Columns

પક્ષાંતરના કારણે રાજકીય અસ્થિરતા

પક્ષાંતર. ભારતીય લોકતંત્રને ક્ષીણ કરનારી જે કેટલીક બીમારીઓ છે, એમાં સૌથી મોટી બીમારી ‘પક્ષાંતર’ની છે. ઘણા લોકોને સવાલ થતો હશે કે બંધારણ ઘડનારાઓએ બંધારણ ઘડતી વખતે જ આનો ઈલાજ કેમ નહીં કર્યો? શું તેઓ આટલું પણ દૂરનું નહીં જોઈ શક્યા હોય? આઝાદી પછીથી લગભગ સોએક સરકારો પક્ષાંતરની વેદીમાં હોમાઈ ગઈ છે. એમાં પક્ષાંતર કરનારાઓ અને કરાવનારાઓનો નર્યો અંગત અને સત્તાનો સ્વાર્થ જોવા મળ્યો છે. બીજું બંધારણ ઘડનારાઓએ ઈલાજ નહીં કર્યો તો નહીં કર્યો, હવે શું થઈ શકે? કોઈ ઈલાજ ખરો?

બંધારણ ઘડનારાઓ સમક્ષ પ્રશ્ન હતો કે લોકો દ્વારા ચૂંટાયેલો પ્રતિનિધિ કોને વફાદાર હોવો જોઈએ? પક્ષને? પોતાને મત આપીને ચૂંટી આપનાર મતદાતાઓને? મત આપ્યો હોય કે ન આપ્યો હોય પણ પોતાના મતદારક્ષેત્રના તમામ નાગરિકોને? દેશના બંધારણને? કે પછી અંતરાત્માને? આ વિકલ્પો ફરી વાંચી જાવ. કોને વફાદાર હોવો જોઈએ? આના જવાબમાં માત્ર લોકપ્રતિનિધિ જ નહીં, તમારી સમજ અને નિસ્બતની પણ કસોટી થવાની છે. તમે કોને વધારે મહત્ત્વ આપો છો?

ભારતીય બંધારણમાં પક્ષનો કોઈ ઉલ્લેખ જ નહોતો. લોકતાંત્રિક રાજ્યનું મૂળભૂત એકમ નાગરિક. તેનો પ્રતિનિધિ અને પ્રતિનિધિઓએ ચૂંટેલ નેતા જે સરકાર રચે, એ સરકાર દેશની સરકાર (પક્ષની નહીં, દેશની) હોય અને લોક પ્રતિનિધિગૃહને (કોઈ એક પક્ષને નહીં, સમગ્ર ગૃહને) જવાબદાર હોય. પક્ષ એ વ્યવસ્થા માત્ર છે. આ વ્યવસ્થા આદર્શ નથી એની બંધારણ ઘડનારાઓને જાણ હતી પણ બીજો વિકલ્પ પણ નહોતો. બંધારણ ઘડનારાઓને એમ લાગ્યું હતું કે લોકોના પ્રતિનિધિની વફાદારીને જો પક્ષ સાથે જોડવામાં આવે તો નાગરિકનું મહત્ત્વ ઘટે અને પક્ષનું મહત્ત્વ વધે. લોકતંત્રમાં નાગરિક સર્વોપરી છે.

લોકપ્રતિનિધિ લોકોનો પ્રતિનિધિ છે, કોઈ એક પક્ષનો કે પક્ષના સમર્થકોનો નથી. માટે તેમણે લોકપ્રતિનિધિના હાથ નહોતા બાંધ્યા. તેમની પાસેથી અપેક્ષા હતી કે તેની પહેલી વફાદારી પોતાના અંતરાત્મા પરત્વે હોવી જોઈએ. પક્ષ કે પક્ષે રચેલી સરકાર કોઈ નિર્ણય લે અને એ નિર્ણય સ્વીકાર્ય ન હોય તો તેનો વિરોધ કરવાનો અને જોઈએ તો પક્ષ છોડી જવાનો તેને અધિકાર હોવો જોઈએ. ભાષાવાર પ્રાંતરચના માટે દેશના કેટલાક પ્રદેશોમાં આંદોલન થયાં ત્યારે C. D. દેશમુખ જેવા કેટલાંક લોકોએ કોંગ્રેસ પક્ષની અને જવાહરલાલ નેહરુની નીતિનો વિરોધ કરીને સરકારમાંથી અને પક્ષમાંથી રાજીનામાં આપ્યાં હતાં. એ તેમને બંધારણે આપેલી અંતરાત્માને અનુસરીને નિર્ણય લેવાની આઝાદીનું પરિણામ હતું.

ટૂંકમાં, બંધારણ ઘડનારાઓ એમ માનતા હતા કે લોકપ્રતિનિધિની પહેલી વફાદારી પોતાના અંતરાત્મા પરત્વે છે. પોતાને જે ઠીક લાગે તે મુજબ વિરોધ સહિત અભિપ્રાય આપવાનો અને નિર્ણય લેવાનો તેનો અધિકાર છે. તેની બીજી વફાદારી બંધારણ પરત્વે છે અને ત્રીજી વફાદારી નાગરિક પરત્વેની છે, પછી તેણે મત આપ્યો હોય કે ન આપ્યો હોય. પક્ષ માટેની વફાદારીનો તો કોઈ સવાલ જ નથી આવતો. કારણ કે તેને પક્ષની ગુલામીથી મુક્ત રાખવો હતો.

