Gujarat Main

સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા 200 કરોડના ખર્ચે નિર્માણ પામનાર હોસ્ટેલનું વડાપ્રધાને વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું, આ આપ્યો મંત્ર

સુરત: આજે દશેરાના શુભઅવસરે શુક્રવારે સવારે 11 કલાકે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા રૂપિયા 200 કરોડના ખર્ચે નિર્માણ પામનારા બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. (PM virtually conducted the Ground Breaking ceremony of the hostel to be constructed by the Saurashtra Patel Samaj at a cost of Rs.200 crore) આ પ્રસંગે હાજરી આપવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર સુરત પધાર્યા હતા. સુરતના સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ કાનજી ભાલાળાએ મહેમાનોને આવકારતા કહ્યું કે, સુરતમાં એક ઉચ્ચસ્તરીય હોસ્ટેલનું નિર્માણ થાય તે સમાજનું સપનું છે. ભાલાળાએ કહ્યું કે, ગુજરાતના યુવાનોને CA, CS, CMA, GPSC, UPSC તથા બેન્કીંગ અને સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી માટે વાતાવરણ મળી રહે તેવો સમાજનો ઉદ્દેશ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર સમાજના પ્રયાસોને બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા આજે શિક્ષાક્ષેત્રમાં કરવામાં આવેલી આ પહેલ સરાહનીય છે. આજે સ્ટેજ 1 હોસ્ટેલનું ભૂમિપૂજન થયું છે. વર્ષ 2024 સુધીમાં બંને ફેઝનું કામ પૂરૂં કરવાનું લક્ષ્ય સમાજે રાખ્યું છે. આ હોસ્ટેલના નિર્માણ બાદ ગુજરાતના સંખ્યાબંધ યુવાનો, દીકરા-દીકરીઓને નવી દિશા મળશે. સપના સાકાર કરવાનો અવસર મળશે. હું આ પ્રયાસોના લીધે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને ખાસ કરીને પ્રમુખ કાનજી ભાલાળા અને તેમની ટીમને ખૂબ અભિનંદન આપું છું. મને આનંદ છે કે સેવાના આ કાર્યમાં સમાજના દરેક વર્ગને સાથે રાખવાની ચેષ્ટા છે.

વડાપ્રધાને વર્ચ્યુઅલી હોસ્ટેલનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હવે શિક્ષણનો અર્થ ડિગ્રી સુધી સીમિત નથી. હવે શિક્ષણને સ્કીલ સાથે જોડવામાં આવે છે. ગ્રામીણ યુવાનો પણ ભાષાના લીધે હવે શિક્ષણથી વંચિત રહી નહીં જાય. સ્કીલનો શું અર્થ હોય છે તેને સૌરાષ્ટ્ર સમાજથી વધુ કોઈ સમજી શકે નહીં. તમારા પૈકી ઘણા લોકો સૌરાષ્ટ્રથી ગામ, પરિવાર છોડી હીરા ઘસવા માટે સુરત આવ્યા હતા. નાનકડા રૂમમાં 8-10 લોકો રહેતા હતા. એ તમારી સ્કીલ હતી કે તમે આટલી ઊંચાઈ પર પહોંચ્યા છે. કાનજીભાઈ સ્વંયમાં એક ઉદાહરણ છે. ઉંમરની ચિંતા કર્યા વિના તે ભણતા જ રહ્યાં. નવું નવું કૌશલ્ય ઉમેરતા જ ગયા. શિક્ષણ અને સ્કીલ સાથે રાખી નવા ભારતનો પાયો રાખો. સ્ટાર્ટ અપ ઈન્ડિયાનું ઉદાહરણ આપતા કહ્યું આજે ભારતના સ્ટાર્ટઅપ પુરા વિશ્વમાં ડંકો વગાડી રહ્યો છે.

મને ગર્વ થાય છે કે ગુજરાત કઈ રીતે સરદાર પટેલની વિરાસતને આગળ વધારી રહ્યું છે. સરદાર પટેલે કહ્યું હતું જાતિ અને પ્રાંતને આપણે રૂકાવટ બનવા દેવાના નથી. આપણે બધા જ ભારતના દીકરા-દીકરીઓ છે. આપણે બધાએ દેશને પ્રેમ કરવો જોઈએ. પરસ્પર સ્નેહ અને સહયોગથી ભવિષ્ય બનાવવું જોઈએ. સરદારની ભાવનાઓને ગુજરાતે હંમેશા મજબૂતી આપી છે. ભગવાન રામના આશીર્વાદ અને અનુસરણથી અવિદ્યા, અંધકાર અને અજ્ઞાન મટી જાય છે. જે પણ નકારાત્મક શક્તિ છે તે હારી જાય છે. ભગવાન રામનું અનુસરણનો અર્થ છે માનવતાનું અનુસરણ, જ્ઞાનનું અનુસરણ. એટલે જ મહાત્મા ગાંધીજીએ ગુજરાતની ધરતી પરથી રામરાજ્યની સંકલ્પના કરી હતી. મને આનંદ છે કે ગુજરાતના લોકો તે મૂલ્યોને મજબૂતીથી આગળ વધારી રહ્યાં છે.

