Charchapatra

કવિ નયન દેસાઇની અલવિદા

ગુજરાતી અને ઉર્દુ સાહિત્ય જગતને પોતાની દમદાર ગઝલો, શાયરી ગીતો, વાર્તાઓથી રળિયાત કરનાર કવિ, ગઝલકાર નયન હ. દેસાઇની ચિર વિદાયથી એક તેજસ્વી તારલો ખરી પડયો છે. ખુબ જ રમુજી અને પ્રેમાળ સ્વભાવના નયનભાઇએ અનેક સુંદર ગઝલ રચના કરીને લોકોના દિલ જીતી લીધા હતા તેઓની ગઝલ રચના મર્મભરી અને સામાન્ય માણસને પણ સમજાય તેવી હતી. મૂળ વાલોડના વતની પરંતુ બાળપણ સિકેર ગામે વિતાવ્યું હતું. આ લખનાર જયારે અવરનવર ગુજરાતમિત્ર કાર્યાલયમાં આવતા ત્યારે નયન દેસાઇ સાથે બેસીને રંગત માણતા હતા. તેઓ છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે પ્રથમ કાવ્ય લખ્યું હતું.

એક સમયના હીરાના કારીગર હતા પરંતુ દિલો દિમાગ કવિનો જીવ હતો, તેઓ ગુજરાતમિત્રમાં પત્રકાર તરીકે જોડાયા હતા. સાહિત્યકાર ભગવતીકુમાર શર્માના સંપર્કમાં આવ્યા અને અનેક મુશાયરા કવિ સંમેલનમાં પોતાની ગઝલો રજુ કરી હતી. તેઓ ગઝલ માટે ખુબ જાણીતા હતા. માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, મુકામ પોસ્ટ માણસ. આંગળી વાઢી અક્ષર મોકલું, ધૂપ કા સાયા (ઉર્દુ) જેવી અનેક ગઝલ રચના આપી હતી. તેમણે વાર્તા નાટકો પણ લખ્યા હતા. ઉત્કૃષ્ટ રચના બદલ તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, મેઘાણી એવોર્ડ, કલાપી એવોર્ડ, જયંત પાઠક સુવર્ણ ચંદ્રક જેવા સન્માનો પ્રાપ્ત થયા હતા. નયનભાઇ હવે હયાત નથી. પ્રથુ તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
તરસાડા   – પ્રવિણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

નારી સશક્તિકરણ
નારી સશક્તિકરણ અને મહિલાની સુરક્ષા વિગેરે કાર્યક્રમો આપણાં પી.એમ અને આપણાં સી.એમ. દ્વારા મોટા પાયે જાહેરાત કરી પાનાઓ ભરી જાહેરાત કરી ઉજવવામાં આવે છે. આ જાહેરાત કેટલી પોકળ છે એ જાણવા જેવું છે. ગુજરાતમાં જ ગૃહમંત્રાલયે જાહેર કરેલ આંકડા અનુસાર છેલ્લાં પાંચ વર્ષોમાં 41798 (18 વર્ષ ઉપરની) મહિલાઓ ગુમ થઈ છે. દરરોજ ચાર દીકરીઓ ગુમ થાય છે અને દરરોજ પાંચ દીકરીઓ પર બળાત્કાર થાય છે. આ આંકડાથી સફાળી જાગેલી ગુ.પોલીસ ઓફિશિયલ આંકડા જાહેર કર્યા કે ફકત 2124 જેટલી જ મહિલાઓ ગુમ થઈ છે. ગાંધીનગરમાં આયોજિત મહિલા સશક્તિકરણ પર જી-20 મંત્રી સ્તરીય પરિષદને સંબોધન કરતાં આપણા પીએમ એ કહ્યું કે જ્યારે સ્ત્રીઓ સમૃદ્ધ થાય છે. ત્યારે વિશ્વ સમૃદ્ધ થાય છે.

આ દેશમાં મણિપુર બે સ્ત્રીઓને નવસ્ત્ર કરી રેલી કાઢી જાહેરમાં ફેરવવામાં આવે. સુરત-દિલ્હી જેવા શહેરોમાં મહિલાઓની જાહેર રસ્તા ઉપર કત્લ કરવામાં આવે. આજે પણ ઘણી કચેરીઓમાં સ્ત્રીઓને સવારે 10થી રાત્રે 12 વાગ્યા સુધી સરકારી કચેરીમાં કામ કરવા ફરજ પાડવામાં આવે. ભીલવાડામાં સ્ત્રી પર બળત્કાર કરી ભઠ્ઠીમાં નાંખી સળગાવવામાં આવે. સ્ત્રીઓની છેડતી કરતાં ભાજપી નેતાને સસ્પેંન્ડ કરવામાં આવે અને થોડા સમય બાદ જાહેર કાર્યક્રમ યોજી ભાજપમાં ફરી સમાવવામાં આવે. શું આવા બધા પ્રસંગોથી એ જ ફલિત થાય છે કે આ સરકાર કામ કરવા કે પ્રજાનાં રક્ષણ કરવા બંધાયેલ નથી. બંધારણ મુજબ સરકારની ફરજ છે કે જાહેર જનતાની સુરક્ષા કરવાની પરંતુ આ ભાજપી સરકાર ને તો કશું પણ લાગતું-વળગતું ન હોય એમ વર્તી રહી છે. શું સુપ્રીમકોર્ટ પણ આ સરકારનાં કાન પકડાવી ન શકે?
નવસારી – એન. ગરાસીયા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top