બંધારણ ઘડનારાઓએ લોકપ્રતિનિધિને અંતરાત્માના અવાજને અનુસરવાની જે આઝાદી આપી હતી તેનો લાભ C. D. દેશમુખ જેવાઓએ લીધો હતો પણ દુર્ભાગ્યે એ અપવાદ જ નીવડ્યા અને એ પણ શરૂના વર્ષોમાં. પછીના વર્ષોમાં લોકપ્રતિનિધિઓ અંતરાત્માના અવાજને સાંભળવાની જગ્યાએ સત્તાકીય અને પૈસાકીય લાલચના અવાજ સાંભળવા લાગ્યા. તેઓ બંધારણે આપેલી આઝાદીનો દુરુપયોગ કરવા માંડ્યા. આજે એક પક્ષ અને કાલે બીજો પક્ષ.

ખાસ કરીને 1967ની સામાન્ય ચૂંટણી પછી આ દૂષણ વધ્યું હતું કારણ કે કેટલાંક રાજ્યોમાં કોંગ્રેસ નબળી પડી હતી અને વિરોધ પક્ષોની સંયુક્ત સરકારો રચાઈ હતી. અત્યારે BJP જે રીતે વિધાનસભ્યો ખરીદીને કે લાલચ આપીને સરકારો તોડે છે એમ ત્યારે કોંગ્રેસ તોડતી હતી. આને કારણે સ્થિતિ એવી બની કે વિધાનસભ્યો ખુલ્લેઆમ વેચાવા લાગ્યા. સવારે એક પક્ષમાં હોય અને સાંજે બીજા પક્ષમાં. ગુજરાતના વિધાનસભ્ય જયદીપસિંહ બારિયા એક દિવસમાં 3 વખત પક્ષ બદલવાનો વિક્રમ ધરાવે છે.

પક્ષાંતરના કારણે રાજકીય અસ્થિરતા એટલી વધવા માંડી કે તેનો કોઈક ઈલાજ કરવો જ પડશે એવું લાગવા માંડ્યું. 2 ઈલાજ હતા – જે લોકપ્રતિનિધિ પક્ષ બદલે એ લોકપ્રતિનિધિ તરીકે રાજીનામું આપે અને પાછી ચૂંટણી લડે. બીજો વિકલ્પ એવો હતો કે પક્ષાંતર ઉપર સંખ્યાનું બંધન નાખવામાં આવે. 1985માં રાજીવ ગાંધીની સરકારે બંધારણમાં સુધારો કરીને બીજો વિકલ્પ પસંદ કર્યો અને તેને લગભગ દરેક પક્ષે ટેકો આપ્યો હતો. એ સમયે રાજીવ ગાંધીની લોકતાંત્રિક મૂલ્યનિષ્ઠા માટે ચારેકોર વાહવાહ થઈ હતી. મને યાદ છે ત્યાં સુધી તેનો 2 જણે વિરોધ કર્યો હતો. એક સમાજવાદી નેતા અને વિચારક મધુ લિમયે અને બીજા ગાંધીવાદી વિચારક દાદા ધર્માધિકારી. એમને વાંચીને મને સમજાયું હતું કે ભારતનું બંધારણ ઘડનારાઓને શું અભિપ્રેત હતું અને આ કાયદો કઈ રીતે બંધારણ વિરોધી છે.

સુધારેલી જોગવાઈ એવી હતી કે જે તે પક્ષના કુલ લોકપ્રતિનિધિમાંથી જો એક તૃતીયાંશ સભ્યો પક્ષાંતર કરે તો તેને પક્ષાંતર ન કહેવાય પણ વિભાજન કહેવાય. વિભાજન હંમેશાં વિચારધારા આધારિત અથવા મતભેદ આધારિત જ હોય. જો એક તૃતીયાંશ કરતાં ઓછા સભ્યો હોય તો એ પક્ષાંતર કહેવાય અને તેઓ તેમનું સભ્યપદ ગુમાવે. આનો અર્થ એ થયો કે 1985ના સુધારા દ્વારા બંધારણે રાજકીય પક્ષને અને રાજકીય પક્ષના દંડકને માન્યતા આપી. રાજકીય પક્ષ અમુક રીતે જ મત આપવાનો દંડક જાહેર કરે તો દરેક સભ્યે અંતરાત્મા કે બંધારણનિષ્ઠાને બાજુએ મૂકીને પક્ષના આદેશ મુજબ મત આપવાનો. જો કોઈ સભ્ય તેનું ઉલ્લંઘન કરે તો તે સભ્યપદ ગુમાવે પણ જો એક તૃતીયાંશ સભ્ય સાથે મળીને આદેશની અવગણના કરે તો તે પક્ષમાં વિભાજન કહેવાય અને સભ્યપદ કાયમ રહે.

