Dakshin Gujarat

પરીક્ષાની તૈયારી માટે જઈ રહેલી માંડવીની યુવતીને 10 જણ કારમાં ઉપાડી ગયા, પોલીસે કર્યું આ કામ

માંડવી: માંડવીના (Mandvi) રઘીપુરા ગામે રહેતા યુવકની કારને (Car) આંતરી માર મારી તેની ફિયાન્સીનું 10 શખ્સ અપહરણ (Kidnapping) કરી ગયાની ફરિયાદ માંડવી પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવતીને બચાવી મુખ્ય આરોપી સહિત અન્ય પાંચ આરોપીને ગત મોડી સાંજે ઝડપી પાડ્યા હતા. જ્યારે બુધવારે અન્ય ચાર સાગરીતો મળી કુલ 10 આરોપીને જેલભેગા કર્યા હતા. આ અપહરણ કેસમાં પ્રેમિકાએ અન્ય યુવક સાથે સગાઈ કરી લેતાં એ અદાવતમાં પરિણીત પ્રેમીએ તેના 9 સાગરીત સાથે મળી ફિયાન્સીનું અપહરણ કર્યુ હોવાનું કારણ બહાર આવ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડવીના રઘીપુરા ગામે રહેતા અને ખેતી કરતા હેમંત ઉર્ફે મુન્ના ગુરજી ચૌધરી (ઉં.વ.૩૩) તેમની ક્રેટા ગાડી નં.(GJ-19 BA-7166)માં તા.21મીએ સવારે પોણા નવ વાગ્યે ફિયાન્સી સાથે બંને માંડવી ખાતે યુવા ઉપનિષદ એકેડમીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ક્લાસ કરવા માટે આવવા નીકળ્યાં હતાં. એ વખતે રસ્તામાં માંડવીના મોરિઠા ગામના ગોડાઉન ફળિયામાં રહેતા મિતુલ ધનજી ચૌધરી કાર નં.(GJ-16-AJ-9780) લઈ તથા તેની સાથે બીજા 9 સાગરિત કાર અને બાઈક પર આવી તેમને ખોડાંબા ગામની સીમમાં વાંકલથી આંબાપારડી તરફ જતા રોડ ઉપર આવેલા પ્રવીણ ચૌધરીની નાસ્તાની દુકાન પાસે આંતર્યા હતા. મિતુલ અને તેના સાગરિતોએ સ્ટીલનો પાઇપ લઇ હેમંતની ગાડીની તોડફોડ કર્યા બાદ હેમંતને લાકડાના સપાટા માર્યા હતા તથા ફોન અને ગળામાં પહેરેલી ચેઈન લૂંટી લીધી હતી. ત્યાર બાદ તેની ફિયાન્સીનો ફોન છીનવી લઈ માર મારી તેમની કારમાં ઉઠાવી ગયા હતા. માંડવી પોલીસે બપોરે 10 શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધી મોડી રાત્રે યુવતીને બચાવી આરોપી મિતુલ ચૌધરી સાથે તેના અન્ય પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે બુધવારે અન્ય ચાર આરોપીને ઝડપી પાડી જેલભેગા કર્યા હતા. પ્રેમિકાએ અન્ય યુવક સાથે સગાઈ કરી લેતાં અદાવત રાખી પરિણીત પ્રેમીએ 9 સાગરીત સાથે મળી ફિયાન્સીનું અપહરણ કર્યુ હોવાની વિગતો સાંપડી છે.

કોણ કોણ પકડાયું?

  1. મિતુલ ધનજી ચૌધરી 2.પ્રદીપ સવા ચૌધરી 3. નિકુંજ રમણ ચૌધરી 4. પ્રફુલ રાકેશ ચૌધરી 5.સ્નેહલ નશવન ચૌધરી 6.કૃપાલ વિરસિંગ ચૌધરી 7.રવિન્દ્ર નશવાન ચૌધરી 8.સાહિલ નવીન ચૌધરી 9. મિહિર યોગેશ ચૌધરી

Most Popular

To Top