પટેલ સમાજ ગુજરાતનો સૌથી શક્તિશાળી સમાજ બન્યો છે: મુખ્યમંત્રી

આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પટેલ સમાજના ઈતિહાસમાં પ્રથમવાર સુરતમાં રૂપિયા 200 કરોડના ખર્ચે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલનું આજે દશેરાના શુભ દિવસે ભૂમિપૂજન થઈ રહ્યું છે. શિક્ષણ એ વિકાસનો મુખ્ય આધાર છે. આજની યુવા પેઢી વિશ્વકક્ષાનું જ્ઞાન મેળવે તેનો સંકલ્પ વડાપ્રધાને કર્યો છે. આ કામગીરીમાં સમાજશક્તિ પણ જોડાઈ છે તે સોનામાં સુગંધ ભળે તેવું છે. સરદાર ધામ અને કેળવણી ધામ પછી આ સરદાર હોસ્ટેલ ભગીરથ કાર્ય છે. સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસનું સૂત્ર પટેલ સમાજે સાકાર કર્યો છે. પટેલ સમાજ ગુજરાતનો સૌથી શક્તિશાળી સમાજ બન્યો છે.

આ અગાઉ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા હોસ્ટેલના ખાતમુહૂર્તનો કાર્યક્રમ શરૂ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલી વાર સુરત પધાર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 11.03 કલાકે વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રાજ્ય રેલવે મંત્રી દર્શના જરદોશ, પુરુષોત્તમ રૂપાલા ઉપરાંત રાજ્ય સરકારના મંત્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. સુરતમાં વિશેષ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનું નિર્માણ કાર્ય સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, તે હોસ્ટેલનું આજે વડાપ્રધાનની વર્ચ્યુઅલ હાજરીમાં ભૂમિપૂજન કરાયું હતું. રૂપિયા 200 કરોડના ખર્ચે સાકાર થનાર આ હોસ્ટેલ પટેલ સમાજનું સપનું છે. આ હોસ્ટેલમાં ભણીને તૈયાર થતાં 5000 યુવાનોને રોજગારી મળશે એવું સૌરાષ્ટ્ર પટેલ સમાજ સુરતના પ્રમુખ કાનજી ભાલાળાએ જણાવ્યું હતું.

કોરોના મહામારી બાદ ભારતનું અર્થતંત્ર ઝડપથી પાટે ચઢી રહ્યું છે

વડાપ્રધાને કહ્યું કે, દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા ભારત બનવા જઈ રહ્યું છે. કોરોના બાદ ખૂબ જ ઝડપથી ભારતનું અર્થતંત્ર ફરી પાટે ચઢી રહ્યું છે, તેથી વિશ્વ ભારત પર આશાભરી નજરે જોઈ રહ્યું છે.

ભૂપેન્દ્ર પટેલ ઓછું બોલે છે પરંતુ કામમાં ઉણપ આવવા દેતા નથી: વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ આજે પહેલીવાર મને ગુજરાતના લોકોને સંબોધન કરવાની તક મળી છે. હું ભૂપેન્દ્ર પટેલને 25 વર્ષ કરતા વધુ સમયથી ઓળખું છું. તે જમીન સાથે જોડાયા છે પરંતુ ટેક્નોલોજીના પણ જાણકાર છે. અલગ અલગ સ્તર પર કામ કરવાનો તેમનો અનભુવ ગુજરાતના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ભૂપેન્દ્રભાઈ ઓછું બોલે છે પરંતુ કામમાં ઉણપ આવવા દેતા નથી. તેમને 25 વર્ષનો વહીવટનો અનુભવ છે.