વિભાજન હંમેશાં મતભેદ આધારિત જ હોય એ અનુમાન ખોટું સાબિત થયું. અત્યારે શિવસેનામાં જે વિભાજન થયું છે, એને વિચારધારા સાથે કોઈ સંબંધ નથી. 2019માં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસે મળીને મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો નિર્ણય લીધો, ત્યારે અત્યારે બળવો કરનારા વિધાનસભ્યોના નેતા એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય સેના દ્વારા લેવાઈ ગયો હતો. સાથી પક્ષોને જ્યારે આ નિર્ણયની જાણ કરવામાં આવી, ત્યારે શરદ પવારે કહ્યું હતું કે અન્ય 2 પક્ષના પ્રમાણમાં કદાવર નેતાઓ પ્રધાનમંડળમાં હોય ત્યારે તેમની તુલનામાં મુખ્યપ્રધાનનું કદ નાનું લાગશે.

તેમણે ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનવાનું સૂચન કર્યું હતું. એ સમયે એકનાથ શિંદેને BJP સિવાયના પક્ષો સાથે સરકાર રચવામાં અને મુખ્ય પ્રધાન બનવામાં કોઈ વાંધો નહોતો. જો ત્યારે મુખ્ય પ્રધાન બનવા મળ્યું હોત તો તેમણે અત્યારે બળવો કર્યો પણ ન હોત. અત્યારે શિવસેના BJP સિવાયના કોઈ પક્ષ સાથે યુતિ કરે તેની સામે તેમને વાંધો છે. આ સિવાય 3 વિધાનસભ્યો એવા છે, જેની સામે કેન્દ્ર સરકારે ઇડીના શ્વાન છોડ્યા હતા. ડરીને બચવા માટે તેઓ પક્ષાંતર કરી રહ્યા છે. જેને મતભેદ કે વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી. આમ તેમના બળવાને વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી. હકીકતમાં 1985થી અત્યાર સુધીમાં જેટલી સરકારો તૂટી છે, તેમાંની કોઈ સરકાર વિચારધારાને પરિણામે થયેલા વિભાજનને પરિણામે તૂટી હોય એવું એક પણ ઉદાહરણ યાદ આવતું નથી.  બીજી ધારણા એવી હતી કે એક તૃતીયાંશ સભ્યો એકઠા કરવા એ અઘરું કામ છે.

એટલે અપવાદરૂપે ક્યારેક જ સરકાર તૂટવાની ઘટના બનશે. આ ધારણા પણ ખોટી સાબિત થઈ છે. હવે પક્ષાંતર જથ્થાબંધ થાય છે અને તેને વિભાજન તરીકેની માન્યતા અપાવવા માટે સ્પીકર અને રાજ્યપાલ ભૂંડી ભૂમિકા ભજવે છે. 1985 પછીથી પચાસેક સરકારો આ રીતે જથ્થાબંધ પક્ષાંતર અને સ્પીકર તેમ જ રાજ્યપાલોના ગોરખધંધા દ્વારા તૂટી છે. ઊલટું 1985ના બંધારણીય સુધારા દ્વારા સરકારો તોડવાનું કામ વધારે સહેલું બની ગયું છે. લોકોના પ્રતિનિધિઓને સાગમટે એક જગ્યાએ લઈ જઇને બંદીવાન બનાવવામાં આવે છે અને તેમને એમાં શરમ પણ આવતી નથી.

તો પછી આનો ઉપાય શું?

ઉપાય એક જ છે. સભ્યપદેથી રાજીનામું. એક વ્યક્તિ પક્ષાંતર કરે કે સાગમટે કરે. દરેકે સભ્યપદેથી રાજીનામું આપવાનું અને પાછી ચૂંટણી લડવાની. જે પક્ષના સભ્ય તરીકે તમે ચૂંટણી લડ્યા હતા, એ પક્ષ અત્યારે સ્વીકાર્ય નથી ને? કાંઈ વાંધો નહીં. સભ્યપદેથી રાજીનામું આપો અને જે પક્ષમાં જવું હોય એ પક્ષના ઉમેદવાર તરીકે અથવા અપક્ષ ઉમેદવાર તરીકે ફરી ચૂંટણી લડો. લોકો ચૂંટી આપે તો ઠીક નહીંતર ઘરે બેસો પણ ખરેખર વૈચારિક મતભેદના કારણે પક્ષમાં વિભાજન થાય  તો? વિભાજીત સભ્યોની સંખ્યા પક્ષના નેતાને ટેકો આપનારા સભ્યોની સંખ્યા કરતાં વધારે હોય તો? વધારે નહીં, ઘણી વધારે હોય તો? આવું ક્યારેક બની શકે છે. ફરી ચૂંટણી યોજવી પડે પણ છીંડું રાખવામાં જોખમ છે. આમાં થોડો અન્યાય થઈ રહ્યો છે પણ બીજો ઉપાય નથી. આપણું લોકતંત્ર હજુ પરિપક્વ નથી.

Most Popular

To Top