Dakshin Gujarat

બાબેનની મહિલાએ નકલી ડેપ્યુટી કલેક્ટરનો સ્વાંગ રચી માંડવીના ખેડૂતને છેતર્યો

સુરત(Surat) : નકલી પોલીસ અને નકલી કલેક્ટર પકડાયા હોવાનું તો સાંભળ્યું હતું હવે નકલી ડેપ્યુટી કલેક્ટર (BogusDeputyCollector) પકડાઈ છે. સુરત જિલ્લાના માંડવીના (Mandvi) એક ખેડૂતને (Farmer) પોતે ડેપ્યુટી કલેક્ટર છે તેવી ઓળખ આપીને રૂપિયા 22 લાખ પડાવવાનાર ઠગ (Fraud) મહિલાને માંડવી પોલીસે ઝડપી (Arrest) પાડી છે.

  • નેહા પટેલ પોટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ કામ કરતી હોવાનું જણાવી વિકાસના કામોનું ટેન્ડર ભરી કમાણી કરવા લાલચ આપી હતી
  • રોકાણ કરેલા રૂપિયા કમિશન સાથે ખેડૂતને મળી જશે તેવી લાલચ આપી હતી
  • ટેન્ડર પેટે 22.28 લાખની છેતરપિંડી કરતા માંડવી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
  • માંડવી પોલીસે આરોપી નેહા પટેલની કરી ધરપકડ

આ મહિલા બારડોલીના બાબેન ગામની નેહા પટેલ હોવાની વિગતો સાંપડી છે. પોતે કેવિડયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે વિવિધ કામોના ટેન્ડર માટે રૂપિયાનું રોકાણ કરાવી માંડવીના તારાપુરના ખેડૂત સાથે 22 લાખની છેતરપિંડી કરી હતી.
સુરત જિલ્લામાં બોગસ ડેપ્યુટી કલેક્ટર બનીને ફરતી ઠગ નેહા પટેલ ઝડપાઈ છે. નેહા પટેલે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર માંડવીના તારાપુર ગામના ખેડૂત સાથે છેતરપિંડી કરી હોવાની વિગતો બહાર આવી છે.

ખેડૂત રામુભાઈ દેવજીભાઈ ચૌધરીએ ફુલવાડી મેલડી માતાનું મંદિર બનાવ્યું છે. ત્યાં 2016માં ખેડૂતે લોકડાયરો રાખ્યો હતો. તે ડાયરા દરમિયાન નયનાબહેન નામની મહિલા સાથે આવેલી નેહા પટેલનો સંપર્ક થયો હતો. ત્યાર બાદ નયનાબહેન સાથે નેહા પટેલ એક દિવસ ખેડૂત રામુભાઈના ઘરે પહોંચી હતી.

રામુભાઈ સમક્ષ મોટી મોટી વાતો કરી પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાની ઓળખ આપી હતી. પોતે સ્ટેચ્યુ ઓફ યુનિટિ તરફ કામ કરે છે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટિના વિકાસ માટે તેમજ જમીન સંપાદનનું કામ કરતી હોવાની વાતો કરી હતી. એ વિકાસ કામોનું ટેન્ડર ભરી કમાણી કરવા ખેડૂતને લાલચ આપી હતી. ટેન્ડરમાં રોકાણ કરેલી રકમ કમિશન સાથે પરત મળી જશે એવી ખાતરી પણ આપી હતી.

નેહા પટેલની વાત માની ખેડૂત રામુ ચૌધરીએ ટુકડે ટુકડે 22.28 લાખ તેને આપ્યા હતા. બાદમાં કમિશન તેમજ મૂળ રકમ નેહાએ ખેડૂતને પરત આપી નહોતી. નેહા ગોળ ગોળ જવાબ આપતી હોવાથી તે બોગસ હોવાની આશંકા ખેડૂતને થઈ હતી, તેથી તેઓએ માંડવી પોલીસને ફરિયાદ કરી હતી. માંડવી પોલીસે ગણતરીના કલાકોમાં ઠગ ડેપ્યુટી કલેક્ટર નેહા પટેલની અટકાયત કરી હતી.

Most Popular

To Top