તમારા આશીર્વાદના લીધે જ 20 વર્ષથી રાષ્ટ્રની સેવા કરી શક્યો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મારા જેવા સામાન્ય વ્યક્તિ જેની પાસે પારિવારિક, રાજનૈતિક બેકગ્રાઉન્ડ નહોતો તેવા વ્યક્તિને ગુજરાતની સેવા કરવાની તક 2001માં આપી હતી. તમારા આશીર્વાદની તાકાત એટલી મોટી છે કે 20 વર્ષથી વધુ સમય થયો તો પણ પહેલાં ગુજરાત અને હવે પુરા દેશની સેવા કરવાનો મોકો મળ્યો છે. સબકા સાથ, સબકા વિકાસનું સામર્થ્ય શું હોય છે તે મેં ગુજરાતથી જ શીખ્યો છું. એક સમયે ગુજરાતમાં સારી શાળા, સારા શિક્ષકોની ઘટ હતી. ઉમિયા માતાના આર્શીવાદથી ખોડલધામના દર્શન કરીને આ સમસ્યાના નિવારણ માટે મેં લોકોનો સાથ માંગ્યો અને લોકો સાથે જોડાયા. ગુજરાતે આ પરિસ્થિતિ બદલવા પ્રવેશોત્સવ શરૂ કર્યો હતો. સાક્ષરદીપ અને ગુણોત્સવ શરૂ કરાયા હતા.

સુરતના સૌરાષ્ટ્ર સમાજના લીધે આખાય રાજ્યમાં બેટી બચાવ અભિયાન ચાલ્યું હતું

ગુજરાતમાં કન્યાઓના ડ્રોપઆઉટની સમસ્યા હતી. સામાજિક અને વ્યવહારિક કારણોના લીધે કન્યાઓ ભણી શકતી નહોતી. સ્કૂલોમાં કન્યાઓ માટે શૌચાલય જ નહોતા. આ સમસ્યાના નિવારણ માટે ગુજરાતે પંચશક્તિથી પ્રેરણા મેળવી. એટલે જ્ઞાનશક્તિ, જનશક્તિ, જલશક્તિ, ઉર્જાશક્તિ અને રક્ષાશક્તિ. સ્કૂલોમાં કન્યાઓ માટે શૌચાલય બનાવ્યા. આવા અનેક પ્રયાસોનું પરિણામ એ મળ્યું કે શિક્ષણ સ્તર સુધરવા સાથે ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો. આજે મને આનંદ છે કે કન્યાઓના શિક્ષણ, ભવિષ્ય માટે સતત પ્રયાસ થઈ રહ્યાં છે. સુરતથી તમે બેટી બચાવ અભિયાન પુરા ગુજરાતમાં ચલાવ્યું હતું. સૌરાષ્ટ્ર પટેલ સમાજના કાર્યક્રમમાં આવતો હતો ત્યારે કડવી વાત કરતો હતો. તમે નારાજ થાવ તો પણ હું કહેતો હતો કે બેટીને બચાવો. મને સંતોષ છે કે તમે બધાએ મારી વાતને સ્વીકારી. સુરતથી તમે યાત્રા કાઢી. ગુજરાતના દરેક ખૂણામાં, દરેક સમાજમાં તમે શપથ લેવડાવી. મને પણ તમારા આ મહાપ્રયાસમાં મને જોડવાની તક આપી હતી. અંતે સેવાથી સિદ્ધિનો મંત્ર આપતા વડાપ્રધાને કહ્યું યુવા પેઢી સમાજ અને દેશ માટે કામ કરતા થાય તેવો ગુજરાતની પ્રજા સંકલ્પ લે. સૌરાષ્ટ્ર સમાજ તેમાં પોતાનું યોગદાન આપે.

સૌરાષ્ટ્ર સમાજનું સપનું છે આ હોસ્ટેલ: કાનજી ભાલાળા, પ્રમુખ સૌરાષ્ટ્ર સમાજ સુરત

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બાંધવામાં આવેલા હોસ્ટેલ ફેઝ-1(બોયઝ હોસ્ટેલ)નું ભૂમિપૂજન કરશે. છાત્રાલય ભવનમાં આશરે 1500 વિદ્યાર્થીઓ માટે રહેણાક સુવિધાઓ છે. તેમાં ઓડિટોરિયમ અને વિદ્યાર્થીઓ માટે સમર્પિત પુસ્તકાલય પણ છે. આશરે 500 છોકરીને રહેવા માટે હોસ્ટેલ ફેઝ-2નું નિર્માણ આગામી વર્ષથી શરૂ થશે. જેના દ્વારા આ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ 1983માં સ્થપાયેલું રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે. જેનો મુખ્ય ઉદ્દેશ સમાજના નબળા વર્ગોનું શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન છે. તે વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવામાં મદદ કરે છે અને તેમને ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્ય વિકાસ માટેનો મંચ પણ પૂરો પાડે છે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.

