Gujarat

આણંદમાં ધોધમાર 7.5 ઈંચ વરસાદથી જળબંબાકાર : 121 તાલુકામાં વરસાદ

ગુજરાત પર અરબી સમુદ્ર પરથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ રાજ્યના 120 તાલુકામાં હળવાથી ભારે વરસાદ થયો છે. આણંદમાં આભ ફાટ્યું હોય તેમ સાડા સાત ઈંચ વરસાદથી અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે. આણંદમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ જવા પામ્યું છે. મોરબીમાં ભારે વરસાદના કારણે ચિત્રોડી ગામમાં પૂરનું પાણી ફરી વળ્યું હતું. જેના પગલે 20 જેટલા ઘેટા તણાઈ જવા પામ્યા હતા. ગામલોકોએ માનવ સાંકળ બનાવીને ઘેટાને બચાવી લીધા હતા.

આણંદ પછી સુરત નજીક ચોર્યાસી તુલાકમા 5 ઈંચ , ઓલપાડમાં 3.6 ઈંચ, બોટાદના બરવાળામાં 3.6 ઈંચ, સુરત સિટી તાલુકામાં 3.4 ઈંચ, આણંદના પેટલાદમાં 3.3 ઈંચ, બોરસદમાં 2 ઈંચ, જુનાગઢ સિટીમાં 2 ઈંચ, જુનાગઢ તાલુકામાં 2 ઈંચ, ભૂજમાં 1.6 ઈંચ, ધંધૂકામાં 1.5 ઈંચ, આંકલાવમાં 1.5 ઈંચ, જામનદરના ધ્રોલમાં 1.4 ઈંચ, સોજીત્રામાં 1.2 ઈંચ, ખંભાતમાં 1.2 ઈંચ, સુરેન્દ્રનગરના સાયલામાં 1 ઈંચ, ભાવનગરના ઘોઘામાં 1 ઈંચ, ધોલેરામાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં 36 તાલુકાઓમાં 7થી 1 ઈંચ વરસાદ થયો છે.

બીજી તરફ છેલ્લા 48 કલાકથી થઈ રહેલા સાંબેલાધાર વરસાદના કારણે ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે સીડીઓ પર પાણી વહેતા થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. જામનગરમાં પણ કાલાવાડ પંથકમાં ધોધમાર વરસાદના કારણે માડા, જામવાળી, નવાગામ ધુન ધોરાજી મુળીલા ગામમા નગી-નાળામાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળ્યો હતો.

30 તાલુકાઓમાં 5થી એક ઈંચ જેટલો વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં ખાસ કરીને નવસારીમાં સાડા પાંચ ઈંચ વરસાદ થયો છે. જ્યારે વલસાડમાં 5.3 ઈંચ , પારડીમાં 4.7 ઈંચ, ભાવનગરના ગારીયાધારમાં 4 ઈંચ, ભાવનગરમાં 3 ઈંચ, બનાસકાંઠાના વડગામમાં 3 ઈંચ, સુરત સિટી તાલુકામાં 3 ઈંચ , નવસારી – જલાલપોરમાં 3 ઈંચ, અણરેલીના લાઠીમાં અઢી ઈંચ, ઉમરાળામાં સવા બે ઈંચ, વલ્લભીપુરમાં 2 ઈંચ, કાલાવાડમાં 1.8 ઈંચ વરસાદ થયો છે. એકંદરે 30 તાલુકાઓમાં 5થી એક ઈંચ જેટલો વરસાદ થયો છે.

ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી
અરબી સમુદ્ર પરથી સરકીને ગુજરાત પર આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પંચમહાલ, જામનગર સહિતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

Most Popular

To Top