Business

મારું કામ દીવો પ્રગટાવાનું છે

એક ગામમાં છેવાડે એક વૃદ્ધ દાદા નાનકડી ઝૂંપડીમાં રહેતા હતા.તેમની ઝૂંપડીથી થોડે દૂર જ ગામની હદ પૂરી થતી હતી અને જંગલ શરૂ થતું હતું.વૃદ્ધ દાદા છેલ્લાં અમુક વર્ષોથી રોજ  દર સાંજે ગામના છેવાડા પર દીવા પ્રગટાવતા જેથી આવતા જતા વટેમાર્ગુઓને ખબર પડે કે અહીં ગામની વસ્તીની શરૂઆત છે અને સામેની તરફ જંગલ છે એટલે અંધારામાં કોઈ રસ્તો ભૂલી જંગલમાં અટવાઈ ન જાય.વર્ષોથી વૃદ્ધ દાદા રોજ સાંજે દીવા પ્રગટાવતા તેથી ગામલોકો તેમને  દીવાવાળા દાદા તરીકે જ ઓળખવા લાગ્યા. એક સાંજે દાદા રોજના ક્રમ મુજબ એ દીવા પ્રગટાવી અને ઝૂંપડીના દરવાજે બેઠા હતા. સાંજ ઢળી ગઈ અને રાત્રીનો અંધકાર ફેલાયો પણ દીવા માર્ગને અજવાળી રહ્યા હતા. થોડી વારમાં અચાનક ખૂબ જોરદાર પવન વાયો અને એક પછી એક બધા દીવા બુઝાઈ ગયા.

વૃદ્ધ દાદા ફરી ઊઠ્યા અને દીવા પ્રગટાવવા લાગ્યા.દીવા ફરી બુઝાઈ ગયા.ગામના લોકોએ કહ્યું,‘‘દાદા આજે રહેવા દો. આ દીવા પ્રગટાવવાનો કોઈ અર્થ નથી કારણ તોફાની પવન બહુ જોરદાર છે. દીવા બુઝાઈ જ જશે.’’પણ વૃદ્ધ દાદા તો પોતાનું કામ કરવામાં જ મગ્ન હતા. વૃદ્ધે એક દીવો ફરી પ્રગટાવ્યો.પવન આવ્યો અને દીવો બુઝાઈ ગયો. તેમણે ફરી પ્રગટાવ્યો.બીજો દીવો પ્રગટાવ્યો ત્યાં પવન ફરી આવ્યો અને દીવા બુઝાઈ ગયા.વૃદ્ધે ફરી દીવા પાસે પાસે મૂક્યા અને પ્રગટાવ્યા અને પોતે પવનની દિશામાં આડશ આપી ઊભા રહ્યા.દીવા પ્રકાશ આપવા લાગ્યા અને પવન તો ફૂંકાઈ રહ્યો હતો. એક યુવાન નજીક આવ્યો અને પૂછ્યું, ‘‘દાદા, આમ કેટલી વાર ઊભા રહેશો અને વધુ તેજ પવન ફૂંકાશે તો દીવા બુઝાઈ જ જશે અને જ્યારે તમને ખબર છે કે પવન ફરી દીવો બુઝાવી દેશે, તો તમે વારંવાર કેમ પ્રગટાવો છો?’’

વૃદ્ધ હસ્યા અને બંને હાથની હથેળીઓની વચ્ચે દીવાઓને જાળવતા બોલ્યા, ‘‘પવન દીવા ભલે બુઝાવી નાખે પણ હું દીવા પ્રગટાવું  છું કારણ કે પવનનું કામ છે દીવો બુઝાવવાનું અને મારું કામ છે તેને ફરી પ્રગટાવવાનું.’’ દાદાનો જવાબ યુવાનને સ્પર્શી ગયો. તે પણ દાદા સાથે ફૂંકાતા પવન વચ્ચે દીવાને બુઝાઈ જતાં અટકાવવાના કામમાં જોડાયો.બીજાં બે-ત્રણ ગામલોકો પણ આવ્યાં.દાદાએ વધુ દીવા પ્રગટાવ્યા.થોડા સમય પછી પવન શાંત થયો અને રસ્તો ફરી પ્રકાશિત થયો.જીવનમાં મુશ્કેલીઓ આવતી રહેશે. મુસીબતનો ઝંઝાવાત ભલે આપણો દીવો બુઝાવી શકે છે, પરંતુ તેને ફરી પ્રગટાવવાની હિંમત અને લગનને  બુઝાવા દેવી નહિ.સતત દીવા પ્રગટાવતા રહેવું કારણ કે જીવનમાં ફરી પ્રકાશિત થવું કે અંધકાર સ્વીકારી લેવો તે આપણે નક્કી કરવાનું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top