Madhya Gujarat

ફતેપુરામાં વાહન ચાલકો કાળા બજારમાં પેટ્રોલ-ડીઝલની ખરીદી કરવા મજબૂર

સુખસર : ફતેપુરા તાલુકામાં છેલ્લા એક માસ ઉપરાંતથી પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ-ડીઝલ નહીં હોવાના પેટ્રોલ પંપો ઉપર પાટિયા ઝુલતાં નજરે પડે છે. જેથી ફતેપુરા તાલુકાના મોટાભાગના વાહનચાલકો ઝાલોદ,સંતરામપુર કે અન્ય સ્થળે આવેલા પેટ્રોલ પંપો ઉપર ડીઝલ-પેટ્રોલ પુરાવવા માટે જવા મજબુર બની રહ્યા છે.બીજી બાજુ નાની-મોટી દુકાનો ગલ્લા ઉપર તેમજ પેટ્રોલ-ડીઝલ વીનાના પેટ્રોલ પંપોની આસપાસમાં કેટલાક લોકો ડબલા ઓમા ભરી મોંઘા ભાવે પેટ્રોલ વેચાણ કરતા હોવાનું નજરે જોતા જોવા મળે છે.ત્યારે આ પેટ્રોલ ક્યાંથી આવે છે? તેવો પ્રશ્ન વાહનચાલકોમાં ચર્ચાઈ રહ્યો છે.

ફતેપુરા તાલુકાના પેટ્રોલ પંપો ઉપર હાલ એક માસ ઉપરાંતના સમયથી પેટ્રોલ-ડીઝલ નહીં હોવાના પાટીયા લટકતા નજરે પડે છે.ત્યારે વાહનચાલકો ઝાલોદ,સંતરામપુર અથવા તો અન્ય જગ્યાના પેટ્રોલ પંપો ઉપર જઈ પેટ્રોલ-ડીઝલ પૂરાવી રહ્યા છે.અને કોઈ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પેટ્રોલ આવે તો કલાકોની અંદર પૂરું થઈ જાય છે.જ્યારે બીજીબાજુ જોઈએ તો કેટલાક પેટ્રોલ પંપની આસપાસમાં તથા નાની મોટી દુકાનોમાં આજ પેટ્રોલ રૂપિયા 140થી રૂપિયા 160 ના લિટરના ભાવે ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું હોવાનું જોવા મળે છે.ત્યારે આ પેટ્રોલ સામાન્ય લોકો લાવે છે ક્યાંથી?તે પણ એક તપાસનો વિષય છે.

અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,જો પેટ્રોલ-ડીઝલની તંગી છે તો વાહન પ્રમાણે અમુક લીટરથી વધુ ડીઝલ પેટ્રોલ નહીં આપવાનો નિયમ હોવો જોઈએ.પરંતુ પેટ્રોલ-ડીઝલ આવતાં જ કેટલાક લોકો કાળા બજારમા ઊંચા ભાવે વેચાણ કરવાના આશયથી લિટરો બંધ પેટ્રોલ-ડીઝલ ખરીદ કરી લઈ જઈ વેચાણ કરી રહ્યા હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળે છે.ત્યારે જાહેરમાં ખુલ્લેઆમ પેટ્રોલનો વેપલો કરતા લોકો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.જો પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ આવતુના હોય તો આ કાળા બજારમાં ધંધો કરતા લોકોને પેટ્રોલ કઈ કંપની દ્વારા પૂરૂ પાડવામાં આવે છે?તે પણ એક સવાલ છે.

Most Popular

To Top