Madhya Gujarat

ફતેપુરાના બલૈયામાં બરોડા-ગુજરાત ગ્રામીણ બેંકમાં ગ્રાહકોને ધરમધક્કા

સુખસર: ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક મા અનેક ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.અને તેમાં ખેડૂતો,શ્રમિકો,નોકરિયાતો તથા વેપારીઓ જેવા હજારો બેંક ગ્રાહકો લેવડ-દેવડ કરતા આવેલ છે. તેમાં અવાર-નવાર બેંક ગ્રાહકોની ફરિયાદો ઉઠવા પામે છે.તેની રજૂઆતો પણ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવે છે. તે પ્રત્યે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધ્યાન નહીં અપાતા ના છૂટકે બેંકના જવાબદારોના મનસ્વી વહીવટને બેંક ગ્રાહકો સહન કરતા આવેલ છે. ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે આવેલ બરોડા-ગુજરાત ગ્રામીણ બેંકમાં હજારો ખાતાધારકો જેમાં ખેડૂતો,શ્રમિકો,નોકરિયાતો તથા વેપારી વર્ગના લોકો લેવડ-દેવડનો વહીવટ કરતા આવેલ છે.

ખેડૂતો તથા શ્રમિક લોકોને બેંક કર્મચારીઓની બેપરવાઈથી લેવડ-દેવડમાં મુશ્કેલીઓ ઉભી કરવામાં આવતી હોવાનું અને તેઓને દિવસો સુધી ધરમ ધકકા ખવડાવવામાં આવતા હોવાની ચર્ચા પણ સાંભળવા મળે છે.જ્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના અભણ ખેડૂતો અને શ્રમિક લોકો હિન્દી ભાષી બેંક કર્મચારીઓની ભાષા સમજી શકતા નથી.જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોની ભાષા બેંકના કર્મચારીઓ સમજી શકતા નથી ત્યારે બેંકના ગ્રાહકો દિવસો સુધી બેંકના ધરમધક્કા ખાવા છતાં કામો નહીં થતા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે.

જ્યારે કોઈક જાગૃત વ્યક્તિ બેંકના ગ્રાહકોને પડતી મુશ્કેલી બાબતે બેંક મેનેજરને રજૂઆત કરવા જાય છે ત્યારે બેંક મેનેજર દ્વારા”તમારે થાય ત્યાં રજૂઆત કરો”ના જવાબો આપી ઉદ્ધવતાઇ ભર્યું વર્તન કરવામાં આવતું હોવાનું બેંક ગ્રાહકો દ્વારા જાણવા મળે છે. પ્રશ્નએ થાય કે શ્રમિક અને અભણ ખેડૂતો સામે બેંક કર્મચારીઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યા જવાબો આપવામાં આવે છે તેમાં આ બેંક કર્મચારીઓને મનસ્વી વહીવટ ચલાવવા તેમના ઉચ્ચ અધિકારીઓનુ પીઠબળ છે કે તેમને પોતાની ફરજનું ભાન નથી?તે એક સવાલ છે.તેમજ હાલ છેલ્લા ત્રણેક દિવસથી કનેકટીવીટી ખોરવાતા સેંકડો બેંક ગ્રાહકો બેંકના ધરમધક્કા ખાઇ રહ્યા હોવા છતાં તેમાં કોઇ સુધારો થતો નહીં હોવાનું જાણવા મળે છે.બેંક દ્વારા છેલ્લા એક વર્ષમાં ખેત ધિરાણ તથા લોન વિગેરેના લાભાર્થીઓની તપાસ કરવામાં આવે તેવી પણ બેંક ગ્રાહકોની માંગ ઉઠી છે.

Most Popular

To Top