Gujarat

ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદ: વડોદરામાં તોફાની વરસાદને કારણે હોર્ડિંગ્સ તૂટ્યું

અમદાવાદ: દક્ષિણ ગુજરાત સહિત વડોદરા (Vadodra) અને અમદાવાદમાં (Ahmedabad) વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વડોદરામાં ગુરુવારે સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ(Rain) તૂટી પડ્યો હતો. પવન સાથે તૂટી પડેલા વરસાદે અડધા કલાકમાં વડોદરામાં બધુ વેરવિખેર કરી નાંખ્યુ છે. વડોદરામાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા છે. તો બીજી તરફ, ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો બન્યા છે. સુસવાટાભર્યા પવન સાથે ખાબકેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં લાઈટો ગૂલ થઈ હતી. તો હોર્ડિંગ્સ (Hoardings) પણ તૂટી પડ્યા હતા. 

વડોદરા શહેરમાં કડાકા ભડાકા સાથે શરૂં થયેલા વરસાદમાં મુક્તાનંદ વિસ્તારમાં આવેલું મોટું હોર્ડિંગ્સ ધરાશાયી થયું હતું. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઇને જાનહાની થઇ નથી. શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા જેના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતાં. શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી, જેને પગલે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે પવનને કારણે એલએન્ડટી સર્કલ પાસે એન્ટ્રી બોર્ડ તૂટી પડ્યું હતું. બોર્ડ ધરાશાયી થતાં અવરજવર માટેનો રોડ બંધ થયો હતો. તો સાથે જ અનેક વાહનોને નુકશાન થયું હતું. આ ઘટના બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ રોડ પરથી ગેટના સ્ટ્રક્ચર હટાવવાની કામગીરી તાત્કાલિક અસરથી શરૂ કરી હતી. ઉપરાંત ગેટ બનાવનાર કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી છે. શહેરના તમામ એન્ટ્રી ગેટ દૂર કરવાની કાર્યવાહી કરાશે. 

બીજી તરફ અમદાવાદમાં રાત્રે 8 થી 9 દરમ્યાન અમદાવાદ શહેરમાં સરેરાશ અડધા ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના સરખેજ, બોપલ, જોધપુર, ટાગોર કન્ટ્રોલ, દુધેશ્વર, મેમકો સહિતના વિસ્તારોમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. માત્ર સામાન્ય વરસાદમાં પણ કેટલાક વિસ્તારોની હાલત દયનીય બની છે. શાયોના સિટીથી ચાંદલોડિયા તરફ જતા વચ્ચે આવતા ગરનાળામાં ગુરુવારે સવારે પણ પાણી ભરાયેલુ જોવા મળ્યું હતું.

પંચમહાલમાં પણ મોડીરાત્રથી ભારે પવન બાદ ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોધરા તાલુકાના બગીડોળ, મહેલોલ, દરુણીયા, પોપટપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. આ સાથે મહેસાણા જિલ્લામાં પણ ગતરાત્રીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ જિલ્લામાં છુટા છવાયા ઝાપટા બાદ વહેલી સવારથી મેઘરાજાએ ધોધમાર ઇનિંગ શરૂ કરી હતી. તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

Most Popular

To Top