Gujarat

ગરબા માટે AC ડોમ બનાવ્યો છે? ફાયર વિભાગના આ નિયમો નહીં પાળો તો NOC નહીં મળે

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવું ફરજિયાત રહેશે. ખાસ કરીને AC ડોમ, મંડપ, પંડાલ અને અન્ય ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ગરબાનું આયોજન કરનારા આયોજકોએ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને જરૂરી મંજૂરી મેળવવી પડશે. ફાયર વિભાગ દ્વારા સ્થળ પર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ માટે ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. નિયમોમાં ખામી અથવા બેદરકારી જણાશે તો સર્ટિફિકેટ આપવામાં નહીં આવે અને જરૂર પડ્યે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

ગરબાના આયોજકોએ ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એપ્રૂવલ મેળવવાનું રહેશે. આ માટે રાજ્ય સરકારના ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજી બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઈને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. સ્થળ પર કરવામાં આવેલી વ્યવસ્થાના પુરાવા અને જરૂરી દસ્તાવેજોની હાર્ડ કોપી પણ ચકાસવામાં આવશે.

AC ડોમમાં ખાસ કરીને ઇમરજન્સી એક્ઝિટ, ગેટ, ઇલેક્ટ્રિક વાયરિંગ, કિચન તથા અન્ય આગ લાગવાની શક્યતા ધરાવતા વિસ્તારોની તપાસ કરવામાં આવશે. ફાયર વિભાગ દ્વારા કરવામાં આવતી ચકાસણી દરમિયાન સ્થળની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. તમામ નિયમોનું પાલન થયેલું હશે ત્યાર બાદ જ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ આપવામાં આવશે.

આયોજકોએ ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરવાની બાંહેધરી આપતું રૂ.300ના સ્ટેમ્પ પેપર પર ફોટો સાથે નોટરી કરાવેલું સોગંદનામું પણ રજૂ કરવાનું રહેશે. ફાયર વિભાગ ઉપરાંત પોલીસ, ટ્રાફિક અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય સંબંધિત વિભાગોની જરૂરી મંજૂરી અને ના-વાંધા પ્રમાણપત્ર પણ મેળવવાના રહેશે. AC ડોમ અને અન્ય ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ડીઝલ જનરેટર સ્ટેજ અથવા મુખ્ય મંડપથી સુરક્ષિત અંતરે રાખવાનું રહેશે. ખાસ કરીને જનરેટર સ્ટેજ અને મંડપથી 50થી 100 ફૂટ દૂર રાખવાની સૂચના આપવામાં આવી છે. ઇલેક્ટ્રિક વાયરિંગમાં PVC કોટેડ વાયરનો ઉપયોગ કરવો પડશે અને સમગ્ર ઇલેક્ટ્રિકલ સિસ્ટમની તપાસ સરકારી મંજૂરી ધરાવતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પાસેથી કરાવવી પડશે.

ડોમમાં બિછાવવામાં આવતા કાર્પેટ અને લગાવવામાં આવતા પડદાને ફાયર રિટાર્ડન્ટ બનાવવાના રહેશે. તેના પર ફાયર રિટાર્ડન્ટ સ્પ્રે અથવા યોગ્ય આગ પ્રતિરોધક કોટિંગ કરાવવાનું રહેશે. જો ગરબાના સ્થળે ફિલ્મ અથવા અન્ય કોઈ પ્રદર્શન માટે સ્ક્રીન લગાવવામાં આવે તો તેમાં પણ ફાયર સેફ્ટીનું ધ્યાન રાખવું પડશે. ગરબા મંડપમાં ઓછામાં ઓછા બે ઇમરજન્સી એક્ઝિટ ગેટ રાખવા ફરજિયાત રહેશે. આ બંને ગેટ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. દરેક ઇમરજન્સી એક્ઝિટની પહોળાઈ ઓછામાં ઓછી 2.5 મીટર હોવી જોઈએ અને ગેટની સામે ઓછામાં ઓછું 5 મીટર ખુલ્લું સ્થાન રાખવાનું રહેશે. ઇમરજન્સીના સમયે લોકો સરળતાથી બહાર નીકળી શકે તે માટે એક્ઝિટ તરફ જતો રસ્તો કોઈપણ પ્રકારના સામાનથી અવરોધિત ન હોવો જોઈએ.

