Gujarat Main

ગુજરાત સરકારની મહત્વની જાહેરાત : રાજ્યમાં હવે 21 જૂનથી શરૂ થશે વોક-ઇન વેક્સીનેશન

ગાંધીનગર: રાજ્ય (Gujarat)માં અત્યારે કોરોના વાયરસ (corona virus)ની બીજી લહેર (second wave) સમાપ્તિના આરે છે. તો બીજી તરફ યુદ્ધના ધોરણે રસીકરણ પણ ચાલી રહ્યું છે. ત્યારે રસીકરણ અંગે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં 18 થી 44 ની વયજૂથના લોકોને આગામી સોમવાર તારીખ 21 મી જૂન 2021 થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન રજીસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઈન વેક્સિનેશન (walk in vaccination) અન્વયે સ્થળ પર રજીસ્ટ્રેશન (on site registration) કરીને આપવામાં આવશે.

 મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ 18 થી 44 વયજૂથમાં વેક્સિનેશન માટે અગાઉથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી સ્થળ, સમય અને તારીખનો સ્લોટ SMS દ્વારા મળ્યા મુજબ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રજીસ્ટ્રેશન કરાવીને SMS મારફતે સ્લોટ મેળવેલા લોકોને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે. પરંતુ 21 જૂન વિશ્વ યોગ દિવસથી બપોરે 3 કલાક બાદથી પ્રાયર રજીસ્ટ્રેશન સિવાય એટલે કે, વોક-ઈન-રજીસ્ટ્રેશન અંતર્ગત રાજ્યભરના બધા જ રસીકરણ કેન્દ્રોએ સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને વેક્સિનના ડોઝની ઉપલબ્ધતાના આધારે વેક્સિનેશન કરવામાં આવશે.

કોરોનાથી બચવાના મહત્વના ઉપાય તરીકે વધુને વધુ લોકોને વેક્સિન અન્વયે આવરી લેવાની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા રૂપે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારે પણ રાજ્યોને વેક્સિનેશનના પૂરતા ડોઝ ઉપલબ્ધ કરાવતાં વેક્સિનેશનનની આ પ્રક્રિયા વધુ વેગવંતી બનશે. મહત્વની વાત છે કે ગુજરાતે અત્યાર સુધીમાં 2 કરોડ 15 લાખ વેક્સિન ડોઝ આપીને દેશભરમાં અગ્રીમ સ્થાન મેળવેલું છે. આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વોરિયર્સ, 45 થી વધુ વયના લોકો તેમજ કોમોર્બીડ વ્યક્તિઓના રસીકરણમાં પણ ગુજરાત અગ્રીમ રાજ્યોમાં રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના રસીકરણનો વ્યાપ ઝડપથી વધે અને તમામ લોકો કોરોના પ્રતિરોધી રસી લઇ લે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં સેંકડો લોકો એવા છે કે જેઓ ભણેલા નથી અને એવા પણ લોકો છે જેમની પાસે સ્માર્ટ ફોન કે ન્ટરનેટની સુવિધા નથી. આવી સ્થિતિમાં રસી માટે પ્રિ રજીસ્ટ્રેશનનો નિયમ બાધારુપ બનતો હતો, જેનું સરકારે સામાધાન આપ્યું છે.

આગામી વિશ્વ યોગ દિવસ તારીખ 21મી જૂન 2021 થી સમગ્ર રાજ્યમાં 18 થી 44 ની વયજૂથના લોકો માટે બપોરે 3 કલાકથી તમામ રસીકરણ કેન્દ્રો પરથી વોક-ઈન-વેક્સિન ઓન સ્પોટ રજીસ્ટ્રેશનથી વેક્સિન આપવાની શરૂઆત કરીને ગુજરાત આ ક્ષેત્રે પણ દેશના રાજ્યોમાં પ્રથમ પંક્તિમાં રહેવા સંકલ્પબદ્ધ છે.

Most Popular

To Top