  • 5500 ચો.વાર જમીનમાં 70 કરોડના ખર્ચે પ્રથમ ફેઝમાં હોસ્ટેલ બનશે
  • સીએસ, સીએસ અને સીએમએ, જીપીએસએસી, યુપીએસસી, બેન્કીંગ સરકારી નોકરીની તૈયારી માટે હોસ્ટેલમાં તૈયાર થશે.
  • 1000 વિદ્યાર્થી માટે ઈ-લાઈબ્રેરી, વાંચનાલય 100 વ્યક્તિ રહી શકે તેવું અતિથિ ભવન
  • 500 બેઠકવાળું કેશુભાઈઓડીટોરીયમ
  • 31 ફૂટની સરદાર પટેલની પ્રતિમા
  • બીજો ફેઝમાં 2500 ચો.વાર જમીનમાં 500 બહેનો માટે હોસ્ટેલ, 1000 દીકરીઓ માટે વાંચનાલય
  • રોજગારલક્ષી તાલીમ, નારીશક્તિ કેન્દ્ર, 500 કોમ્પ્યૂટરની લેબ
  • સરદાર સાહેબની દીકરી મણીબેન પટેલની પ્રતિમા મુકાશે

છેલ્લાં 100 વર્ષમાં શિક્ષણક્ષેત્રે યોગદાન આપનારા ગુજરાતી વીરલાઓને વડાપ્રધાને યાદ કર્યા

આજના દિવસે વડાપ્રધાને છેલ્લાં 100 વર્ષમાં ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનાર વિરલ વિભૂતીઓને યાદ કરી હતી. તેમણે કહ્યું કે, શિક્ષા ક્ષેત્રમાં ગુજરાતમાં એવા વ્યક્તિત્વ થયા છે જેઓએ શિક્ષણ ક્ષેત્રને મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. સૌપ્રથમ ઉત્તર ગુજરાતના છગનભા ને વડાપ્રધાને યાદ કર્યા હતા. તેમણે કહ્યું છગન ભા શિક્ષા જ સશક્ત સમાજનું માધ્યમ છે તેવું દ્રઢ માનતા હતા. 102 વર્ષ પહેલાં કડીમાં સર્વવિદ્યાલય કેળવણી મંડળની છગન ભાએ સ્થાપના કરી હતી. તેમનું જીવનમંત્ર હતું કર ભલા હોગા ભલા. 1929માં ગાંધીજી છગનભાના મંડળમાં ગયા હતા ત્યારે તેઓએ કહ્યું હતું કે છગન ભા ખૂબ મોટું સેવાકાર્ય કરી રહ્યાં છે. બાળકોને ભણવા છગનભાના ટ્રસ્ટમાં મોકલવા ગાંધીજીએ અપીલ કરી હતી.

ભાઈ કાકાને પણ યાદ કર્યા. ભાઈ કાકાએ આણંદ અને ખેડાના આસપાસના વિસ્તારમાં શિક્ષાક્ષેત્રને મજબૂત બનાવવાનું કાર્ય કર્યું હતું. પોતે એન્જિનિયરની નોકરી કરતા ભાઈકાકા સરદારની વાત સાંભળી અમદાવાદ મનપામાં કામ કરવા આવી ગયા હતા. બાદમાં આણંદમાં ચરોતર એજ્યુકેશન ટ્રસ્ટ ચરોતર વિદ્યામંડળનું કામ સંભાળ્યું હતું. તે સમયે ભાઈકાકાએ ગ્રામીણ યુનિવર્સિટીનું સપનું જોયું હતું. આ જ પ્રેરણાથી સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવસિર્ટીમાં મહત્ત્વની ભૂમીકા ભજવી હતી. આ ઉપરાંત ભીખાકાકાને પણ યાદ કર્યા. વલ્લભ વિદ્યાનગર વિશે વડાપ્રધાને કહ્યું કે, તેને એટલે વિકસિત કરવામાં આવી કે જેથી ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષાનો પ્રસાર થાય. વલ્લભ વિદ્યાનગર સાથે સિવિલ સેવાના દિગ્ગજ અધિકારી એચ.એમ. પટેલ પણ જોડાયા હતા. ત્યાર બાદ તે જનતા પાર્ટીમાં નાણામંત્રી પણ બન્યા હતા. સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોહનલાલ લાલજી પટેલ ઉર્ફે મૌલા પટેલ. મોહન વિરજી પટેલ 100 વર્ષપહેલાં પટેલ છાત્રાવાસ શરૂ કર્યું હતું. જામનગરમાં કેશવજી અરજી વિરાણી, કરસન બેચર વિરાણીએ દાયકાઓ પહેલાં કન્યાઓને શિક્ષીત કરવા સ્કૂલ, છાત્રાલય બનાવ્યા હતા. સાકરજી પટેલ, ગણપત પટેલના પ્રયાસોને યાદ કરાવ્યા હતા.

Most Popular

To Top