઘર બેઠાં સ્વમાનભેર વ્યવસાય કરી શકે અને અબુખાનની બકરી નામે સાહિત્યની વાત આમમાણસના જીવનમાં સુખાકારી આપનાર બની રહે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top