સુરતઃ શહેરમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી ઠેરઠેર રીડેવલપમેન્ટ અને મેટ્રોની કામગીરી ચાલી રહી છે જેના લીધે અનેક ઠેકાણે રસ્તા સાંકળા થયા છે. વાહન ચાલકો, સ્થાનિક દુકાનદારો અને રહીશો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે ત્યારે સુરત રેલવે સ્ટેશનની હાલત તો સૌથી કફોડી છે. સામાન્ય વ્યક્તિ માટે રેલવે સ્ટેશન સુધી પહોંચવું એ ચક્રવ્યૂહના કોઠાં ભેદવા જેટલું અઘરું થઈ ચૂક્યું છે.
- રી-ડેવલપમેન્ટ અને મેટ્રોના કામના લીધે ઠેરઠેર બેરિકેટ મુકાતા રસ્તા સાંકળા થયા
- દબાણો દૂર ન કરાતા રેલવે સ્ટેશન સુધી પહોંચવું ચક્રવ્યૂહ ભેદવા જેટલું અઘરું થયું
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત રેલવે સ્ટેશનના એન્ટ્રી ગેટ પાસે જ મોટું બેરિકેડ મુકવામાં આવ્યું છે, તેના લીધે અહીં રસ્તો સાંકળો થઈ ગયો છે. માંડ વાહન ચાલકો પોતાના વાહન બેરિકેડ પાસેથી પસાર કરે ત્યાર બાદ એન્ટ્રી પર જ બંને તરફ ચારી અને પાન-સિગારેટના ગલ્લાનું દબાણ હોય છે. જેથી વાહનોને રેલવે સ્ટેશનની અંદર જવું અઘરું બની જાય છે. તેમાંય જ્યારે કોઈ ટેક્સી ચાલક, રિક્ષા ચાલક કે ખાનગી કારના ચાલકો પેસેન્જર ઉતારવા પોતાનું વાહન રોકી દે ત્યારે પાછળ લાંબો જામ લાગી જાય છે.
એન્ટ્રી ગેટની નજીક જ ટ્રાફિક પોલીસ ચોકી હોવા છતાં આ દબાણો દૂર કરવા કે ટ્રાફિક સરળ થાય તે મામલે કોઈ ધ્યાન અપાતું નથી. સુરત રેલવે સ્ટેશન, સુરત મહાનગર પાલિકા અને ટ્રાફિક પોલીસ વચ્ચે સંકલન ન હોવાના લીધે મુશ્કેલીનો સામનો સામાન્ય પ્રજાએ કરવો પડી રહ્યો છે.
પાલિકા કમિશનરને રેલવે સ્ટેશનનું દબાણ દેખાતું નથી?
સુરત મનપાના નવા કમિશનર એમ. નાગરાજન શહેરમાં દબાણ દૂર કરવા અને સ્વચ્છતા અભિયાન છેડ્યું છે. ભટારમાં શાકભાજીવાળાનું દબાણ દૂર કર્યું ત્યારે પ્રશ્ન એ થાય કે શહેરના એન્ટ્રી ગેટ પર જ ઉભા થયેલા લારી-ગલ્લાના દબાણ સુરત મનપા કમિશનરને દેખાતા નથી. હવે જોવું રહ્યું કે સ્ટેશન પરના દબાણ ક્યારે દૂર થાય છે.
રેલવે સ્ટેશન જવા લોકો પ્રાઈવેટ ટેક્સીનો ઉપયોગ કરવા લાગ્યા
સામાન્ય રીતે પહેલાં લોકો રેલવે સ્ટેશન જવા માટે ખાનગી વાહનોનો ઉપયોગ કરતા હતા પરંતુ હવે ભૂલભૂલૈયા જેવી સુરત રેલવે સ્ટેશનની બનેલી સ્થિતિના લીધે લોકો પ્રાઈવેટ ટેક્સી અને રિક્ષાનો ઉપયોગ વધારવા લાગ્યા છે. તેમાંય ઘણીવાર રિક્ષાચાલકો અને ટેક્સી ચાલકોના ઝઘડાનો પેસેન્જરનો ભોગ બને છે. કેટલીક વાર રિક્ષા અને ટેક્સી ચાલકો રેલવે સ્ટેશન બહાર જ પેસેન્જરોને ઉતારી જતા હોય ત્યારે પેસેન્જરોની હાલત કફોડી બને છે.