Dakshin Gujarat

નવું સિમ કોની જોડે વાત કરવા લીધું છે… કહી પ્રેમીએ ઝઘડો કર્યો અને પ્રેમિકાએ કર્યું આ કામ

ભરૂચ: ભરૂચની (Bharuch) યુવતીએ પ્રેમી સાથે સંબંધ તોડી નાંખતાં પ્રેમી તેની સગાઇમાં (Engagement) ભંગ પાડી પજવણી કરતો હોવાની યુવતીએ પોલીસમથકે (Police Station) ફરિયાદ નોંધાવી હતી. ભરૂચના માતરિયા તળાવ વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીને દોઢ વર્ષ પહેલાં કરજણના મંજુલા ગામના જિતેન્દ્ર દિલીપ ઠાકુર સાથે વોટ્સએપ પર સંપર્ક થયો હતો. જે બાદ બંને વચ્ચે પ્રેમના અંકુરો ફૂટતાં પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને વચ્ચે અવારનવાર વાતચીત અને મુલાકાત થતી હતી. એ દરમિયાન યુવતીની વલસાડ ખાતે રહેતા સમાજના યુવાન સાથે સગાઈની વાત ચાલતી હતી.

  • ભરૂચમાં યુવતીએ પ્રેમી સાથે સંબંધ તોડી નાંખતાં પ્રેમીએ સગાઈની વાતમાં ભંગ પાડ્યો
  • પજવણી કરતાં આખરે કંટાળી ગયેલી યુવતીએ પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

આ અંગેની જાણ પ્રેમી જિતેન્દ્ર ઠાકુરને થતાં તેણે ગત તા.૬ ઓક્ટોબરે યુવતીના ઘર આગળ આવી નવું સિમ કોના જોડે વાત કરવા લીધું છે. તું મારી છે અને હું તને રાખવાનો છું તેમ કહી અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો અને બીજા દિવસે સગાઈની વાત ચાલતી હતી તે યુવાનનો સંપર્ક કરી સગાઇમાં ભંગ પાડ્યો હતો. આ પ્રેમી અવારનવાર હેરાન નહીં કરે એ માટે અગાઉ અરજીરૂપી ફરિયાદ નોંધાવ્યા બાદ પણ પજવણી કરતાં આખરે કંટાળી ગયેલી યુવતીએ પ્રેમી વિરુદ્ધ ભરૂચ એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.

વિજલપોરમાં બે યુવાને જૂની અદાવતમાં એકને માર્યો
નવસારી : વિજલપોરમાં બે યુવાનોએ જૂની અદાવતમાં એકને માર મારતા મામલો વિજલપોર પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, વિજલપોર હનુમાન મંદિર પાછળ જયશક્તિનગરમાં આકાશ રામવીર કુસવાહા તેમના પરિવાર સાથે રહે છે. આકાશ જયશક્તિનગરમાં રસ્તા ઉપર ઉભો હતો. ત્યારે વિજલપોર રામનગર-2 માં રહેતા શિવમસિંગ તેનો પાણી ભરેલો ટેમ્પો લઈને નીકળતા આકાશને ટેમ્પાની કટ મારી હતી. જેથી આકાશે શિવમસિંગને ટેમ્પો જોઇને ચલાવ તેમ કહેતા શિવમસિંગે આકાશને અપશબ્દો બોલ્યો હતો. અને ત્યાંથી જતો રહ્યો હતો. અડધા કલાક બાદ શિવમસિંગ અને શુભમસિંગ આકાશ પાસે આવી તુ મને ગાળો કેમ આપતો હતો તેમ કહી આકાશ સાથે ઝપાઝપી કરી માર મારવા લાગ્યા હતા. આકશને લાકડાનો ફટકો મારતા તેને ડાબા હાથની હથેળીના ઉપરના ભાગે ફ્રેકચર થયું હતું. આ બાબતે આકાશે વિજલપોર પોલીસ મથકે શિવમસિંગ અને શુભમસિંગ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. એન.ડી. ચૌધરીએ હાથ ધરી છે.

Most Popular

To Top