મંડપની ક્ષમતા પ્રમાણે જ લોકોને પ્રવેશ આપવાનો રહેશે. દરેક વ્યક્તિ માટે ઓછામાં ઓછી 1 ચોરસ મીટર જગ્યા રહે તે રીતે આયોજન કરવાનું રહેશે. મંડપની અંદર ફિક્સ પાર્ટીશન બનાવવાની મંજૂરી રહેશે નહીં. બેઠક વ્યવસ્થામાં પણ પૂરતી જગ્યા રાખવી પડશે. 10 બેઠકની દરેક હરોળ અને 10 રો બાદ ઓછામાં ઓછો 1.5 મીટર પહોળો પેસેજ રાખવાનો રહેશે. બેઠક વ્યવસ્થામાંથી ઇમરજન્સી એક્ઝિટ સુધીનું અંતર એટલે કે ટ્રાવેલિંગ ડિસ્ટન્સ 15 મીટરથી વધુ ન હોવું જોઈએ.

મંડપનું નિર્માણ સ્કૂલ, હોસ્પિટલ, જ્વલનશીલ સામગ્રીના ગોડાઉન, ઇલેક્ટ્રિક સબસ્ટેશન, ટ્રાન્સફોર્મર, હાઇ-ટેન્શન લાઇન અને રેલવે લાઇનથી સુરક્ષિત અંતરે કરવાનું રહેશે. બે ટેમ્પરરી સ્ટ્રક્ચર વચ્ચે ઓછામાં ઓછું 2 મીટરનું અંતર રાખવું જરૂરી રહેશે. ફાયર બ્રિગેડના વાહનો સરળતાથી સ્થળ સુધી પહોંચી શકે તે માટે રસ્તા અને પ્રવેશ માર્ગ ખુલ્લા રાખવાના રહેશે. મંડપમાં હવન અથવા નાના હવનકુંડનો ઉપયોગ કરવામાં આવે તો તેની આસપાસ પૂરતી ફાયર સેફ્ટીની વ્યવસ્થા રાખવી પડશે. આવી જગ્યાની છત માટે યોગ્ય CI અથવા GI શીટનો ઉપયોગ કરવાનો રહેશે. માતાજી અથવા ભગવાનની મૂર્તિ પાસે દીવા પ્રગટાવવામાં આવે ત્યારે દીવા નીચે રેતીનો બેઝ રાખવો ફરજિયાત રહેશે.

ગરબા સ્થળે LPG સિલિન્ડર, ફટાકડા, ધૂમ્રપાનની સામગ્રી અથવા આગ લાગી શકે તેવી અન્ય વસ્તુઓ રાખી શકાશે નહીં. મંડપની અંદર અથવા સ્ટેજની નીચે જ્વલનશીલ સામગ્રીનો સંગ્રહ પણ ન કરી શકાય. જો રસોઈ બનાવવાની વ્યવસ્થા હોય તો તે મુખ્ય મંડપથી ઓછામાં ઓછા 15 મીટર દૂર અને સુરક્ષિત CI અથવા GI શીટવાળી જગ્યાએ કરવી પડશે. વીજળીની વ્યવસ્થામાં પણ ખાસ સાવચેતી રાખવાની રહેશે. તમામ ઇલેક્ટ્રિક વાયરિંગ વર્તમાન વીજળીના નિયમો પ્રમાણે કરવાનું રહેશે. વાયરિંગ માટે PVC આવરણવાળા કંડક્ટર અથવા યોગ્ય ટફ રબર કેબલનો ઉપયોગ કરવો પડશે. વાયરિંગના જોડાણો સુરક્ષિત ઇન્સ્યુલેટેડ કનેક્ટર્સથી કરવા પડશે.

