Columns

ડિજિટલ ભારતના પ્રશ્નો: ઇ-કૉમર્સમાં ઇજારાશાહી, ઇન્ટરનેટની પહોંચ અને ધારાધોરણોમાં સંદિગ્ધતા

તાજેતરમાં બ્રિક્સ બિઝનેસ ફોરમના ઉદઘાટન સત્રમાં વડા પ્રધાને દાવો કર્યો કે 2025 સુધીમાં ભારતની ડિજિટલ ઇકોનોમી 1 ટ્રિલયન ડૉલરે પહોંચી હશે. રોગચાળા પછી દેશમાં આવેલા બદલાવને કારણે આ શક્ય બનશે તેવું તેમનું કહેવું છે. ડિજિટલ ભારતનો વિચાર સતત ચર્ચામાં રહ્યો છે, જનતા અને સરકાર બન્ને જ આ વિચાર અંગે આશાસ્પદ છે. દુનિયા આખી રોજેરોજ ઇન્ટરનેટ દ્વારા વધુ ને વધુ મજબૂત બની રહી છે.

ડિજિટાઇઝેશનથી થનારા લાભ વિશે બધા જ જાણે છે. હવે તો ડિજિટલ વૉલેટથી આર્થિક લેણદેણ કરવું બહુ જ સામાન્ય બની ગયું છે. વિશ્વની દ્રષ્ટિએ વાત કરીએ તો યુરોપના ડિજિટલ લીડર તરીકે એસ્ટોનિયાનું નામ મોખરે છે. અહીં હાઇ-ટૅક માળખું તો છે જ પણ ડિજિટલ ક્ષેત્રે આવનારા નવા આર્થિક ખેલાડીઓ વચ્ચે નિયંત્રણ અને યોગ્ય ધારા-ધોરણ સાથેની સ્પર્ધા પણ અર્થતંત્રને મદદરૂપ થાય તે રીતે થાય છે. યુરોપના જ અમુક દેશોમાં સ્પર્ધાથી બચવા માટે થઇને માર્કેટમાં સંપૂર્ણ ડિજિટાઇઝેશન નથી કર્યું. ભારતે ડિજિટલ ઇકોનોમી તરીકે જો સફળતાપૂર્વક વિકસવું હોય તો બહુ વિચારીને નીતિઓ ઘડવી પડશે.

આપણે ત્યાં પણ ડિજિટલ માર્કેટમાં ખડી થયેલી સ્પર્ધાઓ ચિંતાનો વિષય છે. ઇ-કોમર્સ માર્કેટ પ્લેસમાં સ્પર્ધા વિરોધી માહોલ હોવાની વાત ભારતમાં પ્રમોશન અને રેગ્યુલેશન ઑફ ઇ-કૉમર્સ અંગેના રિપોર્ટમાં નોંધવામાં આવી છે. અર્થશાસ્ત્રીઓને ઇ-માર્કેટ્સને મામલે ઇજારાશાહીનો ભય હંમેશાંથી રહ્યો છે કારણ કે ઇજારાશાહી હોય એટલે મહત્તમ પરિણામ ન મળે, ઇજારાશાહીને કારણે ભાવમાં વધારો થાય અને નવા માર્કેટ્સ પણ શરૂઆત કરતા ખચકાય. એક રીતે આ તમામ સંજોગોને કારણે ગ્રાહકોને ખોટ જ જતી હોય છે.

ડિજિટલ સ્પેસમાં ભાવને લઇને તો ચિંતા છે જ કારણ કે વેચાણકારો આ પ્લેટફોર્મ્સ પર પોતાની પ્રોડક્ટનો ભાવ ફિક્સ નથી કરી શકતા, સ્પર્ધક ઉત્પાદક સાથે સંતુલન કરવાની તેમની મથામણ સતત ચાલતી રહે. આટલું ઓછું હોય તેમ ડિજિટલ ઇકોનોમીની બીજી ચિંતા છે પ્રાઇવસી – ઉપયોગકર્તાના ડેટાનો કોઇ પણ ઉપયોગ થઇ શકે છે અને તેની પર કોઇ પણ પ્રકારનું નિયંત્રણ શક્ય નથી. ઓનલાઇન પ્લેટફોર્મ્સ ડિજિટલ માર્કેટને લઇને સતર્કતા કેળવી રહ્યા છે.

ભારતીય ડિજિટલ માર્કેટમાં ઇજારાશાહીની વાત કરવી સહેલી નથી કારણ કે કોઇ ચોક્કસ પ્લેયર્સ પર નિર્દેશ કરી શકાય તેમ પણ નથી. પણ જાણીતા ઇ-માર્કેટ્સની સંખ્યા આંગળીને વેઢે ગણાય એટલી જ છે. ઘણી કંપનીઓ પોતાના ઉત્પાદનો અને સેવાઓ ગ્રાહકોને નિઃશુલ્ક પણ આપે છે અને ડિસ્કાઉન્ટને મામલે ડિજિટલ માર્કેટને કોઇ પહોંચી શકે તેમ નથી. ગ્રાહકને ચોક્કસ એમ સવાલ થાય કે ડિસ્કાઉન્ટ મળતું હોય તો વાંધો જ શું છે? પણ ટૂંકા ગાળાના લાભમાં વ્યાપારને લાંબા ગાળાનું નુકસાન થતું હોય છે.

