Madhya Gujarat

મોબાઈલમાં ગેમ રમવા મુદ્દે કિશોરે ભાઈની હત્યા કરી કૂવામાં નાંખી દીધો

નડિયાદ: ખેડા તાલુકાના ગોબલજ ગામની સીમમાં રહેતાં રાજસ્થાની પરિવારના ૧૬ વર્ષીય કિશોરે મોબાઈલમાં ગેમ રમવા મુદ્દે થયેલી તકરારમાં ૧૨ વર્ષીય પિતરાઈ ભાઈ ઉપર પથ્થર વડે હુમલો કરી, તેના હાથ-પગ બાંધી કુવામાં ફેંકી હત્યા કરી હતી. આ મામલે ખેડા ટાઉન પોલીસે ભાઈની હત્યા કરનાર ૧૬ વર્ષીય કિશોર સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ખેડા તાલુકાના ગોબલજ ગામની સીમમાંઆવેલ પીક એન્ટરપ્રાઈઝ પ્રા.લિમીટેડ કંપની પાસે બે રાજસ્થાની ભાઈઓ પોતાના પરિવાર સાથે સંપીને રહે છે.

જે પૈકી જીતમલ જીથરા દામસાથનો ૧૨ વર્ષીય પુત્ર વિઝેશ અને ૧૬ વર્ષીય ભત્રીજો ગત તારીખ ૨૨-૫-૨૨ ના રોજ સાંજના સમયે પાણી-પુરી ખાવા જવાનું કહી ઘરેથી નીકળ્યાં હતાં. જે બાદ આ બંને પિતરાઈભાઈઓ ગામની સીમમાં આવેલ એન.જી.એમ ૧૧૬ વેલ નજીક મોબાઈલમાં ગેમ રમવા બેઠાં હતાં.બંને વચ્ચે એક જ મોબાઈલ હોવાથી તેઓ વારાફરતી મોબાઈલમાં ફ્રી-ફાયર ગેમ રમી રહ્યાં હતાં. દરમિયાન ૧૬ વર્ષીય કિશોરનો ગેમ રમવાનો વારો આવતાં તેણે વિઝેશ પાસે મોબાઈલ માંગ્યો હતો. જોકે, ગેમ રમવાની લતમાં મગ્ન બનેલો વિઝેશે મોબાઈલ આપતો ન હોવાથી બંને વચ્ચે ચકમક ઝરી હતી. જે દરમિયાન ઉશ્કેરાયેલાં ૧૬ વર્ષીય કિશોરે તેનાથી ચાર વર્ષ નાના પિતરાઈભાઈ વિઝેશના માથામાં પથ્થર ફટકારી દીધો હતો.

આ હુમલામાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચવાથી વિઝેશ જમીન પર પટકાઈને બેભાન થઈ ગયો હતો. તે વખતે ૧૬ વર્ષીય કિશોરે તાર વડે વિઝેશના હાથ-પગ બાંધી દીધાં હતાં. તેમજ તેના શરીર ઉપર વજનદાર પથ્થર પણ બાંધી દીધો હતો. જે બાદ વિઝેશને નજીકમાં આવેલ હવળ કુવામાં ફેંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ ૧૬ વર્ષીય કિશોર તેના વતન રાજસ્થાન ભાગી ગયો હતો. બીજી બાજુ મોડી સાંજ સુધી વિઝેશ ઘરે પરત ન ફરતાં તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. ઘણી શોધખોળ બાદ પણ વિઝેશનો કોઈ પત્તો ન લાગતાં આખરે પરિવારજનોએ ખેડા ટાઉન પોલીસમથકમાં ગુમ જાણવાજોગ ફરીયાદ આપી હતી.

વિઝેશ સાથે પાણી-પુરી ખાવા ગયેલાં તેના પિતરાઈભાઈને રાજસ્થાનથી લઈ આવી તેની પુછપરછ હાથ ધરી હતી. જેમાં તે ભાંગી પડ્યો હતો અને તેણે મોબાઈલમાં ગેમ રમવા મુદ્દે વિઝેશની હત્યા કરી હોવાની સમગ્ર હકીકત જણાવી હતી. જેથી વિઝેશના પરિવારજનો તાત્કાલિક કુવા પાસે પહોંચ્યાં હતાં. જ્યાં કુવાની પાણીમાં વિઝેશના પગ દેખાતાં હોવાથી તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે આવી પહોંચેલી પોલીસે વિઝેશની લાશને કુવાના પાણીમાંથી બહાર કઢાવી પી.એમ અર્થે મોકલી આપી હતી. આ મામલે પોલીસે વિઝેશની હત્યા કરનાર તેના ૧૬ વર્ષીય કિશોર સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ફ્રી-ફાયર અને પબજી જેવી ગેમ રમતાં બાળકો નિર્દયી બની રહ્યાં છે
ડિજીટલ યુગમાં હવે દરેક વ્યક્તિ મોબાઈલથી સજ્જ બન્યો છે. ત્યારે મધ્યમ તેમજ શ્રીમંત પરિવારમાં નાના બાળકોને પણ અલગથી મોબાઈલ આપવામાં આવે છે. આવા કિશોર વયના બાળકો મોબાઈલમાં પબજી તેમજ ફ્રી-ફાયર જેવી ગેમના રવાડે ચઢી જતાં હોય છે. હથિયારો વડે દુશ્મનોને મારવાના ટાસ્કવાળી આવી ગેમો રમીને બાળકો નિર્દયી બની રહ્યાં હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યાં છે.

Most Popular

To Top