મુખ્ય ઇલેક્ટ્રિક સ્વીચ બોર્ડ યોગ્ય ધાતુના બોક્સમાં રાખવાનું રહેશે અને તેને મંડપથી સુરક્ષિત અંતરે ગોઠવવાનું રહેશે. ઇલેક્ટ્રિક જંક્શન બોર્ડ પાસે જરૂરી લાઇટિંગની વ્યવસ્થા પણ રાખવી પડશે. લાઇટ, બલ્બ, ટ્યુબલાઇટ અથવા તેના કોઈપણ ભાગને મંડપની સજાવટ અને જ્વલનશીલ સામગ્રીથી ઓછામાં ઓછા 15 સેન્ટિમીટર દૂર રાખવાના રહેશે. મંડપની અંદર અને બહાર લોકોને સ્પષ્ટ રીતે દેખાય તે રીતે ‘NO SMOKING ZONE’, ‘EXIT’, ‘EMERGENCY EXIT’ અને ‘FIRE EXTINGUISHER’ જેવા બોર્ડ લગાવવા ફરજિયાત રહેશે. લોકોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ રાખવી પડશે, જેથી ઇમરજન્સીની સ્થિતિમાં લોકોને ઝડપથી સૂચના આપી શકાય.

ફાયર સેફ્ટી માટે દરેક 100 ચોરસ મીટરના વિસ્તાર પ્રમાણે જરૂરી સાધનો ઉપલબ્ધ રાખવાના રહેશે. તેમાં 6 કિલોગ્રામ ક્ષમતાના બે ABC ફાયર એક્સ્ટિંગ્વિશર અને 4 કિલોગ્રામ ક્ષમતાના બે CO2 ફાયર એક્સ્ટિંગ્વિશર રાખવાના રહેશે. આ ઉપરાંત 200 લીટર પાણી ભરેલું ઢાંકણાવાળું ડ્રમ અને રેતી ભરેલી બે ડોલ પણ ઉપલબ્ધ રાખવાની રહેશે. મંડપમાં આગ લાગવાની સ્થિતિમાં તાત્કાલિક ઉપયોગ કરી શકાય તે રીતે પાણીની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. આગ સામેની સલામતી માટે પૂરતો પાણીનો પુરવઠો ઉપલબ્ધ હોવો જરૂરી છે. ફાયર એક્સ્ટિંગ્વિશર કેવી રીતે ચલાવવું તેની જાણકારી ધરાવતા પ્રશિક્ષિત વ્યક્તિઓને પણ ગરબા મહોત્સવના સમગ્ર સમયગાળા દરમિયાન ઉપલબ્ધ રાખવાના રહેશે.

આ ઉપરાંત મંડપની સુરક્ષા માટે ઓછામાં ઓછો એક સ્વયંસેવક સતત રાઉન્ડ ધ કલોક ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરવી પડશે. તેનો હેતુ મંડપમાં કોઈપણ પ્રકારની આગની શક્યતા, ભીડ અથવા અન્ય જોખમી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક ધ્યાન દોરવાનો છે. નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગરબા જોવા અને રમવા માટે એકઠા થતા હોવાથી આગ જેવી ઇમરજન્સીમાં લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી શકે તે સૌથી મહત્વપૂર્ણ બાબત છે. તેથી આયોજકોએ માત્ર ફાયર NOC મેળવવા પૂરતું મર્યાદિત ન રહેતા સમગ્ર નવરાત્રી દરમિયાન ફાયર સેફ્ટીના નિયમોનું સતત પાલન કરવું પડશે.

ફાયર વિભાગ દ્વારા પણ ગરબા સ્થળોનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. તપાસ દરમિયાન નિયમોનું પાલન ન થતું જણાશે, ઇમરજન્સી એક્ઝિટમાં અડચણ હશે, વાયરિંગમાં ખામી હશે અથવા આગ સામે જરૂરી સાધનો ઉપલબ્ધ નહીં હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી શકે છે. આથી AC ડોમ સહિત તમામ ગરબા આયોજકોએ નવરાત્રી શરૂ થાય તે પહેલાં જરૂરી પ્રમાણપત્રો, મંજૂરીઓ અને ફાયર સેફ્ટીની તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લેવી જરૂરી રહેશે.

Most Popular

To Top