મોટા ડિસ્કાઉન્ટમાં વેચનારા ઉત્પાદકની સામે તેના સ્પર્ધકને પોતાની બનાવટો માટે બજારમાં જગ્યા કરવાનું મુશ્કેલ થઇ જાય, કાં તો તેણે ખોટ ખાઇને પોતાનો માલ વેચવો પડે. ડિજિટલ ખરીદી કરનારાઓ સતત જે મળતું હોય તેનો સસ્તો વિકલ્પ શોધવાની પેરવીમાં જ હોય છે અને તેમને ગુણવત્તામાં થોડી ઘણી બાંધછોડ કરીને એ મળી પણ જતો હોય છે. કિંમતોના ભેદભાવને કારણે ડિજિટલ માર્કેટમાં અસંતુલન આવે તે સાહજિક છે.

ઇ-માર્કેટ્સ આપણે ત્યાં પૉપ્યુલર થયા કારણ કે ભાવમાં ફેર પડે, ઘરને બારણે ચીજ વસ્તુની ડિલીવરી થાય અને માથાકૂટ વિના વસ્તુ પાછી આપી પણ શકાય, બદલી પણ શકાય અને રિફંડ પણ મેળવી શકાય. એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્વીગી, ઝોમેટો, મેક માય ટ્રીપ આ બધા એવા ઇ-માર્કેટ્સ છે જે હવે આપણી જિંદગીનો એક સાહજિક હિસ્સો છે. જે લોકો આ માર્કેટ્સ સર્જે છે, આ ઇ-માર્કેટ્સમાં જે પણ પોતાનાં ઉત્પાદનો વેચે છે તેમને સતત ગેરવાજબી વ્યાપાર નીતિઓનો સામનો કરવો પડે છે.

વળી એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા જાયન્ટ્સની સામે નાના વેચાણકર્તાઓની કોઇ વિસાત ન હોય તે સ્વાભાવિક છે. આપણા દેશમાં ઇ-કોમર્સનું નિયમન કઇ રીતે કરવું તે અંગે હજી ઘણી સંદિગ્ધતા છે કારણ કે હજી તો ઇ-માર્કેટ્સનો શરૂઆતી તબક્કો ચાલે છે. વળી કોમ્પિટિશન એક્ટ ૨૦૦૨ અને સમગ્ર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પૉલિસી, ડ્રાફ્ટ ઇ કોમર્સ પૉલિસી ૨૦૨૧ અને ઇન્ફર્મેશન ટૅક્નોલૉજી રૂલ્સ, ઇ-કોમર્સ માટેના કન્ઝ્યુમર પ્રોટેક્શન રૂલ્સ ૨૦૨૦ વગેરે ઇ-માર્કેટ્સને નિયંત્રિત કરવા માટે છે ખરા પણ વિક્રેતાઓની મુશ્કેલીઓ ઉકેલવાને મામલે આ તમામ હજી સુધી બહુ કામ લાગ્યા નથી.

People of Himachal Pradesh: Young farmer using laptop

વિક્રેતાને લાગે કે તેની સાથે અયોગ્ય થઇ રહ્યું છે ત્યારે ક્યાં જઇને પોતાની લડતનો મુદ્દો મૂકવો તે અંગે તેમની પાસે કોઇ સ્પષ્ટતા નથી. ઇ-કૉમર્સને લગતા પ્રશ્નો ખડા થાય ત્યારે માત્ર ને માત્ર ઇ-માર્કેટ્સનું નિયંત્રણ કરનારું કોઇ એક માળખું હોય તેવું નથી. તેને લગતા ધારાધોરણો પર હજી કોઇ એક જ તંત્ર કામ કરતું હોય તેવું પણ નથી એટલે આ સમસ્યાઓનો નિવેડો આવવાને બદલે તે વધુ ગુંચવાય છે.

વિક્રેતાઓની સમસ્યા તો ખડી છે જ પણ તેની સામે ઇન્ટરનેટ સ્પીડ પણ બહુ મોટો પ્રશ્ન છે. 5G આવી જવાથી બધું રાતોરાત બદલાઇ નથી જવાનું. આજે ભલે આપણને એમ લાગે કે આખો દેશ ડિજિટલી સધ્ધર છે પણ અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ માધ્યમનો મનોરંજન સિવાયનો ઉપયોગ કરનારા લોકો આપણે ધારીએ છીએ તેની સરખામણીએ ઓછા છે. એમેઝોન કે ફ્લિપકાર્ટ કે પછી સ્વીગી કે ઝોમેટોની પહોંચ ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ કે બિહારના કોઇ સાવ નાનકડા ગામડામાં હશે જ એવું માની લેવાની ભૂલ ન કરવી. વળી જો એ પહોંચ ત્યાં હોય તો ત્યાં રહેનારાઓને ઘરની બાજુની દુકાનેથી વસ્તુ લઇ લેવાનું વધારે માફક આવશે કારણ કે ત્યાં ડિજિટલ સાક્ષરતાનું સ્તર મનોરંજન મેળવવા સુધીનું જ છે.

Most Popular

To Top