Dakshin Gujarat

સુરતના માંડવીમાં રોજનાં 90 લાખ તલની હરાજી, મહારાષ્ટ્રથી વેચાણ માટે આવે છે ખેડૂતો

માંડવી: માંડવી(Mandvi) એપીએમસી(APMC)માં મગફળી(Peanuts), ડાંગર(rice), મગ(Mung bean), અડદ(Vigna mungo ) અને શાકભાજી(Vegetable)નું ખરીદ(buy)-વેચાણ(Sell) કરવામાં આવે છે. પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી તલ (Sesame) ના વેચાણમાં પણ માંડવી એપીએમસીએ વિશ્વસનીયતા ઊભી કરી છે. જેને કારણે નર્મદા જિલ્લાના સહિત છેક મહારાષ્ટ્રથી તલના વેચાણ માટે ખેડૂતો આવે છે. હાલ રોજિંદા ૯૦ લાખથી વધુના તલની જાહેરમાં હરાજી થાય છે. જેના થકી માંડવી એપીએમસીને રોજિંદા ૭૦ હજારની આવક થાય છે અને હાલમાં પણ હજી ચાલુ છે. આ હરાજી આગામી દસ દિવસ હજુ યોજાશે.

  • માંડવી એપીએમસીમાં તલની બમ્પર આવક, રોજિંદા ૯૦ લાખના તલની હરાજી
  • માંડવી એપીએમસીની વિશ્વસનીયતાને કારણે છેક માંડવી તાલુકામાંથી રોજના ૧૫ ટન તલની આવક
  • હરાજીમાં 100 રૂપિયાની ખરીદી પર 70 પૈસા દીઠ માંડવી એપીએમસીને શેષની રોજિંદી આવક 70,000, હજુ દસ દિવસ સુધી આવક ચાલુ રહેશે

સહકારી ક્ષેત્રે અગ્રણી સુરત જિલ્લાની માંડવી એપીએમસી શાકભાજી, મગફળી, ડાંગર, મગ, અડદ, તલ સહિત વિવિધ પાકનું ખરીદ-વેચાણ કરે છે, જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ તલનું વેચાણ એકમાત્ર માંડવી એપીએમસી કરે છે. છેલ્લા દસ દિવસથી રોજિંદા ૭૦થી ૭૫ ટન તલ માંડવી એપીએમસીમાં ઠલવાઈ રહ્યાં છે. એટલે કે, રોજના અંદાજિત ૯૦ લાખનું વેચાણ રોજિંદું થાય છે. હાલમાં માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિત નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, તાપી જિલ્લાના કુકરમુંડા સહિત છેક મહારાષ્ટ્રના નવાપુર અને અક્કલકૂવાથી તલ વેચવા માટે ખેડૂતો મોડી રાતથી જ વાહનો લઇ કતાર લગાવી રહ્યા છે.

હજુ ૧૦ દિવસ હરાજી ચાલશે
મહારાષ્ટ્રમાંથી રોજની ૬૦ ટન અને માંડવી તાલુકામાંથી રોજની ૧૫ ટન જેટલી આવક હાલમાં આવી રહી છે. માંડવી એપીએમસીના કુનેહ વહીવટને કારણે ખેડૂતોને જાહેર હરાજી દરમિયાન સ્થળ પર જ પેમેન્ટ મળી જાય છે. જેને કારણે ખેડૂતોમાં એપીએમસી પ્રત્યે વિશ્વસનીયતા વધી છે. તલનો ભાવ રોજિંદા અલગ અલગ હોય છે. ગુરુવારે એક મણ કાળા તલનો ભાવ ૨૩૫૦ અને સફેદ તલનો ભાવ ૧૯૫૦ રૂપિયા બોલાયો હતો. હરાજી દરમિયાન વેપારી જે ખરીદી કરે એના ૧૦૦ રૂપિયા દીઠ ૭૦ પૈસા માંડવી એપીએમસીને શેષ આવક થાય છે અને દિવસ દરમિયાન માંડવી એપીએમસીને કુલ ૭૦ હજારની આવક થાય છે. હજુ આ હરાજી વધુ દસ દિવસ સુધી ચાલશે.

માંડવી તાલુકામાંથી રોજના ૧૫ ટન તલની આવક
માંડવી તાલુકામાં શેરડી, શાકભાજી અને કઠોળના પાક વધુ લેવાય છે. પરંતુ છેલ્લા બે દાયકામાં તલની ખેતી પણ વધુ પ્રમાણમાં થઈ રહી છે. સુરત જિલ્લામાં માંડવી તાલુકો ધીમે ધીમે તલની ખેતીમાં આગળ વધી રહ્યો છે. હાલમાં માંડવી એપીએમસીમાં માંડવી તાલુકામાંથી જ રોજિંદા ૧૫ ટન તલ ઠલવાઈ રહ્યાં છે. જેના થકી ખેડૂતોને ૧૨ લાખની આવક થાય છે. હાલ ચોમાસાની સિઝન નજીક હોવાથી ખેડૂતો માંડવી એપીએમસી ખાતે ઊમટી રહ્યા છે. જેને કારણે હજુ આગામી દસ દિવસ સુધીમાં સારી એવી આવક થશે એવો અંદાજ છે.

ખેડૂતો ભૂખ્યા ન રહે એ માટે ભોજનની વ્યવસ્થા
આ બાબતે માનવી એપીએમસીના ચેરમેન જશવંતભાઈ દામાભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં માંડવી એપીએમસી સૌથી વધુ તલનું વેચાણ કરે છે. અને મહારાષ્ટ્રના ૩૦૦ કિલોમીટર દૂર વિસ્તારમાંથી પણ ખેડૂતો અહીં તલ વેચવા માટે આવે છે. માંડવી એપીએમસીમાં ખેડૂતોને સારો ભાવ મળી રહે છે. રોજિંદા ૨૦૦થી ૩૦૦ ખેડૂતો તલનું વેચાણ કરવા અહીં આવે છે. જેના માટે અહીં ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કોઈ ખેડૂત ભૂખ્યો ન જાય એ માટે અમે પ્રીતિ ભોજનનું નિઃશુલ્ક આયોજન કરીએ છીએ. ખેડૂતોનું હિત જ અમારા માટે સર્વોપરી છે.

Most Popular

To Top